Vadodara Corporation Budget : વડોદરા કોર્પોરેશનમાં વર્ષ 2025-26નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવાની સાથે અલગ-અલગ લાગતોમાં પણ વધારો સૂચવવામાં આવ્યો છે. જેમાં વોર્ડ સેનેટરી વિભાગમાં પરવાના ફી અંતર્ગત ખોદાણા લાગત કાચી ચરીના 1મી. પ્રતિ ચોરસ મીટર રૂ.2000 હતી તેના રૂ.2500 કરાયા છે. પાકી ચરીના એક મી.ના રૂ.4000 રહેણાંક માટે હતા તે 5000 કરાયા છે. ખાળ કુવા સફાઈ હદમાં રહેણાંકના રૂ.3,000થી વધારી રૂ.4000 કરવામાં આવ્યા છે. એવી જ રીતે ખોદાણ અને મજૂરી ઘરગથ્થુ કનેક્શન માટે 1/2ના કનેક્શનના રૂ.800થી વધારી રૂ.1000, 3/4ના રૂ.1200થી વધારી રૂ.1500, એકના કનેક્શનના રૂ.1700થી વધારી રૂ.2000 અને 2ના કનેક્શનના રૂ.3500થી વધારી રૂ.5000 કરવામાં આવ્યા છે. જમીન મિલકત શાખાના હોલ્ડિંગ્સ અંતર્ગત ખાનગી જગ્યામાં માત્ર સ્ટ્રક્ચર ઊભું હશે તો વાર્ષિક પ્રતિ ચોરસ મીટર રૂપિયા 2000 વસૂલવામાં આવશે. બાંધકામ પરવાનગી શાખાની વિવિધ ફિ અંતર્ગત નકલ ફીના રૂ.300થી વધારી રૂ.400, બાંધકામ પાણી ફી રૂ.1000થી વધારી રૂ.1200, આર્કિટેક્ચર/સ્ટ્રકચરલ એન્જિનિયર લાઇસન્સ ફી રૂ.10,000થી વધારી રૂ.12000, એપ્રિલ માસમાં ન ભરે તો દંડ રૂ.300થી વધારે રૂ.400, સાઈટ એન્જિનિયર ક્લાર્ક ઓફ વર્ક લાઇસન્સ ફીના રૂ.8000થી વધારી રૂ.10000 અને ડેવલોપર લાઇસન્સ રજીસ્ટ્રેશન ફી રૂ.25000થી વધારી રૂ.30,000 કરવાનું સૂચવાયું છે.
ઓર્ગેનિક વેસ્ટ કન્વર્ટર મુકવાની અનામત રહેણાંકમાં 35 યુનિટ તથા તેથી વધુ ચોરસ મીટર બાંધકામ માટે પ્રતિ ચોરસ મીટર રૂપિયા 500 વસુલાતા હતા તેના બદલે 34 યુનિટ તથા વધુ પર રૂપિયા બે લાખ વસૂલાશે. કોમર્શિયલ બાંધકામ માટે 1,500 ચોરસ મીટરથી વધુ પર પ્રતિ ચોરસ મીટર રૂપિયા 700 વસૂલાતા હતા તેના બદલે દસ યુનિટ તથા તેથી વધુ પર રૂપિયા 3.50 લાખ લેવાશે. રજા ચિઠ્ઠી રીન્યુઅલ ચાર્જ રહેણાંક માટે રૂપિયા 3500થી વધારી રૂ.4,000 જ્યારે કોમર્શિયલ માટે રૂપિયા 25,000થી વધારી રૂ.27500 કરવાનું સૂચવાયું છે. રજા ચિઠ્ઠીની તારીખથી એક વર્ષ બાદ મેળવવામાં આવે તો રહેણાકમાં પ્રતિ માસ રૂપિયા 300ની જગ્યાએ 400 અને કોમર્શિયલમાં પ્રતિ માસ રૂ.25ની જગ્યાએ રૂ.3000 વસૂલવામાં આવશે. કમ્પ્લીસન સર્ટિફિકેટ રહેણાંક માટે રૂપિયા 500 હતા તેની જગ્યાએ રૂપિયા 700 અને કોમર્શિયલ માટે રૂપિયા 7500ની જગ્યા 8000 લેવાની માંગ કરાઈ છે. કોમર્શિયલમાં ટાવર દીઠ રૂપિયા 10000 હતા તે રૂપિયા 12 હજાર લેવાની દરખાસ્ત છે.
આ ઉપરાંત પાલિકાએ વિવિધ ટાઉન હોલના ભાડા તથા તેના અન્ય ખર્ચની લાગત વધારી છે. સર સયાજીરાવ નગર ગૃહ અને પંડિત દિન દયાળ ઉપાધ્યાય નગર ગૃહનું રિહર્સલ માટેનું ભાડું માટે ચાલું દિવસોમાં રૂપિયા 3000 હતું તે હવે રૂપિયા 3500 થઈ શકે છે. ઓવર ટાઈમના રૂપિયા 2000 અડધા કલાક દીઠની જગ્યાએ રૂપિયા 2500 અને ફોયર ચાર્જીસ રૂ.2000ની જગ્યાએ અઢી હજાર લેવાશે!
પાલિકાના બજેટમાં અગ્નિસમન અને તાત્કાલિક સેવાઓની લાગતોમાં પણ વધારો કરવાના સૂચન કરાયા છે. પંપ વગરની ટેન્કરનો ચાર્જ રહેઠાણ માટે રૂ.300થી વધારી રૂ.400 તથા પમ્પવાળી ટેન્કરનો ચાર્જ રૂ.400થી વધારી રૂ.600 કરવાની દરખાસ્ત છે. ડ્રેનેજ વિભાગના બાંધકામ, ગાર્ડનિંગ વગેરે માટે ટ્રીટેડ વેસ્ટ વોટરનો ચાર્જ રૂપિયા 50થી વધારી રૂપિયા 100 કરવાનું સૂચન કરાયું છે. તેવી જ રીતે પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં સેમ્પલ તપાસવા માટે ખાદ્યચીજ દીઠ રૂ.550ની જગ્યાએ રૂ.600 લાગત થઈ શકે છે. ખાદ્ય અને પાણીના નમૂનાઓને એચપીએલસી, જીસી તથા અધ્યતન સાધનો વડે તપાસવાની ફી રૂ.1,000 થઈ શકે છે. તો બીજી તરફ લોહીના નમુના તપાસવા તથા વિવિધ ટેસ્ટના સરકારના પરિપત્ર મુજબ લેવાતો દર સંપૂર્ણ રદ કરવાની દરખાસ્ત છે. હવેથી વોર્ડ ઓફિસ અથવા પાલિકા હસ્તકના ગાર્ડનમાં ગુજરાતી ફિલ્મનું શૂટિંગ હશે તો તેનો દૈનિક ચાર્જ રૂપિયા 5000થી વધારી રૂપિયા 7500, બિન ગુજરાતી શૂટિંગ હશે તો રૂપિયા 10,000થી વધારી રૂપિયા 15000, ડોક્યુમેન્ટરી ફિલ્મ શૂટિંગ હશે તો રૂપિયા 3000થી વધારી રૂપિયા 4000 જ્યારે પ્રીવેડિંગ, સિમંધવિધિ, મોડેલિંગ, બર્થ ડે તથા અન્ય પ્રસંગોના શૂટિંગ માટે દૈનિક રૂ.2000ની જગ્યાએ ર.2500 લેવાઈ શકે છે. પાલિકાએ વિવિધ અતિથિ ગૃહોના ભાડામાં પણ તોતિંગ વધારો વિચાર્યો છે. નિઝામપુરા અતિથિ ગૃહનું 24 કલાકનું ભાડું રૂપિયા 12,000ની જગ્યાએ રૂપિયા 27,000 અને ડિપોઝીટ રૂ.20,000ની જગ્યાએ રૂપિયા 35000 જ્યારે ઇન્દ્રપુરી અતિથીગૃહનું ભાડું રૂપિયા 10,000ની જગ્યાએ રૂ.20000 કરવાની વિચારણા છે. રસ્તા પર ખોદકામથી થતા નુકસાનમાં થતી વસુલાત અંતર્ગત રહેણાંકમાં દર ચોરસ મીટરના રૂપિયા 3500ની જગ્યાએ રૂ.5,000, બિન રહેણાંકમાં રૂપિયા 5,000ની જગ્યાએ રૂપિયા 7500, કાચો રસ્તો હોય તો દર ચોરસ મીટરના રૂપિયા 2000ની જગ્યાએ રૂપિયા 2500 અને ફૂટપાથ, પેવિંગમાં તોડફોડ થાય તો દર ચોરસ મીટરના રૂ.5000ની જગ્યાએ રૂ.7500 વસૂલવાની વિચારણા છે. વગર પરવાનગીએ રોડ ખોદવામાં આવે તો સંબંધિત લાગતી પાંચ ઘણી પેનલ્ટી વસૂલવાની વિચારણા છે.