વડોદરા,પરીક્ષાના ટેન્શનમાં ૨૭ વર્ષના યુવકે એસિડ પી લેતા તેની તબિયત બગડી હતી. તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.પરંતુ, છ દિવસની સારવાર બાદ તેનું મોત થયું હતું.
છાણી જકાતનાકા ટી.પી. ૧૩ વિસ્તારમાં શકુંતલ એપાર્ટમેન્ટમાં રહેતો નિરવ અશ્વિનભાઇ ગોહિલ (ઉં.વ.૨૭) ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો. ગત ૮ મી તારીખે સવારે સાડા છ વાગ્યે એસિડ પી લીધું હતું. તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. ફતેગંજ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. એસ.આર.વસાવાએ હાથ ધરેલી તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, ૧૨ મી તારીખે તેની પરીક્ષા હતી. પરીક્ષાના કારણે ટેન્શનમાં આવીને તેણે એસિડ પી લીધું હતું. એસિડ પીધા પછી તેને વધુ પડતી ખાંસી થતા માતા – પિતાને શંકા જતા તેને સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગયા હતા. તેના પિતા દરજી કામ કરે છે. જ્યારે માતા ઘરકામ કરે છે. નિરવ એક નો એક સંતાન હતો. અગાઉ તે ૧૫ દિવસ માટે કેનેડા અભ્યાસ કરવા ગયો હતો. પરંતુ, નહીં ફાવતા તે પરત આવી ગયો હતો.