વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટી કેમ્પસમાં શનિવારે મધરાતે ઘૂસેલા એક અજાણ્યા વ્યક્તિએ ભારે ઉત્પાત મચાવ્યો હતો.યુનિવર્સિટીની સિક્યુરિટી, ફાયર બ્રિગેડ અને પોલીસ તંત્રને આ વ્યક્તિને પકડવા માટે બે કલાક સુધી મથામણ કરવી પડી હતી.
યુનિવર્સિટી કેમ્પસ સુરક્ષિત નથી અને કોઈ પણ વ્યક્તિ કેમ્પસમાં ગમે ત્યારે ઘૂસી શકે છે.વર્તમાન વાઈસ ચાન્સેલર ડો.શ્રીવાસ્તવને પોતાની સિક્યુરિટી અને પ્રોટોકોલ સિવાય કેમ્પસની સુરક્ષાની કોઈ પડેલી નથી તે જગ જાહેર વાત છે.શનિવારે રાત્રે બે વાગ્યે એક અજાણ્યો વ્યક્તિ સાયન્સ ફેકલ્ટીના બાયો કેમેસ્ટ્રી વિભાગની દીવાલ પર ચઢી ગયો હતો.
એ પછી વડોદરા ફાયર બ્રિગેડને આ વ્યક્તિને રેસ્કયૂ કરવાનો કોલ મળ્યો હતો.આ વ્યક્તિ ચોર હોઈ શકે છે તેવી આશંકાથી પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી.આ વ્યક્તિનુ ફાયર બ્રિગેડના જવાનોએ રેસ્ક્યૂ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે બારીના કાચ તોડીને ફાયર બ્રિગેડના જવાનો તરફ ફેંક્યા હતા.તેને નીચે ઉતારવા માટે ફાયર બ્રિગેડે તેના પર નીચેથી પાણીનો મારો ચલાવ્યો હતો.લગભગ બે કલાકની જહેમત બાદ આ વ્યક્તિને નીચે ઉતારવામાં સફળતા મળી તહી.
એ પછી પોલીસ તેને સયાજીગંજ પોલીસ મથકે લઈ ગઈ હતી.મળતી વિગતો પ્રમાણે માનસિક રીતે અસ્થિર હોવાનું લાગ્યા બાદ પોલીસે તેને છોડી દીધો હતો.
આ ઘટનાએ યુનિવર્સિટીની સુરક્ષા વ્યવસ્થાની ફરી એક વખત પોલ ખોલી નાંખી છે.રાત્રે આઠ વાગ્યા બાદ કેમ્પસ સિક્યુરિટીના જ હવાલે હોય છે.આમ છતા આ વ્યક્તિ બાયો કેમેસ્ટ્રી વિભાગ સુધી ઘૂસી ગયો હતો અને સિક્યુરિટી ઉંઘતી રહી હતી.