Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનો સરદાર બાગ સ્વિમિંગ પૂલ દસેક દિવસમાં ચાલુ થઈ જશે. સ્વિમિંગ પૂલનું રીપેરીંગનું કામ પૂર્ણ થયું છે. હાલ સફાઈની કામગીરી ચાલુ છે અને આવતીકાલથી તેમાં પાણી ભરવાની શરૂઆત કરવામાં આવશે. સરદારબાગ સ્વિમિંગ પૂલના હોજની પાણીની ક્ષમતા 45,000 લિટરની છે. આ હોજમાં પાણી ભરવા વડીવાડી પાણીની ટાંકીથી અલગ પાણીની લાઈન આપવામાં આવી છે.
ઉનાળામાં પાણીની ડિમાન્ડ વધતા ટાંકીમાં સંપના લેવલને ધ્યાનમાં રાખીને સ્વિમિંગ પૂલમાં પાણી આપવામાં આવશે. સામાન્ય રીતે પાંચ છ દિવસમાં હોજ ભરાઈ જશે, ત્યારબાદ પાણીનું ફિલ્ટરેશન કરવામાં આવશે. આ અગાઉ સ્વિમિંગ પૂલમાં નીચેથી પાણી ફૂટતા કેમિકલ પ્રોસેસ કરીને હાલ ઉનાળામાં સ્વિમિંગની ડિમાન્ડ વધતા કામચલાઉ રીપેરીંગ કરવામાં આવ્યું છે. સવારે 6 થી 10 અને સાંજે 5 થી 8 સ્વિમિંગ માટે ટાઈમ રાખવામાં આવશે. સવારે 8 થી 9નો સમય લર્નર માટે રહેશે. જ્યારે 9 થી 10 ની બેચ મહિલા માટે રહેશે. જ્યારે સાંજે 7 થી 8 ની બેચ લર્નર માટે રાખવામાં આવશે. આ સ્વિમિંગ પૂલમાં 1984 થી મેમ્બર નોંધાયેલા છે. આમ જોઈએ તો કુલ સંખ્યા 8,000 જેટલી છે, પરંતુ છેલ્લે હમણાં સ્વિમર્સનું કેવાયસી કરવામાં આવતા 800 જેટલી નોંધણી થઈ છે.