Vantara: જામનગરમાં દુનિયાના સૌથી વિશાળ વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ સેન્ટર્સ પૈકીનું એક ‘વનતારા’ આવેલું છે. જેની સ્થાપના અનંત અંબાણી દ્વારા કરવામાં આવી છે. અહીં હવે આફ્રિકાના જંગલોના ત્રણ હાથીને લાવવામાં આવશે. આ ત્રણ હાથીમાંથી બે માદા અને એક નર છે જેમની ઉંમર 28થી 29 વર્ષ છે. હાથીના રહેવાની, ભોજનની અને આરોગ્યને લગતી બાબતો આર્થિક રીતે મુશ્કેલી ભરી હોય છે. આ માટે ટ્યુનિશિયાના એક ખાનગી પ્રાણી સંગ્રહાલય દ્વારા વનતારાનો સંપર્ક કરવામાં આવ્યો હતો.
બે દાયકા અગાઉ ચારેક વર્ષના કની (Kani), મીના (Mina) અને અચતામ (Achtaum)ને બુર્કિના ફાસોથી ટ્યુનિશિયાના ફ્રીગુઆ પાર્કમાં લાવવામાં આવ્યા હતા. આશરે 23 વર્ષ સુધી તેઓ અહીં આવતા લોકો માટે પ્રદર્શનમાં રાખવામાં આવ્યા. હવે તેમને એક ચાર્ટર્ડ કાર્ગો એરક્રાફ્ટ દ્વારા ભારત લાવવામાં આવશે. આ માટે ‘કન્વેન્શન ઓન ઇન્ટરનેશનલ ટ્રેડ ઇન એન્ડેન્જર્ડ સ્પીસિઝ ઑફ ધ વાઇલ્ડ ફોના એન્ડ ફ્લોરા’ – CITES ના તમામ નિયમોનું પાલન કરવામાં આવ્યું છે.
ટ્યુનિશિયાના ફ્રીગુઆ પાર્કમાં આકર્ષણનું કેન્દ્ર હોવા છતાં પ્રાણી સંગ્રહાલયને આર્થિક મુસીબતો ઊભી થતાં ત્રણેય આફ્રિકન હાથીને નિવૃત કરવાનો નિર્ણય લેવાયો હતો. આટલા વર્ષો સુધી કેરટેકરની દેખરેખ હેઠળ જીવવા ટેવાયેલા હાથીઓને ફરીથી જંગલમાં મોકલી શકાય એમ નહોતું. આખરે તેઓને નિવૃત જીવન માટે શાંત, ઉત્તમ, તમામ સ્વાસ્થ્ય સુવિધાઓ પૂરી પાડી શકે એવું શ્રેષ્ઠ સ્થળ વનતારા સ્વરૂપે મળી ગયું.
વનતારાના પશુ તબીબો દ્વારા સ્વાસ્થ્ય ચકાસણી બાદ નોંધવામાં આવ્યું કે હાથીઓ સ્વાસ્થ્યને લગતી ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. ચામડીના રોગની યોગ્ય સારવાર નહીં થવાના કારણે વાળ ખરવા જેવી સમસ્યાઓ તેઓ ભોગવી રહ્યા છે. અચતામ નામના હાથીને દાંતનું ઇન્ફેકશન થઈ ગયું છે જેની સર્જરી કરવી પડે એમ છે જ્યારે કનીના નખ તૂટી ગયા છે. હાલમાં તેઓ ખૂબ ઓછા હવા-ઉજાશવાળી જગ્યામાં રહે છે. જે તેઓના માનસિક શારીરિક વિકાસ માટે યોગ્ય નથી. તેઓના ભોજન અને પાણીમાં પણ ફેરફાર કરવાની જરૂર છે.
આફ્રિકન હાથી (Loxodonta cyclotis) મધ્ય અને પશ્ચિમ આફ્રિકન ગાઢ ટ્રોપિકલ જંગલોમાં રહેતા હોવાથી તેઓની પ્રજાતિ ટ્યુનિશિયામાં જોવા મળતી નથી. તેઓના કુદરતી રહેઠાણમાં તેઓ જે પ્રકારના વાતાવરણનો અનુભવ કરે છે તે જ પ્રકારના આરામદાયક વાતાવરણ, કાદવયુક્ત જમીન પ્રાકૃતિક સૌંદર્યનો અનુભવ વનતારામાં પણ કરી શકે એવી વ્યવસ્થા કરવામાં આવશે. જેના કારણે તેઓના શારીરિક, માનસિક અને સામાજિક સ્વાસ્થ્યમાં સુધારો થશે અને કરુણામય નવજીવન મળશે.