મહારાષ્ટ્ર6 કલાક પેહલા
- કૉપી લિંક
મહારાષ્ટ્રના બુલઢાણામાં બાળકના ખરતા વાળ દેખાડતી એક વ્યક્તિ. આ રોગથી માત્ર ત્રણ દિવસમાં જ વ્યક્તિને ટાલ પડી જાય છે.
મહારાષ્ટ્રના બુલઢાણા શહેરમાં એક વિચિત્ર બીમારી ફેલાઈ રહી છે. અહીંનાં 3 ગામમાં છેલ્લા 3 દિવસમાં 60 લોકોને અચાનક ટાલ પડી ગઈ છે. શેગાંવ તાલુકાના બોંડગાંવ, કાલવડ અને હિંગણા ગામમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરેકના વાળ ખરવા લાગ્યા છે, જેના કારણે દરેક જણ ગંજો થઈ રહ્યો છે, ત્યાં સુધી કે મહિલાઓ પણ તેનો શિકાર બની રહી છે. ગામડાંમાં ફેલાયેલી આ બીમારી કઇ છે, તે હજુ જાણી શકાયું નથી. આ રોગ આનુવંષિક છે કે કેમ એ જાણવા માટે આરોગ્ય વિભાગની ટીમે આ ગામોમાં જઈને સર્વે પૂર્ણ કર્યો છે. સાથે જ પાણીનાં સેમ્પલ પણ લઇ લીધાં છે.
આ રોગના પહેલા દિવસે વ્યક્તિને માથામાં ખંજવાળ આવવા લાગે છે. બીજા દિવસથી વાળ હાથમાં આવવા લાગે છે અને ત્રીજા દિવસે દર્દીને ટાલ પડી જાય છે.આ રોગથી સૌથી વધુ મહિલાઓ પીડિત છે. મોટા ભાગના દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા લાગ્યા છે.
આ તસવીરમાં બે છોકરી દેખાઈ રહી છે, જેના વાળ અચાનક ખરી પડ્યા છે.
આરોગ્ય અધિકારીએ કહ્યું- શેમ્પૂના ઉપયોગ પર શંકા
અચાનક ફેલાતા રોગથી આરોગ્ય વિભાગ પણ આશ્ચર્યચકિત છે. તાલુકા આરોગ્ય અધિકારી ડો. દીપાલી માલવડકરે આ અંગેની માહિતી જિલ્લા આરોગ્ય અધિકારી અને અન્ય વહીવટીતંત્રને આપી છે. ત્યાં ગ્રામજનોએ આ રોગનો વહેલી તકે ઈલાજ શોધવાની માગ કરી છે.
ડો.દીપાલી માલવડકરનું કહેવું છે કે શેમ્પૂના ઉપયોગને કારણે આવું બન્યું હશે. જોકે ઘણા પીડિતોનું કહેવું છે કે તેમણે ક્યારેય કેમિકલથી ભરેલા શેમ્પૂ તો શું સાબુનો પણ ઉપયોગ કર્યો નથી. તેમ છતાં પણ તેમના વાળ ખરી રહ્યા છે.
ટાલ પડવાનો ભોગ બનેલાં બે બાળકોના વાળનાં સેમ્પલ લઈ રહેલા આરોગ્ય વિભાગના કર્મચારી.
‘એક દિવસમાં 50થી 100 વાળ ખરવા સામાન્ય વાત’
અમેરિકન એકેડેમી ઓફ ડર્મેટોલોજી (AAD) અનુસાર, એક દિવસમાં કોઇ વ્યક્તિના 50થી 100 વાળ ખરવા સામાન્ય વાત છે. જો કોઈ વ્યક્તિના માથા પર લગભગ 1,00,000 (1 લાખ) વાળ હોય, તો સમજી લો કે તે વધુ ધ્યાન આપવા જેવી બાબત નથી. તે એક સાઇકલ જેવું છે, કે કેટલાક વાળ જાય છે તો તેની જગ્યાએ નવા વાળ ઉગે છે.
શેમ્પૂ કે કોમ્બિંગથી વાળ ખરતા નથી
શેમ્પૂ કે કોમ્બિંગ કરવાથી આપણા વાળ ખરતા નથી. હકીકતમાં આ પહેલાથી જ ખોપરી ઉપરની ચામડી એટલે કે તેમના મૂળથી અલગ થઈ ગયા હોય છે. શેમ્પૂ અને કાંસકો તેમના કામને સરળ બનાવી દે છે. સત્ય એ છે કે વાળને સ્વચ્છ રાખવાથી તે મજબૂત બને છે. આનાથી તેમના મૂળમાં કોઈપણ પ્રકારના ચેપનું જોખમ ઓછું થઈ જાય છે.
વાળ ખરવાનું સાચું કારણ પોષક તત્વોનો અભાવ છે. જો આપણા આહારમાં લીલા શાકભાજી, ફળો અને આવશ્યક વિટામિન્સ (D, B-12 અને E), મિનરલ્સ (આયર્ન અને કેલ્શિયમ)ની ઉણપ હોય તો તેની સીધી અસર વાળ પર પડે છે. આ સિવાય જો વાળને યોગ્ય માત્રામાં પ્રોટીન નથી મળતું તો તેનો અર્થ એ છે કે વાળને પોષણ નથી મળી રહ્યું. તેનાથી પણ વાળ ખરવા લાગે છે.
વાળ કેમ ખરે છે?
દરેક વ્યક્તિના વાળ ખરવા પાછળ ઘણાં સંભવિત કારણો હોઈ શકે છે. વાળ ખરવાનાં સૌથી સામાન્ય કારણો માટે ગ્રાફિક જુઓ.
વાળ ખરવાના લક્ષણો શું છે?
કોઇ વ્યક્તિના વાળ કઈ ઉંમરે અને કયા કારણોસર ખરી રહ્યા છે, તેનાથી એ નક્કી થાય છે કે તેના લક્ષણો શું હશે. આ ઘણા પ્રકારના હોઈ શકે છે. જો પુરૂષોમાં ટાલ પડતી હોય તો સૌપ્રથમ માંગ બનાવવાની જગ્યા(હેરલાઇન)ના વાળ ખરે છે, અથવા માથાના આગળ, પાછળ અને સાઇડમાં કોઇ ચોક્કસ જગ્યાએ ખરવા લાગે છે. જ્યારે મહિલાઓના આખા માથામાંથી ધીમે ધીમે વાળ ખરવા લાગે છે. તેમના આખા માથાના વાળ પહેલા પાતળા થઈ જાય છે અને પછી ખરી જાય છે.
સામાન્ય રીતે કયા પ્રકારનાં લક્ષણો જોવા મળે છે તે જોવા માટે ગ્રાફિક જુઓ.
કોઇ વ્યક્તિના વાળ ખરવા ઘણાં વર્ષો સુધી ધીમે ધીમે થઈ શકે છે અથવા ક્યારેક અચાનક પણ થઈ શકે છે. એ અસ્થાયી અથવા કાયમી હોઈ શકે છે.