Vav By-Election Results 2024: આજે મહારાષ્ટ્રની 288 બેઠક અને ઝારખંડની 81 વિધાનસભા બેઠકોના પરિણામ જાહેર થઈ રહ્યા છે. ત્યારે તેની સાથે દેશની વિવિધ બેઠકો પર યોજાયેલી પેટા ચૂંટણીની પણ મતગણતરી હાથ ધરાઈ છે. જેમાં ગુજરાતની વાવ વિધાનસભા બેઠક પણ સામેલ છે. જણાવી દઈએ કે, ગેનીબેન ઠાકોરની ખાલી પડેલી વિધાનસભા બેઠક પર 13 નવેમ્બર, 2024ના રોજ ચૂંટણી યોજાઈ હતી. જેમાં ત્રિપાંખિયો જંગ જોવા મળ્યો હતો. ભાજપના સ્વરૂપજી ઠાકોર, કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત અને અપક્ષમાંથી માવજી પટેલ વચ્ચે મુખ્ય જંગ છે. ત્યારે આ બેઠક પર કોણ જીતશે તેના પર સૌની મીટ મંડાઈ છે. વાવ બેઠકનું ચૂંટણી પરિણામ ચૂંટણી પંચની સત્તાવાર વેબસાઈટ results.eci.gov.in પર પણ જાહેર કરવામાં આવશે. ત્યારે www.gujaratsamachar.com પર તમે ચૂંટણી પરિણામની લેટેસ્ટ અપડેટ્સ મળશે.
વાવ પેટા ચૂંટણીના પરિણામની LIVE UPDATES
• વાવ બેઠકની મત ગણતરીના ચાર રાઉન્ડ પૂર્ણ થઈ ચૂક્યા છે. કોંગ્રેસ 16675 મત, ભાજપ 15266 મત અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલને 7010 મત મળ્યા છે. કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત 1410 મતથી આગળ ચાલી રહ્યા છે.
• મત ગણતરીમાં ત્રીજા રાઉન્ડના અંતે કોંગ્રેસને 12360 મત, ભાજપને 11187 મત અને અપક્ષને 6510 મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસ 1173 મતથી આગળ છે.
• વાવ વિધાસભાની પેટા ચૂંટણીમાં 23 રાઉન્ડની મત ગણતરી થશે. અત્યાર સુધીમાં બે રાઉન્ડની મત ગણતરી પૂર્ણ થઈ છે. કોંગ્રેસ અને ભાજપ વચ્ચે મતનું અંતર ખૂબ જોવા મળી રહ્યું છે. ત્યારે રસપ્રદ એ છે, માવજી પટેલ જે મત મેળવી રહ્યા છે એ ભાજપના ફાયદામાં છે કે કોંગ્રેસના એ જાણવા 20 રાઉન્ડ સુધી રાહ જોવી પડશે.
• વાવ બેઠકની મત ગણતરીમાં બે રાઉન્ડ પૂર્ણ થયા છે. ત્યારે કોંગ્રેસને 8095 મત, ભાજપને 7498 મત અને અપક્ષના માવજી પટેલને 4800 મત મળ્યા છે.
• મત ગણતરીનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ થઈ ગયો છે. પ્રથમ રાઉન્ડની મતગણતરી બાદ કોંગ્રેસ 251 મતથી આગળ છે. ત્યારે કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત દોવો કર્યો છે કે, ‘હજી ત્રણ રાઉન્ડ પછી અમારી લીડ વધશે અને પહેલેથી છેલ્લે સુધી અમે આગળ રહીશું.’
• મત ગણતરીનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ
કોંગ્રેસને મળ્યા 4190 મત
ભાજપને મળ્યા 3939 મત
અપક્ષને મળ્યા 2119
પ્રથમ રાઉન્ડની મત ગણતરી બાદ કોંગ્રેસ 251 મતથી આગળ છે.
• કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત 254 મતોથી આગળ છે, જ્યારે ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર પાછળ ચાલી રહ્યા છે.
• વાવ વિધાનસભાની મતગણતરી 8 વાગે શરૂ થઇ ગઇ છે. સૌથી પ્રથમ પોસ્ટલ બેલેટની મતગણતરી હાથ ધરાઇ છે. ત્યારબાદ ઇવીએમ ખોલવામાં આવ્યા છે. તો બીજી તરફ ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે વહેલી સવારે પાલનપુર ખાતે આવેલા પાતાળેશ્વર મહાદેવ મંદિરના દર્શન કર્યા હતા અને જીતનો અતૂટ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
• વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીની મત ગણતરી શરૂ થઈ છે.
• બનાસકાંઠા જિલ્લાની હાઈપ્રોફાઈલ બનેલી વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીની મતગણતરી 8 વાગ્યે શરૂ થશે.
વાવ બેઠકના જાતિગત સમીકરણ
વાવ વિધાનસભા બેઠકના જાતિગત સમીકરણોની વાત કરવામાં આવે તો આ બેઠક પર કુલ 3,10,681 મતદારો છે. જેમાં સૌથી વધુ મતદારો ઠાકોર સમાજના છે, ત્યારબાદ રાજપૂત અને ચૌધરી સમાજનું વર્ચસ્વ જોવા મળે છે. એટલું જ નહી આ બેઠક પર દલિત, રબારી અને બ્રાહ્મણ સમાજના મતદારો બાજી પલટી શકે છે. આવો વિગતવાર જાણીએ કઇ જાતિના કેટલા મતદારો છે.
કુલ મતદારો- 3,10,681
ઠાકોર- 44000
રાજપૂત- 41000
ચૌધરી- 40000
દલિત- 30000
રબારી- 19000
બ્રાહ્મણ- 15000
મુસ્લિમ- 14500
ગુલાબસિંહ રાજપૂતની રાજકીય સફર
કોંગ્રેસ જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતને વાવ બેઠકથી ટિકિટ આપી શકે છે. 2019 માં યોજાયેલી પેટા ચૂંટણીમાં તેઓ વિજેતા બન્યા હતા. તેમણે યુવા કોંગ્રેસ અને એનએસયુઆઇમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે પણ કામ કર્યું છે. ગુલાબસિંહ રાજપૂતને રાજકારણ વારસામાં મળ્યું છે. વાવ-થરાદ વિધાનસભા ભેગી હતી ત્યારે દાદા હેમાભાઇ રાજપૂત 20 વર્ષ સુધી ધારાસભ્ય રહી ચૂક્યા છે.
કોણ છે માવજી પટેલ?
માવજી પટેલ થરાદ વાવ વિધાનસભાનું નેતૃત્વ કરી ચૂક્યા છે. તેઓ પૂર્વે 20 મુદ્દા અમલીકરણ હાઈ પાવર કમિટીમાં રહી ચૂક્યા છે. સમગ્ર ગુજરાતના ખેડૂતો માટે ટ્રેક્ટર ટ્રોલીને બળદગાડા સમાન ગણીને ટેક્સ મુક્ત કરાવવામાં એક અગ્રીમ ભૂમિકામાં નિભાવી હતી. પૂર્વે મુખ્યમંત્રી સ્વ-ચિમનભાઈ પટેલ સરકારમાં ચિમનભાઈ પટેલના ખાસ વિશ્વાસુ વ્યક્તિ રહ્યા. થરાદ-વાવ ખાસ બનાસકાંઠા વિસ્તારમાં બક્ષીપંચ સમાજમાં પછાત સમાજોને સમાવેશ થાય એના માટે ખૂબ જ મહત્વપૂર્ણ કામગીરી જેતે સમયે માવજી પટેલ દ્વારા કરવામાં આવી હતી. તેઓ લગભગ મોટા ભાગે વિધાનસભાની ચૂંટણીમાં કોઈ પક્ષ ટિકિટ ન આપે તો અપક્ષ ચૂંટણી લડવાની તૈયારી બતાવે છે. જેઓ અગાઉ ભાજપ પક્ષમાં જોડાયેલા હતા, જોકે અપક્ષ ઉમેદવારી કરતા તેમને પક્ષ દ્વારા સસ્પેન્ડ કરાયા હતા.
વર્ષ 2022માં ગેનીબેન સામે ચૂંટણી લડ્યા હતા સ્વરૂપજી
સ્વરૂપજી ઠાકોર વર્ષ 2022માં વાવ બેઠક પર યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ગેનીબેન ઠાકોર સામે લડ્યાં હતાં. જેમા તેમની હાર થઈ હતી. ગેનીબેન ઠાકોરને 102513 મત મળ્યા હતા, જ્યારે સ્વરૂપજી ઠાકોરને 86912 મત મળ્યા હતા. એટલે કે સ્વરૂપજી ઠાકોર ગેનીબેન સામે 15,601 મતથી હારી ગયા હતા.
ઠાકોર સમાજના અગ્રણી છે સ્વરૂપજી
સ્વરૂપજી ઠાકોર વાવ તાલુકાના બીયોક ગામના રહેવાસી છે. તેઓ ઠાકોર સેનાના પ્રદેશ ઉપાધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. સ્વરૂપજી ઠાકોર વર્ષ 2019માં બનાસકાંઠા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણી લડ્યા હતા. જેમાં તેમને 48,634 મત મળ્યા હતા.