4 મિનિટ પેહલા
- કૉપી લિંક
7 ઓક્ટોબર, 2023ના રોજ શરૂ થયેલ ઇઝરાયલ-હમાસ યુદ્ધ હજુ પણ ચાલુ છે.
અમેરિકાએ ઇઝરાયલ-હમાસ યુદ્ધમાં સીઝફાયર અંગે એક પ્રસ્તાવ તૈયાર કર્યો છે. તેને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ને મોકલવામાં આવ્યો છે. વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને આ માહિતી જણાવી છે.
અમેરિકાએ ગાઝામાં તાત્કાલિક સીઝફાયરના 3 પ્રસ્તાવને ફગાવી દીધા હતા. માલ્ટાએ નવેમ્બર 2023માં સૌપ્રથમ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. બીજી વખત UAEએ ડિસેમ્બર 2023માં પ્રસ્તાવ રજૂ કર્યો હતો અને ત્રીજી વખત ફેબ્રુઆરી 2024માં ઉત્તર આફ્રિકન દેશ અલ્જેરિયાએ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. ત્રણેય વખત અમેરિકાએ વીટોનો ઉપયોગ કરીને પ્રસ્તાવને ફગાવી દીધા હતા.
7 ઓક્ટોબર, 2023થી શરૂ થયેલા ઇઝરાયેલ-હમાસ યુદ્ધમાં અત્યાર સુધીમાં 32 હજારથી વધુ પેલેસ્ટિનિયોના મોત થઈ ચૂક્યા છે. તેમાં 13 હજારથી વધુ બાળકો છે.
ગાઝામાં 74 હજારથી વધુ લોકો ઘાયલ થયા છે. લગભગ 8 હજાર લોકો ગુમ છે.
બ્લિંકને કહ્યું – અમારા પ્રસ્તાવમાં બંધકોની મુક્તિ પર પણ ધ્યાન કેન્દ્રિત
અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન ઇઝરાયલ-હમાસ યુદ્ધના સંદર્ભમાં મધ્ય પૂર્વના દેશોની મુલાકાતે છે. હાલમાં તે સાઉદી અરેબિયામાં છે. અહીં સાઉદી અલ-હદથ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું- અમે એક પ્રસ્તાવ તૈયાર કર્યો છે. તેને UNSCમાં મોકલવામાં આવ્યો છે. જેમાં બંધકોની મુક્તિને ધ્યાનમાં રાખીને તાત્કાલિક સીઝફાયરની માંગ કરવામાં આવી છે. અમને પૂરી આશા છે કે અન્ય દેશો તેને સમર્થન આપશે.
અત્યાર સુધી અમેરિકાએ પ્રસ્તાવોને ફગાવી દીધા છે કારણ કે તેમાં માત્ર સીઝફાયરની વાત છે. બંધકોને છોડાવવાનો કોઈ ઉલ્લેખ નથી. અમેરિકા કહેતું રહ્યું છે કે તાત્કાલિક સીઝફાયરથી બંધકોની મુક્તિ જોખમમાં મૂકાશે. બંધકોને મુક્ત કરવા માટે હમાસ સાથે સમજુતી જરૂરી છે. બિનશરતી સીઝફાયરની માંગ કરવાથી કાયમી શાંતિ નહીં આવે. આ યુદ્ધને વધારી શકે છે. એટલા માટે અમે વીટો લગાવ્યો છે.
ઇઝરાયલ-હમાસ યુદ્ધની શરૂઆત બાદ બ્લિંકન 6ઠ્ઠી વખત મિડલ ઈસ્ટના દેશોની મુલાકાતે છે.
વીટો શું છે…
UNSCમાં પાંચ દેશ કાયમી સભ્યો છે. જેમાં અમેરિકા, રશિયા, બ્રિટન, ફ્રાન્સ અને ચીનનો સમાવેશ થાય છે. માત્ર તેમની પાસે વીટો પાવર છે. આ ખૂબ જ મહત્વપૂર્ણ છે. સુરક્ષા પરિષદ આ પાંચ દેશોની સંમતિ વિના કોઈપણ પ્રસ્તાવ પસાર કે અમલ કરી શકતી નથી. જો 5 સભ્યોમાંથી એક પણ તેનો વીટો કરે તો પ્રસ્તાવ પસાર થતો નથી.
હમાસના આતંકવાદીઓએ 234 લોકોને બંધક બનાવ્યા હતા
7 ઓક્ટોબર, 2023ના રોજ ઇઝરાયલ પરના હુમલામાં હમાસના આતંકવાદીઓએ ગાઝામાં લગભગ 234 લોકોને બંધક બનાવ્યા હતા. 24 નવેમ્બરથી 30 નવેમ્બર સુધી યુદ્ધવિરામ થયો હતો. હમાસ અને ઇઝરાયલના દળોએ 7 દિવસ સુધી હુમલા અટકાવ્યા હતા. ત્યારબાદ 107 બંધકોને મુક્ત કરવામાં આવ્યા હતા.
બ્લિંકને ઇન્ટરવ્યુમાં કહ્યું – હમાસને એક સારી ઓફર આપવામાં આવી હતી, પરંતુ તેઓએ તેને તરત જ સ્વીકારી ન હતી. જો હમાસ ગાઝાના લોકોની ચિંતા કરશે તો તે ચોક્કસપણે સમાધાન કરશે.
બંધકોની મુક્તિ મામલે ઇઝરાયેલમાં દેખાવો થઈ રહ્યા છે.
‘અલ-અક્સા પૂર’ સામે ઇઝરાયેલનું ઓપરેશન ‘સ્વોર્ડ્સ ઓફ આયર્ન શરૂ કર્યું.
હમાસના મિલિટરી કમાન્ડર મોહમ્મદ દીફે કહ્યું હતું – આ હુમલો ઇઝરાયલ દ્વારા જેરુસલેમની અલ-અક્સા મસ્જિદની અપવિત્ર કરવાનો બદલો છે. ખરેખરમાં, ઇઝરાયલ પોલીસે એપ્રિલ 2023માં અલ-અક્સા મસ્જિદ પર ગ્રેનેડ ફેંક્યા હતા.
હમાસના પ્રવક્તા ગાઝી હમાદે અલ જઝીરાને કહ્યું – આ કાર્યવાહી તે આરબ દેશો માટે અમારો જવાબ છે જે ઇઝરાયલની નજીક વધી રહ્યા છે. હાલના દિવસોમાં, મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે સાઉદી અરેબિયા અમેરિકાની પહેલ પર ઇઝરાયલને એક દેશ તરીકે માન્યતા આપી શકે છે.