વડોદરા,ભાયલી સેવાસી રોડ નિલાબર એડિફીસ ફ્લેટ નજીકથી મોપેડ લઇને જતા સિનિયર સિટિઝનને કાર ચલાવતી મહિલાએ ટક્કર મારતા ગંભીર ઇજા થઇ હતી. સારવાર દરમિયાન તેઓનું મોત થતા તાલુકા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગોત્રી રોડ આંગન ડૂપ્લેક્સમાં લહેતા જનકકુમાર ગિરધરલાલ પંચોલી (ઉં.વ.૬૨) ભાયલીની સ્ટેટ બેન્કમાં કોન્ટ્રાક્ટ પર ઓડિટર તરીકે નોકરી કરતા હતા. ગત તા. ૩ જી એ તેઓ મોપેડ લઇને સવારે પોણા દશ વાગ્યે બેન્કમાં નોકરી કરવા માટે ગયા હતા. બપોરે દોઢ વાગ્યે તેઓ ભાયલી સેવાસી રોડ નિલાંબર એડિફીસ ફ્લેટ પાસેથી જતા હતા. તે દરમિયાન હોન્ડા સિટિ કાર ચલાવતી મહિલાએ મોપેડને ટક્કર મારતા જનકકુમારને છાતીમાં પાંસળી પર અને માથામાં ગંભીર ઇજાઓ થઇ હતી. કાર ચાલક મહિલાએ આ અંગે જનકકુમારના પુત્રને કોલ કરીને જાણ કરી હતી. જેથી, તેમનો પુત્ર ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ઇજાગ્રસ્ત પિતાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેઓનું મોત થયું હતું. પોલીસે મૃતકના પુત્રની ફરિયાદના આધારે કાર ચલાવતી મહિલા સોનલબેન નીરજભાઇ ચોક્સી (રહે. ભાયલી ગામ, નિલાંબર એડિફીસ ફ્લેટ ) ની સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. અકસ્માત પછી કાર રિપેરીંગ માટે શો રૃમમાં મૂકવામાં આવી હતી. ત્યાંથી પોલીસે કાર કબજે લીધી છે. જ્યારે મહિલા કાર ચાલકની ધરપકડ હજી બાકી છે.