વડોદરાઃ સતત અવરજવરથી ધમધમતા દાંડિયા બજાર ચારરસ્તા પાસેનું એપાર્ટમેન્ટ ગમે તે ઘડીએ હોનારત સર્જશે તેવો ભય લોકો વ્યક્ત કરી રહ્યા છે પરંતુ કોર્પોરેશનના પેટનું પાણી હાલતું નથી.
છેલ્લા કેટલાક વર્ષોથી દાંડિયાબજારના છ માળનું રાજેશ્રી એપાર્ટમેન્ટ અત્યંત જર્જરિત અવસ્થામાં છે અને અવારનવાર તેના ભાગો નીચે પડી રહ્યા છે.જેને કારણે વાહનોને નુકસાન થયું હોવાના પણ બનાવ બન્યા છે.
આ એપાર્ટમેન્ટ ગમે તે ઘડીએ ધબાયમાન થઇ જાય તેમ હોવાથી કોર્પોરેશને તેને ભયજનક જાહેર કરી ખાલી કરાવી દીધું છે અને તેના લાઇટ,પાણી અને ડ્રેનેજના કનેક્શન પણ કાપી નાંખ્યા છે.આ ઉપરાંત ચાર રસ્તાથી કોર્પોરેશન તરફ જવાના માર્ગ પર પતરાં લગાવ્યા છે.
પરંતુ આમ છતાં આ એપાર્ટમેન્ટની નીચેથી સતત ટ્રાફિક ચાલુ છે.જેથી ગમે તે ઘડીએ આ કોમ્પ્લેક્સ તૂટી પડે તો વાહનચાલકો કે રાહદારીઓના જાનનું જોખમ હોવા છતાં આ બિલ્ડિંગ કેમ ઉતારી લેવામાં આવતું નથી..શું કોઇ હોનારતની રાહ જોવાઇ રહી છે? તેવા સવાલ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
કોર્પોરેશન માંડ 200 મીટર દૂર છે, નેતાઓ-અધિકારીઓ પસાર થતા હોય છે
દાંડિયા બજારના અત્યંત જર્જરિત રાજેશ્રી બિલ્ડિંગથી કોર્પોરેશનની ઓફિસ માંડ ૨૦૦ મીટર દૂર આવેલી છે.જ્યારે,નેતાઓ અને અધિકારીઓ પણ અહીંથી અવરજવર કરતા હોય છે.આમ છતાં આ બિલ્ડિંગને શા માટે જર્જરિત અવસ્થામાં રાખી મુકવામાં આવ્યું છે.આ બિલ્ડિંગ તૂટે અને જાનહાનિ થશે તો જવાબદારી કોની? જો ખાનગી માલિકીની બિલ્ડિંગ છે તો પછી કોર્પોરેશન બિલ્ડિંગ ઉતારવા માટે તેમને ફરજ કેમ પાડતી નથી ? જેવા સવાલો પૂછાઇ રહ્યા છે.