વડોદરા,મકરપુરા ગામમાં અકસ્માતના પગલે પિતા પુત્ર પર પાડોશીએ હુમલો કર્યો હતો. જે અંગે મકરપુરા પોલીસે ગુનો દાખલ કર્યો છે.
મકરપુરા ગામ બ્રાહ્મણ ફળિયામાં રહેતા દિપ્તીબેન અમીતભાઇ ઠાકોરે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારા પતિ મકરપુરા જી.આઇ.ડી.સી.માં નોકરી કરે છે. ગત તા.૨૪ મી એ હું તથા મારા પતિ બાઇક પર બેસીને તરસાલીથી ઘરે આવતા હતા. તે સમયે અમારા ઘરની પાછળ રહેતા મયૂર સોલંકીએ તેની કાર અમારી બાઇક સાથે અથાડી હતી. જે અંગે મારા પતિ અમીતને કહેવા જતા અમીત અને તેની સાથેની બે વ્યક્તિઓએ મારા પતિ સાથે ઝઘડો કરી માર માર્યો હતો. મારા પતિએ ઘરે આવીને મારા સસરા રાજેન્દ્રભાઇને વાત કરતા તેઓ બંને મયૂરને કહેવા માટે તેના ઘરે ગયા હતા. મયૂર અને તેની સાથેની બે વ્યક્તિઓએ ઝઘડો કર્યો હતો. મયૂરે ધારદાર હથિયાર મારા સસરાના માથાના ભાગે મારી દીધું હતું. ત્રણેય આરોપીઓએ એવી ધમકી આપી હતી કે, આજે તો તમે બચી ગયા છો. બીજી વખત તમને જીવતા નહીં છોડું. અમારી સમાધાનની વાત ચાલતી હોઇ જે – તે સમયે ફરિયાદ આપી નહતી.