બેંગલુરુ37 મિનિટ પેહલા
- કૉપી લિંક
શુક્રવારે રામેશ્વરમ કાફેમાં હવન-પૂજા કરવામાં આવી હતી. આ પછી આજે તેને લોકો માટે ખોલવામાં આવ્યું છે.
કર્ણાટકના બેંગલુરુમાં પ્રખ્યાત રામેશ્વરમ કાફે શનિવારે (9 માર્ચ) ના રોજ સામાન્ય લોકો માટે ખોલવામાં આવ્યું હતું. અહીં 1 માર્ચે IED બ્લાસ્ટ થયો હતો, જેમાં 10 લોકો ઘાયલ થયા હતા. ઘટના બાદ કાફે બંધ કરી દેવામાં આવ્યું હતું. કાફેના કો-ફાઉન્ડર રાઘવેન્દ્ર રાવે કહ્યું કે ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે અમે સુરક્ષાના તમામ પગલાં લઈ રહ્યા છીએ.
રાઘવેન્દ્ર રાવે ન્યૂઝ એજન્સી ANIને જણાવ્યું કે, સરકાર અને પોલીસે અમને જણાવ્યું છે કે કાફેમાં ક્યાં વધુ CCTV લગાવવાની જરૂર છે. અમે એક વ્યક્તિને મોનિટરિંગ માટે રાખીશું. અમે અમારા સુરક્ષા ગાર્ડને તાલીમ આપવા માટે પૂર્વ સૈનિકોની પેનલ બનાવવાનો પણ પ્રયાસ કરી રહ્યા છીએ.
1 માર્ચના રોજ રામેશ્વરમ કાફેમાં થયેલા વિસ્ફોટનો CCTV વીડિયો.
NIAએ આરોપી વિશે માહિતી આપનારને 10 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું છે
નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ રામેશ્વરમ કાફે બ્લાસ્ટના આરોપીઓ વિશે માહિતી આપનારને 10 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરી છે. એજન્સીએ બુધવારે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે જે પણ વ્યક્તિ આરોપીની ધરપકડ કરવા માટે મદદરુપ માહિતી જણાવશે તેને ઈનામની રકમ આપવામાં આવશે.
NIAએ એમ પણ કહ્યું કે માહિતી આપનાર વ્યક્તિની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે. આ માહિતી ઈમેલ [email protected] અથવા ફોન નંબર 080-29510900 અને 8904241100 પર આપી શકાય છે. એજન્સીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં આરોપીનો ફોટો પણ જાહેર કર્યો છે. આ તસવીર 1 માર્ચે વિસ્ફોટ પહેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.
3 માર્ચે ગૃહ મંત્રાલયે આ કેસની તપાસ NIAને સોંપી હતી. ત્રણ દિવસ બાદ NIAએ આ ઈનામની જાહેરાત કરી છે.
આરોપીએ કાફેમાં ઈડલી મંગાવી, પૈસા ચૂકવ્યા અને બેગ ડસ્ટબીન પાસે મુકી ફરાર
કેસની તપાસ દરમિયાન, સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યું કે માસ્ક પહેરેલો એક વ્યક્તિ કેફેની નજીક બસમાંથી ઉતર્યો અને 11:30 વાગ્યે કેફેમાં પ્રવેશ્યો. આરોપીની ઉંમર 25 થી 30 વર્ષની વચ્ચેની છે. તે એક બેગ લઈને આવ્યો હતો.
તેણે કાફેમાં ઈડલી મંગાવી, કાઉન્ટર પર પેમેન્ટ કર્યું અને ટોકન લીધું. આ પછી, 11:45 વાગ્યે તે ડસ્ટબીન પાસે બેગ મૂકીને ચાલ્યો ગયો. એક કલાક પછી, ટાઈમર દ્વારા તે જ બેગમાં વિસ્ફોટ થયો, જેમાં 10 લોકો ઘાયલ થયા હતા.
આ કેફેની અંદર આરોપીની તસવીર છે, જેમાં તે ઈડલીની થાળી પકડીને જોવા મળે છે.
વિસ્ફોટ બાદ બેટરી, સળગી ગયેલી બેગ અને આઈડી કાર્ડ મળી આવ્યું છ
ઘટના બાદ ફાયર બ્રિગેડ અને વ્હાઇટ ફિલ્ડ પોલીસે સૌથી પહેલા કહ્યું કે સિલિન્ડરમાં વિસ્ફોટ થયો હતો. જ્યારે અમે સ્થળ પર પહોંચ્યા તો કેફેની દિવાલ પરનો અરીસો તૂટીને ટેબલ પર વેરવિખેર પડ્યો હતો.
ભાજપે વિસ્ફોટ પર શંકા વ્યક્ત કરી હતી અને દાવો કર્યો હતો કે તે બોમ્બ વિસ્ફોટ હતો. સાંજે 5:30 વાગ્યે, સીએમ સિદ્ધારમૈયાએ પોતે કહ્યું – તે ઓછી તીવ્રતાનો IED બ્લાસ્ટ હતો. એક વ્યક્તિ કેફેમાં એક બેગ મુકીને ચાલ્યો ગયો હતો, જે પછી વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં 10 લોકો ઘાયલ થયા છે.
બેંગલુરુના રામેશ્વરમ કેફેમાં 1 માર્ચે બપોરે 1 વાગ્યે બોમ્બ બ્લાસ્ટ થયો હતો.
ISIS સાથે જોડાયેલો બ્લાસ્ટ, NIAએ 5 માર્ચે 7 રાજ્યોમાં દરોડા પાડ્યા હતા
રામેશ્વરમ કેફે બ્લાસ્ટને આતંકી સંગઠન ISIS સાથે જોડવામાં આવ્યો છે. NIAએ મંગળવારે આ કેસમાં 7 રાજ્યોમાં 17 સ્થળો પર દરોડા પાડ્યા હતા. NIAની ટીમે બેંગલુરુના આરટી નગરમાં ટી નઝીરના ઘરે દરોડા પાડ્યા હતા. ટી નઝીર ISIS સાથે સંકળાયેલો હોવાની શંકા છે. તેણે કથિત રીતે કેફે બ્લાસ્ટ માટે આતંકવાદીઓને ઉશ્કેર્યા હતા.
આ દરોડામાં બુલેટ અને ગ્રેનેડ મળી આવ્યા હતા. જુનૈદ નામનો વ્યક્તિ રામેશ્વરમ કેફે બ્લાસ્ટનો માસ્ટરમાઈન્ડ હોવાનું માનવામાં આવે છે. હવાલા ટ્રાન્ઝેક્શનના સંબંધમાં તેની સામે કેસ નોંધાયેલો છે. NIAની ટીમ તપાસ માટે બેંગલુરુ સેન્ટ્રલ જેલમાં પણ ગઈ હતી.
આ સમાચાર પણ વાંચો…
બેંગલુરુમાં પાણીની અછત, 3 હજાર બોરમાં પાણી નહીં: ડેપ્યુટી સીએમએ કહ્યું- મારા ઘરનો બોર પણ બંધ થઈ ગયો છે; ટેન્કરો રૂ.500ના બદલે રૂ.2 હજાર વસુલ કરી રહ્યા છે
બેંગલુરુ શહેરમાં પાણીની તીવ્ર તંગી છે. કર્ણાટકના ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારે કહ્યું કે શહેરમાં 3 હજારથી વધુ બોરવેલમાં પાણી નથી. જેમાં તેમના ઘરનો બોર પણ સામેલ છે. શહેરના ટેન્કર માલિકો 5,000 લિટર માટે રૂ. 500ને બદલે રૂ. 2,000 વસૂલ કરી રહ્યા છે.