વડોદરા,ગોત્રી ગદાપુરા વિસ્તારમાં રહેતા અને પોક્સોના ગુનામાં સંડોવાયેલા યુવકે ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. જે અંગે અકોટા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ગોત્રી ગદાપુરા વુડાના મકાનમાં રહેતા ૨૫ વર્ષના કુણાલ અરવિંદભાઇ પાટણવાડિયાના લગ્ન થયા નહતા. મજૂરી કામ કરતો કુણાલ માતા – પિતા સાથે રહેતો હતો. ગઇકાલે તેના માતા – પિતા અંદરના રૃમમાં અને તે બહારના રૃમમાં સૂઇ ગયા હતા. સવારે માતા – પિતા ઉઠયા ત્યારે જોયું તો કુણાલે ગળાફાંસો ખાઇ લીધો હતો. જે અંગે પોલીસને જાણ કરવામાં આવતા અકોટા પોલીસે સ્થળ પર જઇને તપાસ હાથ ધરી હતી.પોલીસે હાથ ધરેલી પ્રાથમિક તપાસ દરમિયાન કુણાલના પરિવારે જણાવ્યું હતું કે, કુણાલની સામે થોડા સમય અગાઉ પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ થયો હતો. જે કેસના ચુકાદો આવવાનો હતો. આજે કોર્ટની તારીખ હતી. જેના કારણે કુણાલ ટેન્શનમાં રહેતો હતો.આ કારણસર જ તેને આપઘાત કર્યો હોવાની શક્યતા છે. જોકે, પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. કુણાલની અંતિમવિધિ પછી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવશે.