કપડવંજના ખેડૂતે ગળાફાંસો ખાઇ જિંદગીનો અંત આણ્યો

0
108

કપડવંજ શાક માર્કેટ પાછળ આવેલા ખેતરમાં રહેતા એક આધેડે ગુરૂવારે રાત્રે લીમડાના ઝાડે ગળાફાંસો ખાઇ જિંદગીનો અંત આણ્યો હતો. ખેડૂતે આત્મહત્યા કરી છે કે કોઇ ઇસમોએ હત્યા કરી લાશને લીમડાના ઝાડ ઉપર લટકાવી દીધી છે ? તે અંગે તરેહ તરેહની ચર્ચાએ ભારે જોર પકડયું છે. જેથી પોલીસે અગમ્ય કારણોસર જિંદગીનો અંત આણ્યો હોવાની ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. 

પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કપડવંજ શાકમાર્કેટ પાછળ આવેલા ખેતરમાં ઘરોડ ગામના કનુભાઇ કાનજીભાઇ પરમાર (ઉ.વ.૩૦) પોતાના પરિવાર સાથે ખેતરમાં રહે છે.  ગુરૂવારે રાત્રીના કનુભાઇ પોતાના પિતા તથા પરિવારના સભ્યો સાથે જમી પરવારી સૂઇ ગયા હતા. દરમ્યાન રાત્રીના સમયે કાનજીભાઇ રામાભાઇ પરમાર (ઉ.વ.પ૦) ખેતરમાં આવેલ એક લીમડાના  ઝાડ પાસે ગયા હતા. જયાં તેઓએ કોઇ અગમ્ય કારણોસર લીમડાના ઝાડની ડાળી સાથે દોરડું બાંધી ગળાફાંસો ખાઇ જીંદગીનો અંત આણ્યો હતો. દરમ્યાન સવારે ભેંસો દોહવા માટે કનુભાઇ ઉઠયા ત્યારે પિતાને ખાટલામાં ન જોતાં તપાસ હાથ ધરી હતી. દરમ્યાન સવારે લીમડાના ઝાડ સાથે ગળાફાંસો ખાધેલ હાલતમાં તેઓની લાશ મળી આવી હતી. કાનજીભાઇએ લીમડાના ઝાડની ડાળીએ ૧૫ ફૂટ ઉંચે ગળાફાંસો ખાઇ જિંદગીનો અંત આણ્યો હતો. તેઓની લાશ લીમડાના ઝાડ ઉપર જોતાં લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટીપડ્યા હતા. કોઇ અજાણ્યા ઇસમોએ કાનજીભાઇની હત્યા કરીને પુરાવાનો નાશ કરવા  લાશને લીમડાના ઝાડ ઉપર ટીંગળવી દીધી છે કે તેઓએ ગળાફાંસો ખાઇ જીંદગીનો અંત આણ્યો છે તે અંગે તરેહ તરેહની ચર્ચાએ ભારે જોર પકડ્યું છે. આ બનાવની જાણ કનુભાઇએ કપડવંજ શહેર પોલીસ મથકે કરતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. 

પોલીસે ફાયર બ્રિગેડના જવાનોની મદદથી લાશને ઝાડ ઉપરથી નીચે ઉતારી હતી. પોલીસે લાશનું ઇન્કવેસ્ટભરી લાશને પોસ્ટમોર્ટમ માટે કપડવંજની જે.બી.મહેતા હોસ્પિટલમાં મોકલી આપી હતી. પોસ્ટમોર્ટમ રીપોર્ટ બાદ હત્યા કે આત્મહત્યા છે તેનું ચોક્કસ કારણ જાણી શકાશે.  આ સંદર્ભે કપડવંજ પોલીસ મથકે કનુભાઇની ફરિયાદના આધારે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here