વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના પૂર્વ વિસ્તારમાં દોઢ વર્ષ પહેલા શરૂ કરવામાં આવેલા સાઈકલ ટ્રેક પર અંડરગ્રાઉન્ડ ઇલેક્ટ્રિક કેબલ નાખવાની કામગીરી માટે ખોદકામ કરવામાં આવ્યું છે, જેના કારણે હાલમાં સાઈકલ ટ્રેક શોધીએ તો જડે તેમ પણ નથી. જેટકો દ્વારા 66 કેવી અંડર ગ્રાઉન્ડ કેબલ લાઈનની કામગીરી હાલમાં ચાલી રહી છે. કોર્પોરેશન આ વિસ્તારમાં ઓવરબ્રિજ બનાવવાની છે, અને તેમાં નડતરરૂપ ઇલેક્ટ્રિક લાઈન અને પોલ ખસેડવા માટે ની કામગીરીના અનુસંધાનમાં આ ખોદકામ અને કામગીરી થઈ રહી હોવાનું જાણવા મળ્યું છે.
આ વિસ્તારમાં ઓવરબ્રિજ બનાવવાના છે, અને લાઈન ખસેડવી પડે તેવી સ્થિતિ હોવાથી તેનું કોઈ આગોતરું આયોજન કે સર્વે કર્યા વિના સાઈકલ ટ્રેક પાછળ રૂપિયા ખર્ચીને પ્રજાકીય નાણાનો બગાડ કરવામાં આવ્યો છે ,તેવું વિસ્તારના નાગરિકો જ કહી રહ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના પૂર્વ વિસ્તારમાં 1.88કરોડના ખર્ચે બનાવવામાં આવેલો સાઈકલ ટ્રેક શોભાના ગાંઠિયા સમાન બની રહ્યો હતો. જ્યારથી આ સાઈકલ ટ્રેક બન્યો, ત્યારથી તે વિવાદમાં રહ્યો છે. ખાસ તો સાઈકલ ટ્રેક ઉપર ગેરકાયદે દબાણ હોવાના કારણે તેનો ઉપયોગ થઈ શક્યો જ નથી અને સાઈકલ પણ લોકો ચલાવી શક્યા નથી . કોઈપણ જાતના સર્વે વિના અને દબાણો ન થાય તેની કાળજી રાખ્યા વગર આ સાઈકલ ટ્રેક બનાવી દીધો હતો. કોર્પોરેશન દ્વારા સાઈ કલ ટ્રેકના કામનું ખાતમુહૂર્ત 3 વર્ષ અગાઉ કરવામાં આવ્યું હતું. કામગીરી માટે વર્ક ઓર્ડર તારીખ 29 -10- 21 ના રોજ અપાયો હતો અને કામ 250 દિવસમાં પૂર્ણ કરવાનું હતું. જેમાં પણ અસહ્ય વિલંબ થયો હતો. પાણીગેટ ત્રણ રસ્તાથી સુલેમાની ચાલ થઈને વૃંદાવન ચાર રસ્તા થઈ, સરદાર એસ્ટેટ ચાર રસ્તાથી મહાવીર હોલ થઈ પરત પાણી ટાંકી સુધી આ સાઈકલ ટ્રેક બનાવવામાં આવ્યો છે. વડોદરા શહેરના આજવા અને વાઘોડિયાને જોડતા ટ્રેક ઉપર ત્રિકોણ આકારમાં ચાર કિમી લંબાઈમાં સાઈકલ ટ્રેક બનાવવામાં આવ્યો હતો.