વડોદરા,બિલ ગામમાં રહેતા સ્કૂલના પ્રિન્સિપાલે ઘરે અગમ્ય કારણોસર ગળા ફાંસો ખાઇને જીવન ટૂંકાવી દીધું હતું. જે અંગે અટલાદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, બિલ ગામ હરિદર્શન સોસાયટીમાં રહેતા ૪૨ વર્ષના સરતાનભાઇ મોહનભાઇ પટેલ બિલ ગામની સરકારી એસ.એસ. પટેલ સ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે નોકરી કરતા હતા. તેમના પત્ની પણ અન્ય સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરે છે. તેઓને સંતાનમાં એક પુત્ર છે. આજે સવારે તેમના પત્ની નોકરી ગયા હતા. સરતાનભાઇ પણ નોકરી જવાના હતા. બપોરે ત્રણ વાગ્યે તેમના પત્ની નોકરીથી પરત આવ્યા હતા. તેમણે ઘરે પહેલા માળે ગયા ત્યારે તેમના પતિ ગળા ફાંસો ખાધેલી હાલતમાં લટકતા હતા. જે અંગે અટલાદરા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે સ્થળ પર જઇ મૃતદેહને પી.એમ. માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. આપઘાતનું કોઇ ચોક્કસ કારણ હજી જાણી શકાયું નથી. સરતાનભાઇનું મૂળ વતન દેવગઢબારિયા છે. તેઓ છેલ્લા ૧૭ વર્ષથી ઉપરોક્ત સરનામે રહેતા હતા.