વડોદરાઃ અકોટા સ્ટેડિયમ નજીક આવેલા ખોડિયાર માતાના મંદિરે ચોરોએ દસ દિવસમાં બીજીવાર ચોરી કરી પોલીસ માટે પડકાર ફેક્યો છે.
અકોટા સ્ટેડિયમના ખૂણા પાસે આવેલા આઇશ્રી ખોડિયારના મંદિરના પૂજારી રાજુભાઇએ પોલીસને કહ્યું હતું કે,આજે વહેલી સવારે મંદિર ખોલ્યું ત્યારે સ્ટીલની દાનપેટી ખૂલ્લી હતી.આ દાનપેટીમાં અંદાજે રૃ.૧૨ હજાર જેટલી રકમ હશે.
આ ઉપરાંત ચોરો માતાજીનો ચાંદીનો મુગટ પણ ઉતારી ગયા હતા.જ્યારે,ચાંદીની બે ગાય પણ ચોરી ગયા હતા.આમ,ચોરો અંદાજે રૃ.૫૦ હજાર જેટલી મત્તા ચોરી ફરાર થયા હતા.
નોંધપાત્ર બાબત એ છે કે,દસ દિવસ પહેલાં પણ આ મંદિરમાં ચોરીનો બનાવ બન્યો હતો.પરંતુ પોલીસને ચોરોના કોઇ સગડ મળ્યા નહતા.અકોટા પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવવા માટે બે ટીમો કામે લગાડી છે.