ગાંધીનગર નજીક આવેલા રાંધેજા ગામમાં
સોસાયટીમાં બાળકોના ક્રિકેટ રમવા બાબતે બોલાચાલીએ ઉગ્ર રૃપ ધારણ કર્યું ઃ ત્રણ વ્યકિત સામે ગુનો દાખલ
ગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક આવેલા રાંધેજામાં શાયોના ટ્વીન્સ
વસાહતમાં ગઈકાલે બાળકોના ક્રિકેટ રમવા બાબતે થયેલી તકરારમાં મહિલા ઉપર લોખંડની
પાઇપથી હુમલો કરવામાં આવ્યો હતો. જે સંદર્ભે હાલ પેથાપુર પોલીસ દ્વારા ત્રણ
વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.
આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે
રાંધેજામાં આવેલી શાયોના ટ્વીન્સ ટુ વસાહતમાં રહેતા તુલસીબેન રાજેશકુમાર ઠાકોર
દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે,
ગઈકાલે સાંજના સમયે સોસાયટીના બાળકો સોસાયટીમાં ક્રિકેટ રમી રહ્યા હતા તે
દરમિયાન તેમનો દડો સોસાયટીના ગેટ નજીક આવેલા વિજયભાઈ ઠાકોરના ગલ્લા પાસે ગયો હતો
અને તેના પગલે વિજયભાઈ તથા તેમની પત્ની શારદાબેન દ્વારા બાળકોને ગાળો બોલવામાં આવી
હતી. જેના પગલે તેઓ ગલ્લા ઉપર ગયા હતા અને જ્યાં શારદાબેન તેમજ તેમની પુત્રી
જ્યોત્સનાબેન હાજર હતા. જેથી બાળકોને ગાળો કેમ બોલો છો તેમ કહેવા લાગતા
જ્યોત્સનાબેને ચાલ અહીંથી નીકળ તેમ કહ્યું હતું તેમજ તેમની સાથે ઝઘડો કરવા લાગ્યા
હતા.
આ દરમિયાન શારદાબેન લોખંડની પાઇપ લઈને આવ્યા હતા તેમના
કપાળના ભાગે મારી દીધી હતી. આ દરમિયાન તેમના પતિ વિજયભાઈ પણ ત્યાં આવી જતા તેમણે
પણ માર માર્યો હતો. આ સમયે તેમણે હવે પછી અમારું નામ લીધું છે તો જાનથી મારી
નાખવાની ધમકી પણ આપી હતી. આ મારામારી બાદ ૧૦૮ એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી અને
ઘાયલ થયેલા તુલસી બેનને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
હતા. જ્યાં તેમની ફરિયાદના આધારે પેથાપુર પોલીસ દ્વારા ત્રણ વ્યક્તિઓ સામે ગુનો
દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.