વડોદરા : સાવલી કોર્ટે બળાત્કાર અને અપ્રાકૃતિક સેક્સના ગુનામાં વાઘોડિયાના ૩૬ વર્ષના આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. સજાના હુકમમાં કોર્ટે ખાસ નોંધ કરી છે કે આજીવનનો મતલબ આરોપીનું બાકીનું તમામ જીવન હવે જેલમાં વિતાવવુ પડશે.
કેસની વિગતો એવી છે કે વાઘોડિયા તાલુકામા રહેતી ૫૫ વર્ષની મહિલા ૩ જુન ૨૦૨૨ના રોજ ઢોર ચરાવવા માટે કોતરમાં રહેતી હતી ત્યારે ખાંધા ગામના બસ સ્ટેન્ડ ફળિયામાં રહેતો પ્રવિણ અરવિંદભાઇ વસાવા (ઉ.૩૫) ત્યાં આવી પહોંચ્યો હતો અને મહિલાને ધાક ધમકી આપીને સૃષ્ટિ વિરૃધ્ધનું કૃત્ય કર્યુ હતું. જો કે અગાઉ પણ બે વખત પ્રવિણે બળાત્કાર અને અકૃદરતી સેક્સ કર્યુ હોવાથી મહિલા કંટાળી ગઇ હતી એટલે પ્રવિણ વિરૃધ્ધ ફરિયાદ નોંધાવતા તા.૬ જુન ૨૦૨૨ના રોજ પ્રવિણની ધરપકડ થઇ હતી.
આ કેસ સાવલી કોર્ટમાં ચાલી જતાં ખાસ સરકારી વકીલ રઘુવીર પંડયાએ આરોપીને મહતમ સજા મળે તે માટે દલીલો કરી હતી કે પીડિત મહિલા આરોપી પ્રવિણની માતાની ઉમરની છે. આ ઘટનાને સ્ત્રી વિરોધી ઘટના ગણવી જોઇએ કેમ કે આ પ્રકારના ગુના બનતા રહે તો દીકરીઓ, યુવતીઓ અને મહિલાઓ ઘરમાંથી બહાર નીકળતા ડરશે. આરોપી પ્રવિણે વિકૃત આનંદ લેવા માટે સૃષ્ટિ વિરૃધ્ધનું કૃત્ય કરવાની સાથે મહિલાને પેશાબ પણ પીવડાવ્યો હતો. આવુ કૃત્ય પતિ જો પત્ની સાથે કરે તો પણ ગુનો છે. કુદરતી રીતે પણ તે યોગ્ય નથી. સ્ત્રીઓને સુરક્ષાનો અનુભવ થાય તે માટે કાયદાએ દાખલો બેસાડવો જોઇએ. કોર્ટે આ દલીલો અને ડીએસપી રોહન આનંદની આગેવાનીમાં પોલીસે એકઠા કરેલા પુરાવાઓને ધ્યાનમાં રાખીને એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જ્જ જે.એ.ઠક્કરે આરોપીને આજીવન કેદની સજા સાથે રૃ.૨૫ હજારનો દંડ ફટકાર્યો છે. જ્યારે પીડિત મહિલાને રૃ.૭ લાખ વળતર તરીકે ચુકવવા જિલ્લા કાનુની સેવા સત્તા મંડળને ભલામણ કરવામા આવી છે.