વડોદરા,શેઠે નોકરી પરથી કાઢી મૂકતા ઉશ્કેરાયેલા યુવકે શેઠ પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. જે અંગે કપુરાઇ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ગોત્રી રોડ રામેશ્વર સ્કૂલ પાસે સાંઇનાથ પાર્ક સોસાયટીમાં રહેતો અંકિત દિનેશભાઇ પ્રજાપતિ ફ્રેશ કિંગ ગાર્લિકના નામે ધંધો કરે છે. કપુરાઇ પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,આજે સવારે સાડા સાત વાગ્યે હું વેપાર અર્થે નીકળી ડભોઇ રોડ પર આવ્યો હતો. હાઇવે પર આવેલી અલગ – અલગ હોટલ પર હું લસણ આપીને પોણા નવ વાગ્યે કપુરાઇ ચોકડી અને તરસાલી બ્રિજની વચ્ચે દાવત હોટલ પર સામાન આપવા માટે ગયો હતો. તે દરમિયાન જય પ્રજાપતિ ( રહે. ઘાઘરેટિયા, સોમા તળાવ) ત્યાં આવ્યો હતો. જય અમારી ઓફિસમાં કરતા એક બહેન સાથે ઝઘડો કરતો હોવાથી મેં તેને નોકરીમાંથી કાઢી મૂક્યો હતો. તેણે મને કહ્યું કે, તે મને નોકરી પરથી કાઢી મૂક્યો તો પેલા બહેનને પણ નોકરી પરથી કાઢી મૂક. તેણે મારી સાથે ઝઘડો કરી ચપ્પુ વડે મારા પર હુમલો કર્યો હતો. મેં બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો ભેગા થઇ ગયા હતા. ત્યારબાદ હુમલાખોર ત્યાંથી ભાગી ગયો હતો.