વડોદરાઃ દિવાળીના તહેવારોમાં વતન જવા માટે લોકોનો ભારે ધસારો થતો હોય છે.દર વર્ષે એસટી ડેપો પર લોકોની ભારે ભીડ જામતી હોય છે.આ વર્ષે પણ દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને વડોદરા એસટી ડિવિઝને વધારાની ૮૫ બસો દોડાવવાનું આયોજન કર્યું છે.
એસટી ડેપોના સૂત્રોના કહેવા પ્રમાણે હજી દિવાળીના તહેવારોના કારણે બહારગામ જવા માંગતા લોકોની સંખ્યામાં વધારો થયો નથી.આમ છતા આજથી વધારાની બસો મૂકવાનું શરુ કરાયું છે.આજે ૧૦ વધારાની બસો મૂકવામાં આવી હતી.એ પછી તબક્કાવાર બસોની સંખ્યા વધારીને જરુર પડે તો ૮૫ સુધી લઈ જવામાં આવશે.વધારાની ૮૫ બસો એસટી ડિવિઝનને ફાળવી દેવામાં આવી છે.
સામાન્ય રીતે વડોદરા એસટી ડેપો પરથી પંચમહાલ અને છોટાઉદેપુરના વિવિધ રુટ પર લોકોનો ધસારો વધારે રહેતો હોય છે.સૌરાષ્ટ્ર તરફ ભાવનગર અને રાજકોટ રુટ પર જનારા મુસાફરોની સંખ્યા વધારે હોય છે.જે પણ રુટ પર વધારે ભીડ હશે ત્યાં તાત્કાલિક વધારાની બસો મૂકવામાં આવશે.સાથે સાથે મુસાફરોની સંભવિત ભીડને જોતા દરેક શિફટમાં વધારાના ૩ અધિકારીઓને મૂકવામાં આવશે.સિક્યુરિટી જવાનો દ્વારા નજર રાખવામાં આવશે.વધારાની બસોની સુવિધા તા.૭ નવેમ્બર સુધી ઉપલબ્ધ રહેશે.
ઉલ્લેખનીય છે કે, વડોદરા એસટી ડેપો પર રોજ સરેરાશ ૪૫૦૦૦ જેટલા મુસાફરોની અવર જવર હોય છે.દિવાળીના દિવસોમાં આ સંખ્યા ૫૫૦૦૦ સુધી પહોંચી જતી હોય છે.જોકે દિવાળીના તહેવારોમાં વધારાની બસો મૂકવામાં આવ્યા બાદ પણ બસોમાં ઘણી વખત લોકોને ઉભા ઉભા મુસાફરી કરવાનો વારો આવતો હોય છે.