image : Social media
Vadodara : વાહન વ્યવહાર અને વેપાર વાણિજ્યથી ધમધમતા સાંકડા લહેરીપુરા ન્યુ રોડ પર ડિવાઇડર લગાવવાની તૈયારીઓ થતા સ્થાનિક વેપારી મર્ચન્ટ એસોસિએશન દ્વારા આવેદનપત્ર આપીને રજૂઆત કરવા મેયર પાસે આવ્યા હતા પરંતુ અડધો કલાક બેસાડ્યા બાદ મારે જવાનું છે એમ કહીને રવાના થઈ જતા વેપારીઓએ ડેપ્યુટી મેયરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.
ઉલ્લેખનીય છે કે લહેરીપુરા ન્યુ રોડ વેપાર વાણિજ્યથી સતત ધમધમતો રહે છે. કેટલાય વેપારીઓને ત્યાંથી માલની સતત હેરાફેરી થતી રહે છે. ઉપરાંત વેપારીઓના પોતાના વાહન તથા આવતા ગ્રાહકોના વાહનોના કારણે સાંકડો રસ્તો વધુ સાંકડો બની જાય છે. પરિણામે હાલમાં પણ વારંવાર ચક્કાજામની સ્થિતિ બસ દરમિયાન સર્જાયા કરે છે. જ્યારે બીજી બાજુ પાલિકા તંત્ર દ્વારા આવો સાંકડો રોડ હોવા છતાં પણ રોડ ડીવાઇડર મૂકવાની કાર્યવાહી શરૂ કરી છે, પરિણામે મર્ચન્ટ એસોસિએશનના વેપારીઓને આવેદનપત્ર આપીને રજૂઆત કરવા આવ્યા હતા.
મેયરને રજૂઆત કરવા પહોંચ્યા પરંતુ મેયરને બહાર જવાનું હોવાથી તેઓ મળી શક્યા નહીં જેથી વેપારીઓએ ડેપ્યુટી મેયરને આવેદનપત્ર આપી ડિવાઇડર નહીં બનાવવાની માંગણી કરી હતી. હાલમાં હજી ડિવાઇડર મૂકવાની કામગીરી શરૂ નથી થઈ પરંતુ ડિવાઇડર મુકાઈ ગયા બાદ તેને કાઢવાનો પણ અલગથી ખર્ચ થશે એવી મર્ચન્ટ એસોસિએશનની રજૂઆત હતી.