2 કલાક પેહલાલેખક: સંદીપ સિંહ
- કૉપી લિંક
દેશના મોટાભાગના રાજ્યોમાં હીટવેવના કારણે લોકો ત્રસ્ત બન્યા છે. ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશ સહિતના ઘણા રાજ્યોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયું છે. આગામી દિવસોમાં આકરા તાપ સાથે ગરમ પવનો ફૂંકાવાની આગાહી હવામાન વિભાગે કરી છે. ઉનાળાનો તાપ આપણી આંખ પર પણ ખરાબ અસર કરે છે.
ઇન્ટરનેશનલ જર્નલ ઓફ એન્વાયર્નમેન્ટલ હેલ્થ એન્ડ પબ્લિક હેલ્થમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ, ગરમ પવન આંખના નાજુક સ્તર એટલે કે કોર્નિયાને સીધી અસર કરે છે. તેનાથી આંખનો સ્ટ્રોક પણ આવી શકે છે. આવી સ્થિતિમાં, આ ઋતુમાં આંખની વધારાની કાળજી લેવી જરૂરી છે.
તો, આજે ‘કામના સમાચાર‘માં આપણે વાત કરીશું કે, હીટવેવ આંખ માટે કેટલું ખતરનાક છે. સાથે એ પણ જાણીશું કે-
- આંખનો સ્ટ્રોક શું છે?
- ઉનાળામાં કેવી રીતે આંખની વધારાની કાળજી રાખી શકાય છે?
નિષ્ણાત: ડો. શ્રુતિ લાંજેવાર વાસનિક, ઓપ્થેલ્મોલોજિસ્ટ, કોકિલાબેન ધીરૂભાઈ અંબાણી હોસ્પિટલ, મુંબઈ
પ્રશ્ન- હીટવેવથી આંખ પર શું અસર પડે છે?
જવાબ: ભારે ગરમ પવન અને વાતાવરણમાં ભેજના અભાવને કારણે, આંખમાં આંસુનું પાતળું પડ (tear film) ઝડપથી સુકાઈ જાય છે. તેનાથી ડ્રાય આઈ સિન્ડ્રોમ થઈ શકે છે, જેમાં આંખોમાં બળતરા, ખંજવાળ, ખટકવું અને ઝાંખી દૃષ્ટિ થાય છે. ઉપરાંત તીવ્ર સૂર્યપ્રકાશને કારણે ફોટોકેરાટાઇટિસ (Photokeratitis)ની સમસ્યા થઈ શકે છે. આ એક પ્રકારનો આંખનો સનબર્ન છે, જે અલ્ટ્રાવાયોલેટ (UV) કિરણોના વધુ પડતા સંપર્કને કારણે થાય છે.

પ્રશ્ન: શું હીટવેવ દરમિયાન આંખના સ્ટ્રોકનું જોખમ વધે છે?
જવાબઃ આંખના સ્ટ્રોકને તબીબી ભાષામાં રેટિનલ આર્ટરિ ઓક્લૂઝન કહેવામાં આવે છે. આંખના પાછળના ભાગમાં રેટિનામાં લોહી પહોંચાડતી નસમાં અવરોધ આવે, ત્યારે આવું થાય છે.
ઉનાળા દરમિયાન શરીરને તેનું તાપમાન ઠંડુ રાખવા માટે વધુ મહેનત કરવી પડે છે. તેવામાં શરીરમાં પાણીની ઊણપ થઈ શકે છે, લોહી જાડું થઈ શકે છે અને બ્લડ પ્રેશર પણ વધી શકે છે. આ કારણોસર આંખો સુધી લોહી યોગ્ય રીતે પહોંચવું મુશ્કેલ બની જાય છે. જેથી ઉનાળામાં ‘આંખના સ્ટ્રોક’નું જોખમ વધી જાય છે.
પ્રશ્ન- હીટવેવના કારણે આંખના સ્ટ્રોકના લક્ષણો કયા છે?
જવાબ: સામાન્ય રીતે, હીટવેવના કારણે આંખના સ્ટ્રોકના કિસ્સાઓ ખૂબ જ ઓછા જોવા મળે છે, પરંતુ જ્યારે તે થાય છે, ત્યારે તેના લક્ષણો અચાનક અને સ્પષ્ટ રીતે દેખાય છે. જેમ કે-
- અચાનક દૃષ્ટિ ગુમાવવી (ઘણીવાર એક આંખમાં)
- આંખો સામે પડદો કે ધુમ્મસ છવાઈ ગયું હોય તેવું લાગે
- ક્યારેક થોડી અસ્વસ્થતા અનુભવાય
- રંગ કે પ્રકાશ ઓળખવામાં મુશ્કેલી
- વસ્તુઓ ઝાંખી કે વિચિત્ર લાગી શકે છે
જ્યારે પણ આવા લક્ષણો દેખાય, ત્યારે તાત્કાલિક આંખના નિષ્ણાતનો સંપર્ક કરો.
પ્રશ્ન: હીટવેવના કારણે કોને સૌથી વધુ આંખના સ્ટ્રોકનું જોખમ હોય છે?
જવાબ: જેમનું સ્વાસ્થ્ય પહેલેથી જ થોડું નબળું હોય કે લાંબા સમય સુધી તડકામાં રહેતા હોય તેવા લોકોમાં હીટવેવ દરમિયાન આંખના સ્ટ્રોકનું જોખમ વધુ હોય છે. જેમ કે-
- 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો
- જેમને હાઈ બ્લડ પ્રેશર છે
- ડાયાબિટીસ કે હૃદય રોગના દર્દીઓ
- જે લોકો ખૂબ ઓછું પાણી પીવે છે
- શ્રમિકો, ટ્રાફિક પોલીસ કે ખેડૂતો, જે સીધા તાપમાં કામ કરે છે

પ્રશ્ન- ઉનાળામાં ડ્રાય આઈ સિન્ડ્રોમની સમસ્યા કેમ વધે છે?
જવાબ: ઉનાળામાં જેમ જેમ તાપમાન વધે છે, હવામાં ભેજ ઘટે છે, જેના કારણે આંખોની સપાટી પર રહેલો ભેજ ઝડપથી સુકાઈ જાય છે. આ જ કારણ છે કે, આ ઋતુમાં ડ્રાય આઈ સિન્ડ્રોમ એટલે કે સૂકી આંખોની સમસ્યા વધુ જોવા મળે છે. ખાસ કરીને, જે લોકો કમ્પ્યુટર, મોબાઈલ કે ટીવી સ્ક્રીન પર વધુ સમય વિતાવે છે, તેમની પાંપણ ઓછી ઝબકે છે, જેના કારણે આંખોનો ભેજ ઝડપથી ઓછો થવા લાગે છે.
પ્રશ્ન: હીટવેવ દરમિયાન આંખની રક્ષા કેવી રીતે કરવી?
જવાબ: ડો. શ્રુતિ લાંજેવાર વાસનિક કહે છે કે, પહેલી અને સૌથી મહત્વપૂર્ણ સાવચેતી છે કે, બહાર જતી વખતે UV પ્રોટેક્શનવાળા સારા ગુણવત્તાવાળા સનગ્લાસ પહેરવા. તે સૂર્યના હાનિકારક કિરણોથી આંખોનું રક્ષણ કરે છે. ઉપરાંત ટોપી પહેરો અથવા છત્રીનો ઉપયોગ કરો, જેથી સૂર્યપ્રકાશ સીધો તમારી આંખ પર ન પડે. તે સિવાય શુષ્કતાથી બચવા માટે પૂરતા પ્રમાણમાં પાણી પીવો. સાથે જ કેટલીક અન્ય જરૂરી સાવચેતીઓ પણ લો. નીચે આપેલા ગ્રાફિક પરથી આ સમજીએ-

પ્રશ્ન- શું સનગ્લાસીસ આંખને UV કિરણોથી સંપૂર્ણપણે સુરક્ષિત રાખી શકે છે?
જવાબ: હા, સનગ્લાસીસ તમારી આંખોને UV કિરણોથી બચાવી શકે છે, પરંતુ જો તે સારા અને યોગ્ય પ્રકારના હોય તો જ. તેથી 100% UV પ્રોટેક્શનવાળા ચશ્મા પસંદ કરો. ઉપરાંત બ્રાન્ડેડ અથવા પ્રમાણિત ચશ્મા ખરીદો. સ્થાનિક અથવા બજારમાં મળતા સસ્તા ચશ્મા આંખને નુકસાન પહોંચાડી શકે છે.
પ્રશ્ન: હીટવેવમાં બાળકોની આંખની સંભાળ કેવી રીતે રાખવી?
જવાબઃ બાળકોની આંખો નાજુક હોય છે. તેમને ખાસ કાળજીની જરૂર છે. માતા-પિતાએ બાળકોને શાળાએ મોકલતી વખતે કે રમવા માટે મોકલતી વખતે સનગ્લાસીસ પહેરાવવા જ જોઈએ. બાળકો ઘણીવાર તેમની આંખો ઘસે છે અથવા ગંદા હાથથી સ્પર્શ કરે છે, જેનાથી ચેપનું જોખમ વધે છે. તેમને વારંવાર આંખોને સ્પર્શ ન કરવાની ટેવ પાડો અને શાળાએથી પાછા ફર્યા પછી તેમને સ્વચ્છ પાણીથી આંખો ધોવા માટે કહો.
પ્રશ્ન: ઉનાળામાં કોણે આંખની વધુ કાળજી લેવી જોઈએ?
જવાબ: ડો. શ્રુતિ લાંજેવર વાસનિક કહે છે કે, આ ઋતુમાં વૃદ્ધોએ તેમની આંખોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, ખાસ કરીને જો તેમને હાઈ બ્લડ પ્રેશર કે ડાયાબિટીસ જેવા રોગો હોય. આવા લોકોની નસો પહેલાથી જ નબળી હોય છે અને અતિશય ગરમીની અસર તેમની આંખો પર ઝડપથી અસર કરી શકે છે. આ લોકોએ દિવસમાં ઘણી વખત ઠંડા પાણીથી પોતાની આંખ ધોવી જોઈએ અથવા છાંટા મારવા જોઈએ. આ આંખને ઠંડક આપે છે અને બળતરા કે શુષ્કતા ઘટાડી શકે છે.