વડોદરાઃ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનની વડોદરા સ્થિત ગુજરાત રિફાઈનરીની બેન્ઝિન સ્ટોરેજ ટેન્કમાં તા.૧૭ નવેમ્બરના રોજ લાગેલી પ્રચંડ આગમાં બેના મોત થયા હતા.સમગ્ર વડોદરાના જીવ અધ્ધર કરી દેનાર આ હોનારત બાદની તપાસમાં સરકારની સંખ્યાબંધ એજન્સીઓ જોડાઈ છે.
આ પૈકી ઈન્ડસ્ટ્રીયલ હેલ્થ એન્ડ સેફટી વિભાગે પોતાની તપાસ પૂરી કરી દીધી છે.જેના નાયબ નિયામક એચ પી પરમારે કહ્યું હતું કે, ગુજરાત રિફાઈનરી દ્વારા ઔદ્યોગિક સુરક્ષા સુનિશ્ચિત નહીં કરવામાં આવી હોવાના કારણે આ આગ લાગી હોવાનું તપાસમાં પ્રાથમિક તબક્કે બહાર આવ્યું છે.જેના માટે ગુજરાત રિફાઈનરીને કારણ દર્શક નોટિસ ફટકારીને જવાબ રજૂ કરવા માટે કહેવામાં આવ્યું છે.હવે રિફાઈનરી સત્તાધીશો શું જવાબ આપે છે તેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.જરુર પડે તો ફેકટરી એકટ હેઠળ રિફાઈનરી સામે કોર્ટમાં કેસ પણ દાખલ કરવામાં આવશે.
રિફાઈનરી પોતે આગ હોનારતની તપાસ કરી રહી છે.તેની સાથે એફએસએલ, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જેવી બીજી પણ સરકારી એજન્સીઓ તપાસ કરી રહી છે.જોકે ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગે પોતાની તપાસ પૂરી કરી દીધી છે.બીજી તરફ રિફાઈનરીએ પોતે બનાવેલી તપાસ સમિતિની તપાસમાં શું બહાર આવ્યું છે તેની જાણકારી રિફાઈનરીએ હજી સાર્વજનિક કરી ન થી.
ઉલ્લેખનીય છે કે, તા.૧૭ નવેમ્બરે બેન્ઝિન સ્ટોરેજ ટેન્કમાં લાગેલી આગમાં બે ટેન્કો ભસ્મીભૂત થઈ ગઈ હતી અને તેના કારણે સમગ્ર કલાકો સુધી અધ્ધર શ્વાસે રહ્યું હતું.લગભગ ૧૦ કલાક બાદ આગ પર કાબૂ મેળવી શકાયો હતો.