2 કલાક પેહલાલેખક: ગૌરવ તિવારી
- કૉપી લિંક
બેંગલોર સ્થિત એક ટેક મીડિયા કંપનીના સીઈઓ અમિત મિશ્રાએ લિંક્ડઇન પોસ્ટ (વેપાર અને રોજગારલક્ષી સોશિયલ નેટવર્ક) માં લખ્યું હતું કે, શનિવારે તેના નાકમાંથી અચાનક લોહી નીકળવા લાગ્યું. તેણે વિચાર્યું કે તે બંધ થઈ જશે, પણ તેનું સફેદ વોશબેસિન લાલ થઈ ગયું. જ્યારે રૂનો મોટો ટુકડો પણ ભીનો થઈ ગયો, ત્યારે તે ડરી ગયા અને તરત જ હોસ્પિટલ દોડી ગયા. ત્યાંની ઇમરજન્સી ટીમને રક્તસ્ત્રાવ બંધ કરવામાં 20 મિનિટ લાગી.
તેમને સૌથી મોટો આઘાત ત્યારે લાગ્યો, જ્યારે તેમને ખબર પડી કે, તેમનું બ્લડ પ્રેશર 230 છે. તેઓ ચોંકી ગયા. તેમને તાત્કાલિક ICUમાં ખસેડવામાં આવ્યા. ડોક્ટરોને બ્લડ પ્રેશર સામાન્ય કરવામાં થોડા કલાકો લાગ્યા. અમિત વિશે ચોંકાવનારી વાત એ હતી કે, તેને ન તો માથાનો દુખાવો હતો, ન તો તેને ચક્કર આવતા હતા અને ન તો તેને હાઈ બ્લડ પ્રેશરની કોઈ હિસ્ટ્રી હતી. આમ છતાં, બ્લડ પ્રેશર અચાનક આટલું બધું કેવી રીતે વધી ગયું? આ એક મેડિકલ ઈમરજન્સી છે અને તે જીવલેણ બની શકે છે.
તો આજે ‘તબિયતપાણી‘ માં આપણે હાઈ બ્લડ પ્રેશર વિશે વાત કરીશું. સાથે એ પણ જાણીશું કે-
- બ્લડ પ્રેશર શું છે?
- કયા કારણોસર બ્લડ પ્રેશર અચાનક વધી શકે છે?
- તેનાથી કયા કોમ્પ્લિકેશન થઈ શકે છે?
- કયા લોકોને વધુ જોખમ છે?
- અચાનક બીપી વધી જાય તો તેને કેવી રીતે ઘટાડવું?
BP શું છે?
બ્લડ પ્રેશર એટલે બ્લડ ફ્લોના કારણે રક્ત વાહિનીઓ પર પડતું દબાણ. દુનિયાની દરેક વસ્તુ જે જગ્યા રોકે છે અને વજન ધરાવે છે, તેનું દબાણ પણ હોય છે.

બ્લડ પ્રેશર અચાનક કેમ વધે છે?
સામાન્ય રીતે વધતા તણાવને કારણે બ્લડ પ્રેશર અચાનક વધી શકે છે. તણાવને કારણે વધતી જતી ગભરામણ કે એંગ્ઝાઇટિ શરીરમાં હોર્મોનલ ફેરફારોનું કારણ બને છે, જે બ્લડ પ્રેશર વધારી શકે છે. ઉપરાંત દુખાવાની દવા, એન્ટીડિપ્રેસન્ટ્સ (ડિપ્રેશનની દવા) જેવી દવાઓ અને બીમારીઓના કારણે બ્લડ પ્રેશર વધી શકે છે. બધા કારણો ગ્રાફિકમાં જુઓ-

અચાનક બ્લડ પ્રેશર વધી જાય ત્યારે શું થાય?
બ્લડ પ્રેશરમાં અચાનક વધારો થવાથી ગંભીર મેડિકલ ઈમરજન્સી આવી શકે છે. ખાસ કરીને, જ્યારે બ્લડ પ્રેશર ખૂબ વધી જાય, ત્યારે આ સ્થિતિ હાયપરટેન્સિવ ઇમરજન્સીની નિશાની હોઈ શકે છે, જેમાં અંગને નુકસાન થવાનું જોખમ પણ રહેલું છે. તેના બધા લક્ષણો ગ્રાફિકમાં જુઓ-
ડો. સંચયન રોય કહે છે કે, જો તમને અથવા તમારી આસપાસના કોઈને આ લક્ષણોનો અનુભવ થઈ રહ્યો હોય, તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરો અથવા ઈમરજન્સી સેવાઓની મદદ લો.

અચાનક બ્લડ પ્રેશર વધવાનું જોખમ કોને વધારે છે?
કેટલીક પરિસ્થિતિઓ કે કારણો હોઈ શકે છે, જેના કારણે બ્લડ પ્રેશર અચાનક વધી શકે છે. જો આમાંથી કોઈ પણ બાબત તમારા સાથે મેળ ખાય છે, તો તમારે સાવધ રહેવું જોઈએ.
- ધૂમ્રપાન: જે લોકો સિગારેટ પીવે છે અથવા તમાકુ ખાય છે, તેમને હાઈ બ્લડ પ્રેશર થવાનું જોખમ વધારે છે.
- હાઈ સ્ટ્રેસવાળી નોકરી: જે લોકો સતત ખૂબ જ તણાવપૂર્ણ કામ કરે છે. જે નોકરીઓમાં ઝડપી નિર્ણયો લેવાની જરૂર હોય અથવા ડેડલાઇન પર ખૂબ દબાણ હોય, ત્યાં કામ કરતા લોકોનું બ્લડ પ્રેશર ઝડપથી વધી શકે છે.
- એંગ્ઝાઈટી કે પેનિક ડિસઓર્ડર: જે લોકો માનસિક તાણ, ચિંતા અથવા ગભરામણથી પીડાય છે, તેમના બ્લડ પ્રેશરમાં અચાનક વધારો થઈ શકે છે.
- ક્રોનિક કિડની ડિઝીઝ: જે લોકોને કિડનીની કોઈ પણ બીમારી હોય, તેમનું બ્લડ પ્રેશર વધી શકે છે.
- ઓબેસિટી: જે લોકોનું વજન વધારે છે, તેમના બ્લડ પ્રેશરમાં અચાનક વધારો થઈ શકે છે.
- દારૂ કે અન્ય કોઈ નશો: જો કોઈ વ્યક્તિ દારૂ, ડ્રગ્સ કે કોઈ પણ નશીલા પદાર્થનું સેવન કરે છે, તો તેનું બ્લડ પ્રેશર અચાનક વધી શકે છે.
- સગર્ભા: ગર્ભાવસ્થા દરમિયાન કેટલીક સ્ત્રીઓના બ્લડ પ્રેશરમાં અચાનક વધારો થઈ શકે છે, જેને પ્રી-એક્લેમ્પસિયા પણ કહેવાય છે.
- સ્લીપ ડિસઓર્ડર: જે લોકોને સ્લીપ એપનિયા જેવી ઊંઘ સંબંધિત સમસ્યાઓ હોય છે, તેમના બ્લડ પ્રેશરમાં અચાનક વધારો થઈ શકે છે.
બ્લડ પ્રેશરમાં અચાનક વધારો થવાથી આ સમસ્યાઓ થઈ શકે છે
હૃદયરોગનો હુમલો: વધુ પડતું બ્લડ પ્રેશર હૃદયની રક્ત ધમનીઓને નુકસાન પહોંચાડી શકે છે, જેનાથી હૃદયરોગનો હુમલો આવી શકે છે.
હાર્ટ ફેલ્યર: હાઈ બ્લડ પ્રેશર હૃદય પર વધારાનું દબાણ લાવે છે, જેના કારણે હૃદય યોગ્ય રીતે લોહી પંપ કરી શકતું નથી અને હાર્ટ ફેલ્યર તરફ દોરી શકે છે.
કિડની ડેમેજ કે ફેલ્યર: હાઈ બ્લડ પ્રેશર કિડનીની રક્ત વાહિનીઓને નુકસાન પહોંચાડી શકે છે, જે કિડનીનું કાર્ય સંપૂર્ણપણે નબળું પાડી શકે છે અથવા બંધ કરી શકે છે.
દૃષ્ટિ ગુમાવવી: બ્લડ પ્રેશર વધવાથી આંખોની રક્તવાહિનીઓને નુકસાન થઈ શકે છે, જેના કારણે દૃષ્ટિ ઝાંખી થઈ શકે છે અથવા સંપૂર્ણપણે દૃષ્ટિ ગુમાવી શકાય છે.
મગજમાં રક્તસ્ત્રાવ: હાઈ બ્લડ પ્રેશરથી મગજની રક્તવાહિનીઓ ફાટી શકે છે અથવા બ્લીડિંગ થઈ શકે છે, જેનાથી મગજને ગંભીર નુકસાન થઈ શકે છે.
સ્ટ્રોક: ખૂબ જ ઊંચું બ્લડ પ્રેશર મગજમાં લોહીના પ્રવાહને અવરોધિત કરી શકે છે, જેના કારણે સ્ટ્રોક આવે છે. આ જીવલેણ સ્થિતિ થઈ શકે છે.
એન્કેફ્લોપથી: આ એક એવી સ્થિતિ છે, જેમાં વ્યક્તિની માનસિક સ્થિતિમાં અચાનક ફેરફાર થઈ શકે છે, જેમ કે મૂંઝવણ, ચિત્તભ્રમ અથવા માનસિક સ્થિતિમાં ગંભીર અસર.
બ્લડ પ્રેશર અચાનક વધી જાય તો તેને કેવી રીતે ઘટાડવું?
જો કોઈ વ્યક્તિ બ્લડ પ્રેશરમાં અચાનક વધારો થવાને કારણે અસ્વસ્થતા અનુભવી રહી હોય તો ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. જોકે, કેટલીક પદ્ધતિઓ અસ્થાયી રૂપે બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરી શકે છે-
ધીમે ધીમે ઊંડા શ્વાસ લોઃ ઊંડા શ્વાસ લેવાથી અને ધીમે ધીમે શ્વાસ બહાર કાઢવાથી શરીરને આરામ મળે છે અને તે બ્લડ પ્રેશરને ઓછું કરવામાં પણ મદદ કરી શકે છે.
આરામ કરવાની તકનીકો અપનાવો: યોગ, ધ્યાન અથવા સ્નાયુઓને આરામ આપતી તકનીકોની મદદથી માનસિક તણાવ ઘટાડી શકાય છે અને બીપીમાં પણ રાહત મળી શકે છે.
પુષ્કળ પાણી પીવો: પુષ્કળ પાણી પીવાથી શરીર હાઇડ્રેટેડ રહે છે અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં પણ મદદ મળે છે.
હળવી કસરત કરો: ચાલવાથી કે હળવી સ્ટ્રેચિંગ કરવાથી શરીર સક્રિય રહે છે અને બ્લડ પ્રેશર સ્થિર કરવામાં પણ મદદ મળી શકે છે.
ઠંડા પાણીથી સ્નાન કરો: ઠંડા પાણીથી સ્નાન કરવાથી શરીર ઠંડુ પડે છે, જે બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરી શકે છે.
તડકામાં બેસો: વહેલી સવારે સૂર્યપ્રકાશમાં બેસવાથી શરીરને વિટામિન D મળે છે, જે બીપીને સામાન્ય બનાવવામાં મદદ કરી શકે છે.