Vadodara Fire: વડોદરા શહેરના બે અલગ-અલગ વિસ્તારોમાં આગની ઘટના સામે આવી છે. જેમાં સયાજીપુરા વિસ્તારમાં આવેલા ફ્લેટમાં આગ લાગતાં એક પુરૂષ જીવતો ભુંજાયો છે. જ્યારે અન્ય એક આગની ઘટના શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલી SRP ગ્રુપ-9ના સ્ટોરરૂમમાં વિકરાળ આગ લાગતાં લાખોનો સામાન બળીને ખાખ થઇ ગયો છે.
વડોદરાના વિનાયક રેસીડેન્સીમાં આગ
વડોદરાના સયાજીપુરા પાણીની ટાંકી પાસે આવેલી વિનાયક રેસીડેન્સીના બી ટાવરમાં રહેતા કિરણ રાણાના મકાનમાં શનિવારે વહેલી સવારે આગ લાગી હતી. જેના કારણે બેડમાં સુઈ રહેલા કિરણ રાણાનું મૃત્યું નિપજ્યું હતું. જ્યારે તેમના પત્ની હેતલબેન નો બચાવ થયો હતો. આ આગ લાગવાનું કારણ જણી શકાયું નથી. બનાવ બાદ ઘરવખરી પણ આગમાં લપેટાં હતા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.
વડોદરાના એસઆરપી ગ્રુપ 9 ના સ્ટોર રૂમોમાં વિકરાળ આગ : સાધન સામગ્રી બળીને ખાખ
વડોદરાના મકરપુરા વિસ્તારમાં આવેલા એસઆરપી ગ્રુપ 9 ના સ્ટોર રૂમોમાં અચાનક આગ ફાટી નીકળતા ફાયર લાશ્કરોએ 45 મિનિટની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ આગમાં સ્ટોર રૂમોમાં રાખેલ મટીરીયલ સળગીને રાખ થઈ જતા નુકસાન પહોંચ્યું છે. સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નથી. આગ લાગવા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આગ ઉપર કાબુ મેળવ્યા બાદ હાલ કુલિંગની કામગીરી ચાલી રહી છે.
સઆરપીએફ ગ્રુપ 9ના સ્ટોર રૂમોમાં આજે સવારે અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી હતી. કોલ મળતાં જ જીઆઇડીસી, ગાજરાવાડી, ટીપી 13, દાંડિયા બજાર ફાયર સ્ટેશન ખાતેથી ટીમો રવાના કરવામાં આવી હતી. ફાયર લાશ્કરોએ સતત 45 મિનિટ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. પાણીની જરૂરિયાત વધુ જણાતાં છ ટેન્કર પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા હતા. આગ વધુ ના પ્રસરે તે માટે આસપાસથી જ્વલનશીલ વસ્તુઓ દૂર કરાઈ હતી.
ઘટનાની જાણ થતા મદદનીશ પોલીસ કમિશનર, ફાયર ઓફિસર, એસઆરપી ગ્રુપના અધિકારીઓ કર્મચારીઓ સ્થળ પર દોડી ગયા હતા. વર્ષો જૂનું બાંધકામ ધરાવતા આ સ્ટોર રૂમમાં લાકડાનું પ્રમાણ વધુ હોય આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ આગના કારણે સ્ટોર રૂમમાં રાખેલ ટેન્ટ, લાકડાની વસ્તુઓ, ગેસના બોટલ, સાધન સામગ્રી સહિતનુ મટીરીયલ સળગીને રાખ થઈ જતા નુકસાન પહોંચ્યું છે.