2 કલાક પેહલાલેખક: ગૌરવ તિવારી
- કૉપી લિંક
શું તમે જાણો છો કે, સાડી પહેરવાથી કેન્સર થઈ શકે છે. આ અમે નથી કહી રહ્યા પરંતુ હાલમાં જ જાણીતા મેડિકલ જર્નલ ‘BMJ’માં પ્રકાશિત થયેલા એક અભ્યાસ અનુસાર પરંપરાગત સાડીમાં ખૂબ જ ટાઈટ નાડા સાથેનો પેટીકોટ પહેરવાથી સ્કીના કેન્સરનું જોખમ વધી શકે છે. આ જોખમ પેટીકોટને કારણે થાય છે. તેથી જ તેને ‘પેટીકોટ કેન્સર’ નામ આપવામાં આવ્યું છે.
આ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ગામડાની મહિલાઓને વધુ જોખમ હોય છે કારણ કે તેઓ સામાન્ય રીતે સાડી પહેરે છે. પેટીકોટનું નાડું ખૂબ જ ચુસ્ત હોવાને કારણે, તે સતત કમર પર દબાણ કરે છે અને કમરની ચામડી સાથે તેનું ઘર્ષણ પણ વધે છે. આ બાબત દુર્લભ સ્કિન કેન્સર ‘માર્જોલિન અલ્સર’નું કારણ બને છે.
માર્જોલિન અલ્સર એક એગ્રેસિવ અને દુર્લભ સ્કિન કેન્સર છે. તે તીવ્ર રીતે ઘસાવાથી અથવા સોજા બાદ ન રુઝાયેલા ઘા અથવા ચાંદાને કારણે થાય છે. તે ખૂબ જ ધીરે ધીરે વધે છે, પરંતુ સમય જતાં તે મગજ, કિડની, લિવર અથવા ફેફસાં સહિત શરીરના તમામ ભાગોમાં ફેલાઈ શકે છે.
તેથી જ આજે ‘ તબિયતપાણી ‘ માં આપણે પેટીકોટ કેન્સર વિશે વાત કરીશું. તમે એ પણ જાણી શકશો કે-
- આ કેવી રીતે અને શા માટે થાય છે?
- પેટીકોટ કેન્સરના લક્ષણો શું છે?
- તેની સારવાર અને નિવારણનાં પગલાં શું છે?
પેટીકોટ કેન્સર શું છે? શરીરના કોઈપણ ભાગ પર વધુ પડતું દબાણ, ઘસારો ત્યાંના રક્ત પરિભ્રમણને અસર કરે છે. જો આ દબાણ દરરોજ થતું હોય તો તે શરીરના તે ભાગની ત્વચામાં ફેરફાર આવી શકે છે. આનાથી સોજો, ડાઘ અથવા ચાંદા થઈ શકે છે. તે માર્જોલિન અલ્સરમાં પણ ફેરવાઈ શકે છે.
જો આ સ્થિતિ પેટીકોટના ચુસ્ત નાડાના કારણે થાય છે તો તેને પેટીકોટ કેન્સર કહેવાય છે.
અભ્યાસના 2 કેસમાં શું સામે આવ્યું છે પ્રથમ કિસ્સામાં, એક 70 વર્ષીય મહિલાને તેની કમરની જમણી બાજુએ અલ્સર થયું હતું. તપાસમાં જાણવા મળ્યું કે તેને સ્કિન કેન્સર છે. તેની ચામડીનો રંગ ફિક્કો પડી ગયો હતો. તેના પેટીકોટના પાતળા નાડા કારણે સ્કિનને લાંબા સમય સુધી નુકસાન થયું હતું, જેના કારણે તેને માર્જોલિન અલ્સર થયું હતું.
બીજા કિસ્સામાં, 60 વર્ષીય મહિલાએ લુગદા શૈલીમાં સાડી પહેરી હતી. આ પરંપરાગત સાડી પહેરવાની શૈલીમાં પેટીકોટ વગર સાડી સીધી કમર પર બાંધવામાં આવે છે. તેણે માર્જોલિન અલ્સર થયું હતું, જે પાછળથી તેના લસિકા ગાંઠો(લિમ્ફ નોડ)સુધી ફેલાઈ ગયું.
પેટીકોટ કેન્સરના લક્ષણો પેટીકોટ કેન્સર એટલે જવલ્લે જ જોવા મળતું સ્કિન કેન્સર માર્જોલિન અલ્સર છે. જ્યારે તે પેટીકોટના નાડાની બાંધેલી જગ્યાએ ડેવલપ થાય છે ત્યારે તેને પેટીકોટ કેન્સર કહેવાય છે. તેથી, માર્જોલિન અલ્સરના મોટાભાગના લક્ષણો પેટીકોટ કેન્સરના સંકેતો પણ છે.
માર્જોલિન અલ્સરમાં, ઘા વિકસે તે પહેલાં સ્કિન પર સામાન્ય રીતે ભીંગડાંવાળી ઉપસેલી ચામડી દેખાય છે. તેના કારણે ત્વચામાં ખંજવાળ, બળતરા અને ફોલ્લા પણ થઈ શકે છે. આ પછી, હળવા ઘા દેખાવા લાગે છે, જેની આસપાસ ઘણી સખત ગાંઠો બને છે. મોટાભાગના કિસ્સાઓમાં સ્કિનનો રંગ પણ બદલાય છે.
પેટીકોટ કેન્સર વિકસી રહ્યું છે તે કેવી રીતે ઓળખવું ડો.વિજય સિંઘલ કહે છે કે, આ પ્રકારના કેન્સરમાં લાંબા સમય સુધી ઘસવાથી અને દબાણને કારણે ચામડી પર સોજો આવે છે. તેના નિશાનો કોઈ ઈજા અથવા ઠોકરને કારણે સોજા જેવા દેખાય છે. સામાન્ય રીતે આમાં દાહ(બળતરાં) અનુભવાય છે. કેટલાક કિસ્સાઓમાં ખંજવાળ અનુભવાય છે. તે નીચેની રીતે ડેવલપ થઈ શકે છે:
પ્રેશર સોર (દબાણને કારણે ચાંદી): જ્યારે નાડીને કારણે એક જગ્યાએ સતત દબાણ રહે છે, ત્યારે સ્કિનને નુકસાન થવા લાગે છે. જ્યારે વ્યક્તિ લાંબા સમય સુધી પથારીમાં રહે છે અને હલનચલન કરવામાં અસમર્થ હોય ત્યારે સામાન્ય રીતે પ્રેશર સોર્સ વિકસે છે. આ ચાંદી હાડકાની નજીક વિકસે છે. પેટીકોટમાં આ ઘા કમરના હાડકાની નજીક વિકસે છે.
ક્રોનિક વેનસ અલ્સર: સતત દબાણને કારણે કમરની આસપાસની નસોમાં અલ્સર વિકસે છે. આ પ્રકારના અલ્સરમાં દુખાવો, ખંજવાળ અને સોજો આવે છે.
અલ્સર (ચાંદી): તે કોઈપણ સામાન્ય ઘા જેવું છે. આમાં, ત્વચાની ઉપરની સપાટી પર તિરાડો દેખાય છે.
ડાઘ: શરૂઆતમાં, ચામડી પર ટિશ્યૂનો ગ્રોથ દેખાય છે. તેના નિશાન ઘા માં રુઝ આવ્યા બાદ દેખાતા નિશાન જેવા જ દેખાય છે.
નાડું બાંધવાના ભાગ પર જો આવું કંઈક અનુભવાઈ રહ્યું હોય તો તેની તપાસ કરાવવી જરૂરી છે.
પેટીકોટ કેન્સરનું નિદાન કેવી રીતે થાય છે? પેટીકોટ અલ્સરનું નિદાન કરવા માટે, ડૉક્ટર પ્રથમ તબીબી ઇતિહાસ અને અલ્સરનું કારણ પૂછી શકે છે. જો તેમને લાગે કે કેન્સરનું જોખમ છે તો તેઓ નીચેના ટેસ્ટ કરી શકે છે.
બાયોપ્સી: સ્કિનના ઈજાગ્રસ્ત ભાગને બાયોપ્સી માટે મોકલી શકાય છે. આમાં, કમરની આસપાસની ઇજાગ્રસ્ત ચામડીના ભાગને દૂર કરવામાં આવે છે અને ટેસ્ટ માટે લેબમાં મોકલવામાં આવે છે.
MRI અથવા CT-SCAN: જો લેબ ટેસ્ટમાં પુષ્ટિ થાય કે તે માર્જોલિન અલ્સર છે, તો પછી કેન્સર શરીરમાં કેટલી હદે ફેલાઈ ગયું છે તે જાણવા માટે આગળની તપાસ કરવામાં આવે છે. આ માટે ડૉક્ટર MRI અથવા CT-SCAN ટેસ્ટ માટે કહી શકે છે.
પેટીકોટ કેન્સરની સારવાર શું છે? પેટીકોટ કેન્સરના કિસ્સામાં સામાન્ય રીતે મોહ્સ સર્જરી (Mohs Surgery) કરવામાં આવે છે. આમાં ડોક્ટરો સર્જરી કરીને ત્વચામાંથી કેન્સરના કોષોને દૂર કરે છે. આ સર્જરી અનેક તબક્કામાં કરવામાં આવે છે. દરેક સર્જરી પછી ડૉક્ટર સ્કીનની તપાસ કરે છે. જો તેમને કેન્સરગ્રસ્ત કોષો મળે તો તેઓ ફરીથી સર્જરી કરે છે. જ્યાં સુધી કેન્સરના કોષોનો નાશ ન થાય ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલુ રહે છે.
સર્જરી પછી, ડૉક્ટર ડેમેઝ્ડ સેલ્સના ભાગને સ્કિન ગ્રાફ્ટિંગ વડે ઢાંકવાની ભલામણ કરી શકે છે. આ સાથે, નીચેની સારવારની પણ સલાહ આપી શકે છે:
કીમોથેરાપી: કીમોથેરાપી એક પ્રકારની દવાની સારવાર છે. આમાં, શરીરની અંદર ઝડપથી વિકસતા અને વિભાજીત થતા કોષોને મારવા માટે શક્તિશાળી રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે.
રેડિયેશન થેરાપી: આ કેન્સરના દર્દીઓને આપવામાં આવતી એક ખાસ થેરાપી છે. આમાં, તીવ્ર ઊર્જાના કિરણોનો ઉપયોગ કેન્સરના કોષોને મારવા માટે થાય છે.
એમ્પ્યુટેશન: આમાં ચેપગ્રસ્ત ભાગને સર્જરી દ્વારા દૂર કરવામાં આવે છે.
પેટીકોટ કેન્સરથી બચવાના ઉપાયો શું છે? પેટીકોટ કેન્સરનો અર્થ એ નથી કે તે પેટીકોટ પહેરતી સ્ત્રીઓને જ થશે. આ માર્જોલિન અલ્સર છે, જે શરીરના કોઈપણ ભાગની ત્વચામાં વિકસી શકે છે.
આને રોકવાની રીત છે –
- આપણે જે પણ કપડાં પહેરીએ છીએ, તેમના બેલ્ટ, બેલ્ટ કે ઈલાસ્ટીક રબર બહુ ચુસ્ત ન હોવા જોઈએ.
- એવા જીન્સ કે પેન્ટ ન પહેરો જે કમર પર ખૂબ ચુસ્ત બેસી જતા હોય
- આપણે જે પણ કપડા પહેરીએ તેને કમર પર હળવા બેસવા જોઈએ જેથી સ્કિન પર દબાણ ન આવે.
આ સિવાય ક્યારેય પણ ખૂબ ચુસ્ત કપડા ન પહેરવા જોઈએ. ખાસ કરીને અન્ડરગાર્મેન્ટ બિલકુલ ચુસ્ત ન હોવા જોઈએ.
જો કમર પર લાંબા સમય સુધી ઘા જણાય તો ડોક્ટરની સલાહ લો. જો સ્કિનના રંગમાં કોઈ ફેરફાર દેખાય અથવા ગાંઠ દેખાય તો ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.