વડોદરાઃ પતિના ત્રાસથી કંટાળીને મોડીરાતે આપઘાત કરવા માટે રિક્ષામાં બેઠેલી મહિલા રિક્ષા ચાલકની સતર્કતાને કારણે બચી ગઇ હતી.
રિક્ષા ચાલકે કહ્યું હતું કે,ગઇ મોડીરાતે સેવાસીથી રિક્ષામાં બેઠેલી મહિલાએ મહીસાગર બ્રિજ પર રિક્ષા લઇ લેવા કહેતાં રિક્ષાચાલક ચોંક્યો હતો.મહિલા ખૂબ જ પરેશાન હોવાથી તેની શંકા સાચી હતી.
જેથી રિક્ષાચાલકે સમયસૂચકતા વાપરી અભયમને જાણ કરી હતી અને બીજીતરફ મહિલાને વાતોમાં પરોવી રાખી હતી.થોડી જ વારમાં ટીમ આવી ત્યારે મહિલાનું કાઉન્સેલિંગ કરતાં તે ચોધાર આંસુએ રડી પડી હતી.આખરે મહિલાએ વહેમી પતિની અસહ્ય મારઝૂડથી કંટાળીને બ્રિજ પરથી પડતું મૂકવા નીકળી હોવાની કબૂલાત કરી હતી.
મહિલાએ કહ્યું હતું કે,મારા લગ્નને પાંચ વર્ષ થયા છે અને સંતાનોને મારી માતાને ત્યાં મૂકીને નીકળી છું.પતિના માર કરતાં મરવું વધુ પસંદ કરું છું.જેથી અભયમની ટીમે મહિલાને સમજાવી હતી અને તેના પતિને પણ કાયદાકીય રીતે કેટલો ગંભીર ગુનો કરી રહ્યો છે તેની સમજ આપતાં તેણે પોતાની ભૂલ સ્વીકારી ક્યારેય હાથ નહિં ઉપાડે તેમ કહી માફી માંગી હતી.