વડોદરાઃ વડોદરામાં મોલની ફ્રેન્ચાઇઝી ધરાવતા ઇન્વેસ્ટરને લોભામણી સ્કીમમાં ફસાવી ૬૨ લાખ પડાવી લેવાના બનાવમાં વડોદરા સાયબર સેલે યુપીમાં પકડાયેલા બે આરોપીની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી છે.
જેતલપુર રોડ પર કાશીવિશ્વેશ્વર ટાઉનશિપમાં રહેતા અને બંસલ મોલની ફ્રેન્ચાઇઝી ધરાવાત અજયભાઇ અગ્રવાલને ગઇ તા.૧૮મી મે એ ઇન્સ્ટાગ્રામ પર ૬૦૦ ટકા રિટર્નની સ્કીમમાં ફસાવનાર ગેંગ દ્વારા રૃ.૬૨ લાખ ટ્રાન્સફર કરાવી લેવામાં આવ્યા હતા.
આ ગુનામાં યુપીના બેન્ક એકાઉન્ટનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.જેમાં રૃ.૩૨.૫૦ લાખ ટ્રાન્સફર થયા હતા.જેથી વડોદરા સાયબર સેલના પીઆઇ જેડી પરમાર અને ટીમ દ્વારા આ એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યું હતું.
બીજીતરફ યુપીની કર્નલગંજ પોલીસે સાયબર ફ્રોડના એક ગુનામાં મોહંમદ જાવેદ અખ્તર અબ્દુલ જબ્બાર(કર્નલ ગંજ,કાનપુર) અને તેને ટેકનિકલી મદદ કરતા એન્જિનિયર મો.સ્વાલેહ શકીલ એહમદ(બેકગંજ,કાનપુર) ને ઝડપી પાડતાં તેમની પાસે વડોદરાના ૬૨ લાખની ઠગાઇના કેસની વિગતો ખૂલી હતી. જેથી વડોદરા પોલીસે ૬૨ લાખની ઠગાઇના કેસમાં બંને આરોપીની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી છે.
32.50 લાખની રકમ મદ્રેસાના નામના એકાઉન્ટમાં ટ્રાન્સફર થઇ હતી
વડોદરાના મોલ સંચાલકના એકાઉન્ટમાંથી ટ્રાન્સફર થયેલા રૃ.૬૨ લાખ માંથી ૩૨.૫૦ લાખ જે એકાઉન્ટમાં જમા થયા હતા તે એકાઉન્ટ મદ્રેસાના નામે હોવાની પ્રાથમિક માહિતી મળી છે.આ એકાઉન્ટ મૌલાના તરીકે ઓળખાતો મો.જાવેદ અખ્તર દેખરેખ રાખતો હોવાની માહિતી મળી છે. મો.સ્વાલેહે બેન્ક એકાઉન્ટમાં નેટ બેન્કિંગ એક્ટિવેટ કરાવ્યું હતું.૬૨ લાખ પૈકીની બાકીની રકમ નો તાળો પોલીસ મેળવી રહી છે.