વડોદરા,ભાયલી ગામની સીમમાં પાંચ મહિના પહેલા યુવતી સાથે ગેંગરેપ કરવાના ગુનામાં પકડાયેલા પાંચ આરોપીઓને આજે બોયફ્રેન્ડે કોર્ટમાં ઓળખી બતાવ્યા હતા.
ભાયલી ગામની સીમમાં ગત તા. ૦૪ – ૧૦ – ૨૦૨૪ ના રોજ બોયફ્રેન્ડ સાથે બેસેલી યુવતી પર ગેંગરેપ કરવામાં આવ્યો હતો. આ ગુનામાં પોલીસે પાંચ આરોપીઓ (૧) સૈફઅલી મહેંદી હસન બનજારા (૨) અજમલ સત્તારભાઇ બનજારા ( બંને રહે. ચોતરા પાસે,કાળી તલાવડી, તાંદલજા, મૂળ રહે.યુ.પી.) (૩) શાહરૃખ કિસ્મતઅલી બનજારા (રહે.અક્ષર હાઇટ્સ, તાંદલજા, મૂળ રહે. યુ.પી.) (૪) મુમતાજ ઉર્ફે આફતાબ સૂબેદાર બનજારા તથા (૫) મુન્ના અબ્બાસભાઇ બનજારા (બંને રહે. એકતાનગર, કિસ્મત ચોકડી પાસે, તાંદલજા) ની ધરપકડ કરી હતી. આ કેસની ટ્રાયલ હાલમાં જજ એમ.એમ.સૈયદની કોર્ટમાં ચાલી રહી છે. આજે હાથ ધરાયેલી સુનાવણી દરમિયાન યુવતીના બોયફ્રેન્ડની જુબાની હાથ ધરવામાં આવી હતી. તેણે પાંચેય આરોપીઓને ઓળખી બતાવ્યા હતા. સરકાર તરફે સ્પેશ્યલ પબ્લિક પ્રોસિક્યૂટર શૈલેષ પટેલે જણાવ્યું હતું કે, આગામી ૧૮ મી તારીખે આ કેસની વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.