વૉશિંગ્ટન1 કલાક પેહલા
- કૉપી લિંક
અમેરિકાના ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે પદ સંભાળ્યા પછી તેમનો પહેલો આદેશ ગેરકાયદે રહેતા ઇમિગ્રન્ટ્સને દેશનિકાલ કરવાનો રહેશે. ટ્રમ્પે આ માટે એક પ્લાન પણ તૈયાર કર્યો છે. જેને લઈ ગેરકાયદે વસાહતીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. પરંતુ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને દેશનિકાલ કરવામાં રાષ્ટ્રપતિ ટ્રમ્પનો રેકોર્ડ વર્તમાન રાષ્ટ્રપતિ બાઈડેન કરતાં પણ ખરાબ છે. ટ્રમ્પે 2017થી 2021 સુધીમાં 15 લાખ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને દેશનિકાલ કર્યા હતા જ્યારે બાઈડેને અત્યાર સુધીમાં 28 લાખને દેશનિકાલ કર્યા છે.
ટ્રમ્પે તેમના પ્રથમ કાર્યકાળમાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને દેશનિકાલ કરવાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને અટકાવવા માટે મેક્સિકો બોર્ડર પર દીવાલ બનાવવાનું પણ વચન આપ્યું હતું, પરંતુ તે પૂર્ણ કરી શક્યા નહીં.
આ વખતે તૈયારીઓ… ટ્રમ્પે હોમનને બોર્ડર ચીફ બનાવ્યા, હવે વર્કપ્લેસમાં ગેરકાયદે ઈમિગ્રન્ટ્સને શોધવા માટે દરોડા ટ્રમ્પે તેમના નજીકના સહયોગી ટોમ હોમનને બોર્ડરની સુરક્ષાના ચીફ બનાવ્યા છે. ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પોસ્ટમાં કહ્યું કે હોમન જળ, સ્થળ અને હવાઈ સરહદોની સુરક્ષા માટે જવાબદાર રહેશે. હોમેને તેમની નિમણૂક પછી જણાવ્યું હતું કે ઇમિગ્રન્ટ્સને શોધી કાઢવા માટે દેશભરમાં ઓફિસો અને અન્ય કાર્યસ્થળો પર દરોડા પાડવામાં આવશે. બાઈડેન સરકારે આ પ્રકારની કાર્યવાહીઓ બંધ કરી દીધી હતી.
સૂરમાં સૂર… ઘૂસણખોરો માટે સ્થાન નહીં, હાંકી કઢાશે: રામાસ્વામી ભારતીય મૂળના દિગ્ગજ રિપબ્લિકન નેતા વિવેક રામાસ્વામીએ કહ્યું છે કે અમેરિકામાં ઘૂસણખોરો માટે હવે કોઈ સ્થાન નથી. બાઈડેન સરકાર દરમિયાન ગેરકાયદે વસાહતીઓને રોકવાની સિસ્ટમ સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ. ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને હાંકી કાઢવાની ટ્રમ્પની યોજના અમેરિકાને ફરી એકવાર ‘મહાન’ બનાવશે.
વિવેક રામાસ્વામી રિપબ્લિકન પ્રમુખપદની રેસમાં સામેલ હતા. બીજા રાઉન્ડમાં તેઓ ટ્રમ્પની તરફેણમાં રેસમાંથી ખસી ગયા હતા.
જો ટ્રમ્પ સમર્થક નથી, તો સરકારી નોકરીમાંથી રજા ટ્રમ્પ 2020ની ‘શેડ્યૂલ એફ’ જોગવાઈને ફરીથી લાગુ કરવાની તૈયારી કરી રહ્યા છે. આ જોગવાઈ હેઠળ જો કર્મચારી ટ્રમ્પ સમર્થક નથી તો તેને નોકરી ગુમાવવી પડી શકે છે. તેના કારણે દેશભરમાં નિયુક્ત 50 હજાર સંઘીય કર્મચારીઓની નોકરી દાવ પર લાગી જશે.
ફ્લોરિડામાં ટ્રમ્પ રિસોર્ટની પાસે તમામ હોટેલો ફુલ જાન્યુઆરીમાં વ્હાઇટહાઉસ શિફ્ટ થતા પહેલાં ટ્રમ્પ હાલમાં ફ્લોરિડામાં તેમના રિસોર્ટમાં રહે છે. હાલ ટ્રમ્પ કેબિનેટમાં સામેલ થવામાં રસ ધરાવતા લોકો નજીકના પામ બીચની હોટલોમાં રોકાયા છે. તમામ હોટલો ફુલ ગઈ છે. કેટલાક લોકોએ બે મહિનાના ભાડાં પર મકાનો લીધાં છે.