વડોદરા,વડોદરા મ્યુનિ.કોર્પોરેશનના કર્મચારીઓ, પેન્શનરો અને તેઓ ઉપર આધારીત તેઓનાં કુટુંબીજનો તેમજ સ્વાતંત્ર્ય સેનાનીઓને ઓ.પી.ડી. સારવારના મેડિકલ બિલોમાં જૂની પ્રથા પુનઃ લાગુ કરવા સંદર્ભે સ્થાયી સમિતિમાં દરખાસ્ત રજૂ કરાઇ છે.
હાલમાં ઓ.પી.ડી. સારવારનાં મેડિકલ બિલો રીએમ્બર્સ કરવાનાં નિયમમાં સ્થાયી સમિતિ તેમજ સામાન્ય સભાએ ફેરફાર મંજૂર કર્યા છે. જેમાં ઓ.પી.ડી. દવાઓ હેલ્થ સેન્ટરો અને જન ઔષધિ કેન્દ્ર પરથી લેવાની રહે છે. ઘણીવાર દવાઓ મળે નહીં તે સમયે હેલ્થ સેન્ટર દ્વારા સર્ટીફાઇડ કર્યા બાદ હોલસેલ ભાવે રીએમ્બર્સમેન્ટ કરવામાં આવે છે. જો કે હવે મેડિકલ રીએમ્બર્સ માટે જૂની પ્રથા પુનઃ ચાલુ કરવાનું સૂચન કરેલું છે. જૂની પ્રથામાં માન્ય, ટ્રસ્ટ અને ખાનગી હોસ્પિટલોમાં ઓ.પી.ડી. અથવા ઇન્ડોર નિદાન તેમજ સારવારનાં મેડિકલ બિલો રીએમ્બર્સ કરવામાં આવે છે.
હોસ્પિટલોમાં ડોકટર દ્વારા પ્રિસ્ક્રાઇબડ ઓ.પી.ડી. સારવારનાં મેડિકલ સ્ટોર પરથી લીધેલી દવાઓનાં બિલો મંજુર કરવામાં આવે છે. જેની સામે નવી પ્રથા દાખલ કરાતા કર્મચારી મંડળો દ્વારા વિરોધ થયો હતો અને અવારનવાર રજૂઆતો કરી જૂની પ્રથા ફરી શરૃ કરવા માગ કરી હતી.