તેહરાન56 મિનિટ પેહલા
- કૉપી લિંક
હમાસના નેતા ઈસ્માઈલ હનીયે ગુરુવારે (28 માર્ચ) ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ ખામેની સાથે મુલાકાત કરી.
ઈઝરાયેલ સાથેના યુદ્ધ વચ્ચે હમાસના નેતા ઈસ્માઈલ હનીયે અને પેલેસ્ટાઈન ઈસ્લામિક જેહાદ (PIJ) સંગઠનના નેતા ઝિયાદ અલ-નખાલાએ ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ અલી ખામેની સાથે મુલાકાત કરી હતી.
આ દરમિયાન હનીયે ગાઝામાં ચાલી રહેલા યુદ્ધને વિશ્વ યુદ્ધ ગણાવ્યું હતું. તેમણે યુદ્ધમાં ઈઝરાયેલને સમર્થન આપવા બદલ અમેરિકાની નિંદા કરી કહ્યું કે યહૂદીઓ દ્વારા કરવામાં આવી રહેલા ગુનાઓમાં તેમના સૌથી મોટો સહયોગી છે. આ દરમિયાન PIJ નેતાએ યુદ્ધની તુલના 7મી સદીમાં થયેલા કરબલાના યુદ્ધ સાથે કરી હતી.
નખાલાએ કહ્યું, ઇઝરાયેલના કાવતરાં અને મુશ્કેલીઓ છતાં ગાઝાના નાગરિકો ઇઝરાયેલી સૈનિકો સામે અડગ ઊભા છે. તેઓએ સાથે મળીને યુએસ, યહૂદીઓ અને તેમના સમર્થકોના ઘણા કાવતરાઓને નિષ્ફળ બનાવ્યા છે. આ સાથે હમાસ અને પીઆઈજેના નેતાઓએ યુદ્ધમાં સહયોગ માટે ઈરાનના સુપ્રીમ લીડરનો પણ આભાર માન્યો હતો.
પેલેસ્ટિનિયન ઈસ્લામિક જીહાજના સભ્યોએ ગુરુવારે ઈરાનના સુપ્રીમ લીડર ખામેની સાથે મુલાકાત કરી હતી.
ખામેનીએ કહ્યું- પેલેસ્ટાઈન આજે વિશ્વ માટે સૌથી મહત્વપૂર્ણ મુદ્દો
આ પછી, ખામેનીએ પેલેસ્ટાઈનને વિશ્વનો સૌથી મહત્વપૂર્ણ મુદ્દો બનાવવા માટે તેમના આંદોલનની પ્રશંસા કરી. તેમણે શિયાઓ અને સુન્નીઓને સાથે લાવવાના ઈરાનના પ્રયાસોનો પણ ઉલ્લેખ કર્યો હતો. ખામેનીએ છ મહિનાના યુદ્ધમાં ઈઝરાયેલની નિષ્ફળતા અને ગાઝાના લોકોની ઈચ્છાશક્તિની પ્રશંસા કરી હતી.
ઇઝરાયેલ-હમાસ યુદ્ધ શરૂ થયાના થોડા દિવસો બાદ જ ઈરાને ચેતવણી આપી હતી કે જો ઈઝરાયેલ બોમ્બમારો બંધ નહીં કરે તો અમેરિકા પણ તેનો શિકાર થઈ જશે. ઈરાનના વિદેશ મંત્રી હોસૈન અમીર-અબ્દોલ્લાહિયાને યુએનમાં કહ્યું હતું કે, “જો પેલેસ્ટાઈનમાં આવો નરસંહાર ચાલુ રહેશે તો અમેરિકાને પણ બક્ષવામાં આવશે નહીં. અમે અમારા વિસ્તાર, અમારા ઘરોની સુરક્ષામાં કોઈ કસર છોડીશું નહીં.”
ઈરાને કહ્યું હતું- હમાસ પેલેસ્ટાઈનની આઝાદીનું આંદોલન
અબ્દુલ્લાયને ભાષણ દરમિયાન કહ્યું કે હમાસ વાસ્તવમાં પેલેસ્ટાઈનની આઝાદી માટેનું આંદોલન છે. આ દરમિયાન ઈરાનના મંત્રીએ 7 ઓક્ટોબરે હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલાને પણ યોગ્ય ઠેરવ્યો હતો. તેમણે કહ્યું, “હમાસને તેના પ્રદેશ માટે લડવાનો પૂરો અધિકાર છે. જો જરૂરી હોય તો હિંસાનો ઉપયોગ કરવો તે ખોટું નથી.”
7 ઓક્ટોબર, 2023ના રોજ ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થયા બાદ અમેરિકન મીડિયા વોલ સ્ટ્રીટ જર્નલે તેના અહેવાલમાં દાવો કર્યો હતો કે ઇરાની સુરક્ષા અધિકારીઓએ ઇઝરાયેલ પર હુમલાની યોજના બનાવવામાં હમાસની મદદ કરી હતી. તેમણે 2 ઓક્ટોબર, 2023ના રોજ બેરૂતમાં એક બેઠકમાં હુમલાને લીલીઝંડી આપી હતી.
ઓક્ટોબર 1, 2023ના રોજ ઇસ્લામિક એકતા પરિષદના સમારોહમાં હમાસના પ્રતિનિધિ (સફેદ કોટમાં) ઈરાનના રાષ્ટ્રપતિ રાયસી સાથે જોવા મળે છે.
દાવો-હમાસે ઈરાન સાથે મળીને ઈઝરાયેલ પર હુમલાની યોજના બનાવી હતી
WSJ અનુસાર, ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના અધિકારીઓ ગયા વર્ષે ઓગસ્ટથી હમાસ સાથે મળીને ઇઝરાયેલ પર 1973 પછી જમીન, હવા અને સમુદ્રના રસ્તેથી સૌથી મોટા હુમલાની યોજના બનાવવા માટે કામ કરી રહ્યા હતા.
7 ઓક્ટોબરે ઇઝરાયેલ પર હમાસના હુમલા બાદ ઈરાનમાં પણ લોકોએ ઉજવણી કરી હતી. લોકો ફટાકડા ફોડતા જોવા મળ્યા હતા. જો કે ઈરાને આ તમામ દાવાઓને સંપૂર્ણપણે ફગાવી દીધા હતા.