વડોદરા શહેરમાં 350 થી વધુ નીચાણવાળા વિસ્તારોમાં ચોમાસા દરમિયાન પાણી ભરાઈ જાય છે તેની સમસ્યા હલ કરવા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂપિયા 20 કરોડના ખર્ચે વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ અંતર્ગત રિચાર્જ વેલ તેમ જ પરકોલેટિંગ વેલ બનાવવા પાછળ રૂપિયા 20 કરોડનો ખર્ચ કરાશે જે કામગીરીનું આજે વિધાનસભાના દંડક બાળુ શુક્લના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
પ્રદેશ પ્રમુખ અને જળ સંસાધન ના કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ વડોદરા ભાજપ કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે આવ્યા હતા ત્યારે તેમણે વડોદરાના મેયર પિન્કીબેન સોની અને ડોક્ટર શીતલ મિસ્ત્રી ના નામ જોગ અપીલ કરી હતી કે કોર્પોરેશન દ્વારા પણ વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ ની કામગીરી ને પ્રોત્સાહન આપવામાં આવે તેની સાથે સાથે સાંસદ ધારાસભ્યો પણ વોટર હાર્વેસ્ટિંગ માટે ખાસ ગ્રાન્ટ ફાળવે તેવી અપીલ કરી હતી.
ભારત સરકારના જળ શક્તિ વિભાગના જળ સંચય અભિયાન અંતર્ગત ” કેચ ધી રેન ” શીર્ષક હેઠળ વડોદરા મહાનગરપાલિકા દ્વારા રેઇન વોટર હાર્વેસ્ટિંગ ઝુંબેશની શરૂઆત આજથી કરવામાં આવી છે આ ઝુંબેશ અંતર્ગત આજે ખાતમુહૂર્તનો કાર્યક્રમ સયાજી ગેટ નંબર ત્રણ ખાતે ગુજરાત સરકારના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ, મેયર પિન્કીબેન સોનીના હસ્તે યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં ભાજપ વડોદરા મહાનગરના અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ, ધારાસભ્ય મનીષાબેન વકીલ, ચૈતન્ય દેસાઈ, પાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી સહિત કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા.
કમિશનર દિલીપ રાણા સહિત વહીવટી વિભાગના અધિકારીઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. મેયર પિન્કીબેન સોનીએ મશીનરીનું પૂજન અર્ચન કર્યું હતું જે બાદ મહાનુભાવોના હસ્તે શ્રીફળ વધેરીને મશીન શરૂ કરી વોટર રી ચાર્જિંગ વેલ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી અંદાજિત ૨૦ કરોડ રૂપિયાના ખર્ચે વડોદરા શહેરમાં 500 ઉપરાંત આ પ્રકારની રિચાર્જિંગ વેલ બનાવવાનું આયોજન વડોદરા મહાનગરપાલિકાના માધ્યમથી કરવામાં આવ્યું હોવાનું મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ જણાવ્યું છે.