વડોદરા,એમ.એસ.યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા ૧૯ વર્ષના જમ્મુ કાશ્મીરના વિદ્યાર્થીએ રાતે દોઢ વાગ્યે હોસ્ટેલના કોમન રૃમમાં પંખા પર ચાદર વડે ફાંસો ખાઇ લીધો હતો. તેના પરિવારને આ અંગે જાણ કરવામાં આવી છે. પ્રથમ વર્ષની એટીકેટી સોલ્વ નહીં થતા તેણે આપઘાત કયો હોવાનું હાલના તબક્કે જણાઇ આવ્યું છે.
જમ્મુ કાશ્મીરના ઉધમપુર જિલ્લાના ઘોરડી ગામે રહેતા કાશ્મીરી પંડિત પરિવારનો અભિષેક રોમેશચંદર શર્મા ( ઉં.વ.૧૯) એમ.એસ.યુનિવર્સિટીમાં બી.ઇ. મિકેનિકલનો અભ્યાસ કરે છે. પોલિટેકનિક ખાતે આવેલી હોસ્ટેલના એમ.વી. હોલમાં તે રહેતો હતો. બીજા વર્ષમાં અભ્યાસ કરતા અભિષેકની પ્રથમ વર્ષમાં એટીકેટી આવી હતી. પહેલા વર્ષની એટીકેટી સોલ્વ ના થાય તો તે બીજા વર્ષમાં જઇ શકે પણ ત્રીજા વર્ષમાં જઇ શકે તેમ નહતો. હાલમાં જ તેણે પરીક્ષા આપી હતી. તે પરીક્ષા પણ સારી ગઇ નહતી. જેના કારણે છેલ્લા કેટલાક દિવસથી તે તનાવમાં રહેતો હતો. ગઇકાલે રાતે ૧૨ વાગ્યે તે એકલો રૃમની બહાર નીકળી ગયો હતો. ત્યારબાદ તેના મિત્રો પણ તેને શોધવા નીકળ્યા હતા. પરંતુ, તે મળી આવ્યો નહતો. રાતે એક થી દોઢ વાગ્યાના અરસામાં અભિષેક ચાદર લઇને એમ.વી. હોલના કોમન હોલમાં ગયો હતો. કોમન હોલનો દરવાજો અંદરથી બંધ કરીને તેણે હોલમાં સાઇડ પર પડેલું ટેબલ પંખાની નીચે લાવીને મૂક્યું હતું. ત્યારબાદ ટેબલ પર ચઢીને તેણે ચાદરનો ગાળિયો બનાવી ફાંસો ખાઇ લીધો હતો. આ સમગ્ર ઘટના કોમન હોલમાં ફિટ કરેલા સીસીટીવીમાં સ્પષ્ટ દેખાઇ હતી.
બીજીતરફ તેના મિત્રો શોધતા શોધતા કોમન હોલમાં આવ્યા હતા. કોમન હોલનો દરવાજો અંદરથી બંધ હોઇ તેઓને શંકા જતા દરવાજાની ઉપરના વેન્ટિલેશનમાંથી જોતા અભિષેક ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. જે અંગે ફતેગંજ પોલીસને જાણ કરવામાં આવતા પી.એસ.આઇ. આર.બી.બારિયા તથા હે.કો. ભારસીંગભાઇએ સ્થળ પર દોડી જઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કાલાઘોડા બ્રિજ પરથી કૂદવાનો હોવાની શંકાથી મિત્રો દોડી ગયા
વડોદરા,અભિષેક શર્માના મિત્રો ગઇકાલ રાતથી તેને શોધી રહ્યા હતા. તેઓને એવી જાણ થઇ હતી કે, અભિષેક કાલાઘોડા બ્રિજ પરથી કૂદવા ગયો છે. જેથી, એક સિનિયર સ્ટુડન્ટ લીડરનો તેમણે સંપર્ક કરી ત્યાં જવા માટે વાહન માંગ્યું હતું. તેઓ ત્યાં જઇને ચેક કરી આવ્યા હતા. પરંતુ, અભિષેક મળ્યો નહતો. અભિષેક તનાવમાં રહેતો હોઇ સિનિયર સ્ટુડન્ટે તેને સમજાવ્યો પણ હતો. છેલ્લા અઠવાડિયામાં તે બે થી ત્રણ વખત આ રીતે હોસ્ટેલ છોડીને ચાલ્યો ગયો હતો અને પરત આવી ગયો હતો.
મૃતદેહને ફ્લાઇટમાં જમ્મુ કાશ્મીર લઇ જવાશે
વડોદરા,અભિષેકના પિતાનું બે વર્ષ પહેલા અવસાન થયું હતું. તેની બે બહેનો છે.તેનો ભાઇ જમ્મુ કાશ્મીર પોલીસ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરે છે. તેના પરિવારને જાણ કરવામાં આવી હતી. તેના ભાઇને વીડિયો કોલ કરીને પોલીસે વાત કરી હતી. અભિષેકનો કૌટુંબિક ભાઇ અમદાવાદ રહેતો હોઇ તે મૃતદેહનો કબજો લેવા આવ્યો હતો. રાતે મૃતદેહને અમદાવાદ લઇ જવામાં આવશે. ત્યારબાદ વહેલી સવારની ફ્લાઇટમાં તેને જમ્મુ કાશ્મીર લઇ જવાશે.
છ મહિના પહેલા સાયન્સ ફેકલ્ટીના સ્ટુડન્ટે આપઘાતો કર્યો હતો
વડોદરા,પોરબંદર તાલુકાના રાતીયા ગામે રહેતો ૧૮ વર્ષનો વનરાજ મુળુભાઈ રાતીયા એમ.એસ. યુનિવસટીની સાયન્સ ફેકલ્ટીમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો અને નિઝામપુરા રોડ પર આવેલી ડાયમંડ જુબેલી હોસ્ટેલમાં રૃમ નંબર – ૨૨ માં રહેતો હતો. ગત તા. ૨૫ – ૦૯ – ૨૦૨૪ ના રોજ તેણે પંખા પર નાયલોનની દોરી વડે ફાંસો ખાઈ લીધો હતો.