1 કલાક પેહલાલેખક: સંદીપ સિંહ
- કૉપી લિંક
બેરોજગારી દેશમાં મોટા પ્રશ્નોમાંનો એક છે. લાખો યુવાનો બેરોજગાર છે, ત્યારે બેરોજગાર યુવકો સાથે એક મોટી છેતરપિંડીનો મામલો પ્રકાશમાં આવ્યો છે. સ્કેમર્સે ‘ઈ-ઔષધી એમપી પોર્ટલ’ના નામે એક નકલી વેબસાઇટ બનાવીને 2,972 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત બહાર પાડી હતી, જે સંપૂર્ણપણે બોગસ હોવાનું બહાર આવ્યું છે. આ ભરતીની જાહેરાત 7 માર્ચે વેબસાઇટ ઉપર અપલોડ કરવામાં આવી હતી. તેના દ્વારા 15,000થી વધુ યુવાનો પાસેથી 500-500 રૂપિયા રજિસ્ટ્રેશન ફી વસૂલીને લગભગ 75 લાખ રૂપિયાની ઓનલાઈન છેતરપિંડી કરવામાં આવી હતી. એક મહિના પછી જ્યારે આયુષ વિભાગે કહ્યું કે, “આવી કોઈ જાહેરાત બહાર પાડવામાં આવી નથી”, ત્યારે સમગ્ર કૌભાંડ સામે આવ્યું.
આ પહેલી વાર નથી, જ્યારે બેરોજગાર યુવાનો આ રીતે છેતરાયા હોય. આ પહેલા પણ ઘણી વખત નકલી સરકારી વેબસાઇટ અને નોકરીઓના નામે કૌભાંડો પ્રકાશમાં આવી ચૂક્યા છે.
તો, આજે ‘કામના સમાચાર‘માં, આપણે નકલી સરકારી વેબસાઇટ્સ સ્કેમથી કેવી રીતે બચવું તે વિશે વાત કરીશું. સાથે એ પણ જાણીશું કે-
- વેબસાઇટ સાચી છે કે બોગસ, એ કેવી રીતે ખબર પડે?
- નકલી વેબસાઇટનો ભોગ બન્યા પછી ફરિયાદ ક્યાં કરવી?
નિષ્ણાત: રાજેશ દંડોતિયા, એડિશનલ ડીસીપી, ક્રાઇમ બ્રાન્ચ, ઇન્દોર
પ્રશ્ન: નોકરીના નામે યુવકો માટે કેવી રીતે જાળ પાથરી? જવાબ: સ્કેમર્સે એક નકલી વેબસાઇટ બનાવી, જે સરકારી પોર્ટલ જેવી દેખાતી હતી, જેનું ઇન્ટરફેસ, નામ અને URL સાચી ‘ઈ-ઔષધિ’ સાઇટ જેવા જ હતા. તેનાથી મૂંઝવણમાં મુકાઈને, હજારો યુવાનોએ અરજી કરી અને ફી ભરી દીધી.
પ્રશ્ન: આવા સ્કેમમાં કઈ ટેકનોલોજી કે પદ્ધતિનો ઉપયોગ થાય છે? જવાબ: આજકાલ સાયબર ઠગ ઘણી સ્માર્ટ ટેકનોલોજી અને યુક્તિઓનો ઉપયોગ કરે છે. સૌ પ્રથમ તે એક નકલી પોર્ટલ બનાવે છે, જે સાચી સરકારી વેબસાઇટ જેવું લાગે છે, જેમાં નામ, લોગો, રંગ અને ડિઝાઇન બધું જ બરાબર નકલ કરવામાં આવે છે. આ પછી તે સોશિયલ મીડિયા, યૂટ્યૂબ, વ્હોટ્સએપ ગ્રુપ અને સસ્તી ઓનલાઈન જાહેરાતો દ્વારા આ નકલી વેબસાઇટનો પ્રચાર કરે છે.
ઘણી વખત આ સ્કેમર્સ તેની સાઇટને ગૂગલ સર્ચમાં ઉપર લાવવા માટે SEO તકનીકોનો પણ ઉપયોગ કરે છે, જેથી લોકો ભ્રમમાં મુકાઈને પહેલી લિંક પર ક્લિક કરે. ઘણી વખત વિશ્વાસ બનાવવા માટે વેબસાઇટ પર નકલી હેલ્પલાઇન નંબર અને ઇમેઇલ આઈડી પણ આપવામાં આવે છે. એકંદરે, આ સ્કેમ્સ ‘વિશ્વાસ બનાવીને છેતરપિંડી’ કરવાનો સાયબર પ્લાન છે, જેમાં ટેકનોલોજીનો દુરુપયોગ થાય છે.
પ્રશ્ન: નકલી સરકારી વેબસાઇટ કેવી રીતે ઓળખી શકાય? જવાબ: નકલી સરકારી વેબસાઇટ ઓળખવા માટે પહેલા તેના ડોમેન નામને કાળજીપૂર્વક જુઓ. ડોમેન એ એક એવું નામ છે, જેના દ્વારા લોકો તમારી વેબસાઇટ ઇન્ટરનેટ પર સરળતાથી શોધી શકે છે. સામાન્ય રીતે, સાચી સરકારી વેબસાઇટનું સરનામું .gov.in અથવા .nic.in સાથે સમાપ્ત થાય છે. જો વેબસાઇટ .com, .org, અથવા ફક્ત .in જેવા અન્ય કોઈ ડોમેન પર હોય તો તે શંકાસ્પદ હોઈ શકે છે.
ઉપરાંત વેબસાઇટમાં “https://” હોવું આવશ્યક છે, જે દર્શાવે છે કે સાઇટ સુરક્ષિત છે. તમે કેટલીક અન્ય પદ્ધતિઓ દ્વારા પણ નકલી સરકારી વેબસાઇટ્સ ઓળખી શકો છો.

પ્રશ્ન- શું સ્કેમર્સ સરકારી ડોમેનની નકલ કરી શકે છે? જવાબઃ .gov.in અથવા .nic.in જેવા સરકારી ડોમેનની નકલ કરવી લગભગ અશક્ય છે, કારણ કે આ ફક્ત સરકારી સંસ્થાઓને જ ફાળવવામાં આવે છે. એક કડક ચકાસણી પ્રક્રિયા હેઠળ તેને જારી કરવામાં આવે છે. સ્કેમર્સ સામાન્ય રીતે .com, .org, અથવા .in જેવા જાહેર ડોમેનનો ઉપયોગ કરે છે, જે નોંધણી કરાવવામાં સરળ અને સસ્તા હોય છે.
ઉદાહરણ તરીકે, આ કિસ્સામાં નકલી વેબસાઇટનું URL (https://e-aushadhimp.co.in) હતું. તે જોવામાં સાચા જેવું જ દેખાય છે, પરંતુ વાસ્તવમાં આ .co.in ડોમેન સંપૂર્ણપણે નકલી છે. તેથી કોઈપણ વેબસાઇટ ખોલતા પહેલા તેનું ડોમેન નામ કાળજીપૂર્વક તપાસો.

પ્રશ્ન- વેબસાઇટની પ્રમાણિતતા કેવી રીતે તપાસી શકાય? જવાબ: જો તમને કોઈપણ વેબસાઇટની સત્યતા પર શંકા હોય, તો તેની પુષ્ટિ કરવા માટે કેટલાક સરકારી પોર્ટલ અને પદ્ધતિઓ ઉપલબ્ધ છે. તેમની મદદથી સરકારી પોર્ટલ અને સાધનોની માન્યતા ચકાસી શકાય છે.
CERT-In આ વેબસાઇટ (https://www.cert-in.org.in) પરથી તમે નકલી વેબસાઇટ્સની રિપોર્ટ કરી શકો છો અને સાયબર એલર્ટ પણ જોઈ શકો છે.
Whois Lookup Tools આ એવા ઓનલાઈન ટૂલ્સ અથવા સેવાઓ છે, જે જણાવે છે કે, વેબસાઇટનું ડોમેન ક્યારે રજિસ્ટર થયું હતું, તે કોના નામે છે અને તે ક્યાંથી સંચાલિત થઈ રહ્યું છે. આ માહિતી આ સાધનો પરથી ઉપલબ્ધ છે. સામાન્ય રીતે સાચી સરકારી વેબસાઇટ NIC અથવા કોઈપણ સરકારી એજન્સીના નામે નોંધાયેલી હોય છે. ઉદાહરણ તરીકે inregistry.in, whois.domaintools.com).
NIC જો કોઈ વેબસાઇટ .gov.in અથવા .nic.in પર નથી, તો તમે NIC (નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર) પરથી ચકાસણી કરી શકો છો. ઉપરાંત જો વેબસાઇટ કોઈપણ મંત્રાલય અથવા વિભાગ સાથે જોડાયેલી હોય, તો તે ભરતી અથવા માહિતીની પુષ્ટિ કરવા માટે તેની સત્તાવાર વેબસાઇટ અથવા સોશિયલ મીડિયા હેન્ડલ પર જરૂર જુઓ.

પ્રશ્ન: જો કોઈ વ્યક્તિએ ભૂલથી નકલી વેબસાઇટ પર સંવેદનશીલ માહિતી આપી દીધી હોય, તો તેણે તાત્કાલિક શું કરવું જોઈએ? જવાબ: આવી સ્થિતિમાં તાત્કાલિક કેટલાક જરૂરી પગલાં લો. જેમ કે-
- જો તમે ઇમેઇલ, બેંક, સોશિયલ મીડિયા જેવા કોઈપણ એકાઉન્ટનો પાસવર્ડ આપ્યો હોય, તો તેને તાત્કાલિક બદલી નાખો.
- જો બેંક સંબંધિત માહિતી શેર કરી હોય, તો તાત્કાલિક બેંકના કસ્ટમર કેરનો સંપર્ક કરો અને તમારું કાર્ડ બ્લોક કરાવો, શંકાસ્પદ વ્યવહાર વિશે બેંકને જાણ કરો.
- તમારા બ્રાઉઝરની કેશ અને કૂકીઝ ક્લિયર કરો.
- નજીકના સાયબર પોલીસ સ્ટેશનની મુલાકાત લો અથવા ઓનલાઈન ફરિયાદ નોંધાવો.
પ્રશ્ન- ભારતમાં આવા કૌભાંડો માટે કોઈ ખાસ કાયદો છે?
જવાબઃ ભારતમાં નકલી વેબસાઇટ્સ, સાયબર છેતરપિંડી અને ઓનલાઈન સ્કેમ સંબંધિત કેસોને નિયંત્રિત કરવા માટે ભારતીય ન્યાય સંહિતા, 2023 અને ભારતીય ડિજિટલ કાયદો, 2000 માં જોગવાઈઓ છે.
જો કોઈ વ્યક્તિ છેતરપિંડીથી કોઈની મિલકત, પૈસા કે સંવેદનશીલ માહિતી મેળવે છે (ઉદાહરણ તરીકે, નકલી વેબસાઇટ બનાવીને) તો તેને છેતરપિંડી ગણવામાં આવશે. તેની સામે છેતરપિંડી માટે કલમ 316 અને નકલી વેબસાઇટ કે દસ્તાવેજો બનાવીને લોકોને ગેરમાર્ગે દોરવા માટે કલમ 336 અને 338 હેઠળ કાર્યવાહી થઈ શકે છે. ઉપરાંત, IT એક્ટ, 2000 હેઠળ કોઈને છેતરવા માટે નકલી વેબસાઇટ, ઇમેઇલ અથવા IDનો ઉપયોગ કરવા બદલ કલમ 66C અને 66D હેઠળ કાનૂની કાર્યવાહી થઈ શકે છે.