2020માં બિહાર વિધાનસભાની ચૂંટણી હતી. પૂર્ણિયાના ધમદાહામાં ચૂંટણીપ્રચાર સભામાં નીતિશ કુમારે એવું કહ્યું હતું કે આ મારી છેલ્લી ચૂંટણી છે. અંત ભલા તો સબ ભલા… હવે 2025ના સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં ચૂંટણી થવાની છે. નીતિશ કુમાર ચૂંટણી લડશે કે નહીં લડે એ નક્કી
.
નમસ્કાર,
બિહારમાં નીતિશ કુમાર એટલે ‘મોટા ભાઈ’ અને ભાજપ એટલે ‘નાના ભાઈ’. આ ચાલ્યું આવતું હતું. નીતિશ કુમારે અચાનક મંત્રીમંડળનો વિસ્તાર કર્યો. ભાજપના જ 7 ધારાસભ્યને મંત્રી બનાવી દીધા. પોતાની પાર્ટી જેડીયુનો એકપણ નવો મંત્રી નહીં. બિહારમાં નીતિશ કુમારની પાર્ટી કરતાં ભાજપના મંત્રીઓની સંખ્યા વધી ગઈ છે. હવે બિહારમાં ભાજપ ‘મોટા ભાઈ’ બની ગયો છે અને નીતિશ કુમાર ‘નાના ભાઈ’. બિહાર વિધાનસભામાં 243 બેઠક ધરાવતી સરકારમાં કુલ 36 મંત્રી છે. આવું પહેલીવાર થયું છે કે 36માંથી 21 મંત્રી ભાજપના છે. મતલબ કે ભાજપ પાસે જેડીયુ કરતાં દોઢ ગણા વધુ મંત્રીઓ છે.
મંત્રીની પસંદગીમાં જ્ઞાતિ ફેક્ટર મંત્રીઓની પસંદગીમાં ભાજપે યાદવો સિવાય દરેક જ્ઞાતિને ધ્યાનમાં લીધી છે. પહેલીવાર કુર્મી જ્ઞાતિના ધારાસભ્યને પણ ભાજપના ક્વોટામાંથી મંત્રી બનાવવામાં આવ્યા છે. કુર્મીઓને નીતિશની મુખ્ય વોટબેંક માનવામાં આવે છે. બે દિવસ પહેલાં પટના પહોંચેલા જેપી નડ્ડાએ જેડીયુ નેતાઓને સ્પષ્ટ કરી દીધું હતું કે હવે ભાજપને પોતાના સંગઠન પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. ઘણા દિવસોથી મંત્રીમંડળના વિસ્તરણ માટે પ્રયાસો ચાલી રહ્યા હતા, પરંતુ કેટલાંક કારણોસર વિસ્તરણ થઈ શકતું નહોતું. એક વાત એવી પણ હતી કે નીતિશ કુમાર પણ ફરીથી ગઠબંધન તોડી શકે છે. જ્યારે આ અટકળો પર સંપૂર્ણ વિરામ લાગી ગયો ત્યારે ભાજપે મંત્રીમંડળ વિસ્તરણને લીલી ઝંડી આપી દીધી.
27 ટકા પછાત લોકોને એક કરવાનો પ્રયાસ બિહારમાં પછાત વસતિ 27 ટકા છે. કોઈરી-કુર્મી પણ આમાં સામેલ છે. 2000ના દાયકા સુધી આ વર્ગ લાલુ યાદવની વોટ બેંક હતો, પણ એ પછી આ વોટ બેન્કે નીતિશ કુમારને ટેકો આપવાનું શરૂ કર્યું. જોકે છેલ્લાં કેટલાંક વર્ષોમાં કુર્મીઓ નીતિશ સાથે રહ્યા, પરંતુ કોઈરી એટલે કે કુશવાહાએ અંતર જાળવી રાખ્યું. કુશવાહાના પ્રભુત્વવાળા ઔરંગાબાદમાં આરજેડીનો વિજય આ વાતની પુષ્ટિ કરે છે. આનું એક મોટું કારણ એ છે કે નીતિશની સરકારમાં કુશવાહાને કુર્મીઓ જેટલું ધ્યાન મળ્યું નહોતું. ભાજપ હવે આ વોટબેંકને એક કરવા માગે છે.
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું અને ભાજપના 7 ધારાસભ્યનો સમાવેશ કર્યો. જે 7નો સમાવેશ થયો તેમાં જ્ઞાતિ ફેક્ટર કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
- સંજય સરાવગી (વૈશ્ય સમાજ, દરભંગા)
- સુનીલ કુમાર (કુશવાહા સમાજ, બિહાર શરીફ)
- જીવેશ કુમાર (ભૂમિહાર સમાજ, જાલે)
- રાજુ કુમાર સિંહ (રાજપૂત સમાજ, સાહેબગંજ)
- મોતીલાલ પ્રસાદ (તેલી સમાજ, રિગા)
- વિજય કુમાર મંડલ (કેવટ સમાજ, સિકતી)
- કિસન કુમાર મંટુ (કુર્મી સમાજ, અમનૌર)
જેડીયુના મંત્રી ઘટ્યા, ભાજપના વધ્યા
- 2005 – જેડીયુ 19, ભાજપ 7
- 2010- જેડીયુ 20, ભાજપ 11
- 2017 – જેડીયુ 15, ભાજપ 13
- 2021 – જેડીયુ 15, ભાજપ 16
- 2024 – જેડીયુ 13, ભાજપ 15
- 2025 – જેડીયુ 13, ભાજપ 21
બિહાર તો બિહાર જ છે
- 34% પરિવારો મહિને માંડ 6 હજાર કમાય છે. રોજના 200 રૂપિયા થયા.
- બિહારમાં દર ત્રીજા પરિવારે એક પરિવાર ગરીબ છે.
- બિહારમાં 30% પરિવારો રોજના 333 રૂપિયા જ કમાઈ શકે છે.
- 50 લાખથી વધારે બિહારી કમાવા માટે બિહારની બહાર નીકળી ગયા છે.
- 16.73% લોકો માટે આજે પણ બિહારમાં લોકોની કમાણીનું સાધન મજૂરી છે
નીતિશ કુમાર-નડ્ડાની બંધબારણે બેઠક થઈ ને બીજા દિવસે 7 નવા મંત્રી લીધા 2025ના સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં બિહાર વિધાનસભાની ચૂંટણી થવાની છે. 24 ફેબ્રુઆરીએ મોદી બિહારના ભાગલપુર પહોંચ્યા. ખેડૂતો માટેની મોટી સભા કરી. એમાં મોદીએ લાલુનું ઘાસચારા કૌભાંડ યાદ કર્યું અને નીતિશ કુમારને બિહારના ‘લાડલા મુખ્યમંત્રી’ ગણાવ્યા. એનો કયાસ એ નીકળે છે કે આગામી વિધાનસભા ચૂંટણી ભાજપ અને જેડીયુ સાથે મળીને લડશે એ નક્કી. એના બીજા દિવસે 25 ફેબ્રુઆરીએ બે મોટી હસ્તી બિહાર પહોંચી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય આરોગ્યમંત્રી જે.પી.નડ્ડા. આમ તો પટના મેડિકલ કોલેજના શતાબ્દી સમારોહનો કાર્યક્રમ હતો, પણ નડ્ડાનું એમાં જવું એ એક બહાનું હતું. રાજનીતિજ્ઞોએ કહ્યું કે ભાજપ સાઈડ-સાઈડમાં બિહાર ચૂંટણીની તૈયારીઓ કરે છે, એટલે એ જ દિવસે પટનાના સ્ટેટ ગેસ્ટહાઉસમાં નડ્ડાએ ભાજપની કોર કમિટી સાથે મિટિંગ કરી.
મિટિંગ ચાલી રહી હતી ત્યારે તેમને મેસેજ આવ્યો કે મુખ્યમંત્રી નીતિશ કુમાર મળવા આવી રહ્યા છે. નડ્ડા અને નીતિશ કુમાર વચ્ચે બંધબારણે બેઠક થઈ. આ બેઠકમાં બિહારના બંને નાયબ મુખ્યમંત્રી વિજય સિન્હા અને સમ્રાટ ચૌધરી પણ હાજર હતા. નડ્ડા અને નીતિશ કુમારે એક જ સોફા પર બેસીને વાતચીત કરી. 15 મિનિટ વાત ચાલી. અંદર ખાને એ વાત થઈ કે બિહારમાં ભાજપના ધારાસભ્યોની સંખ્યા વધારે છે તો મંત્રીઓ પણ વધારે હોવા જોઈએ અને એમાં જ્ઞાતિ ફેક્ટરનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. માટે મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવે. નીતિશ કુમારે બીજા જ દિવસે 26 ફેબ્રુઆરીએ વિસ્તરણ કરી નાખ્યું.
નીતિશ કુમારનો દીકરો લાઇમ લાઈટમાં કેમ આવ્યો? 25મીએ સાંજે નડ્ડા અને ભાજપના પ્રભારી વિનોદ તાવડે દિલ્હી રવાના થઈ ગયા, પણ મીડિયાના કેમેરા એક યુવા નેતા પર ફોકસ થઈ ગયા. આ યુવા નેતા હતા મુખ્યમંત્રી નીતિશ કુમારના દીકરા, વ્યવસાયે એન્જિનિયર નિશાંત કુમાર. નિશાંત કુમારે કહ્યું હતું કે વિધાનસભા ચૂંટણીને બહુ સમય બાકી નથી ત્યારે ભાજપે બિહારના સીએમ તરીકે નીતિશ કુમારનું નામ જાહેર કરી દેવું જોઈએ. આનો મતલબ એવો નીકળે કે NDAના ગઠબંધનમાં ભાજપની ચૂંટણી થાય તો શું નીતિશ કુમાર સીએમ ફેસ નહીં રહે? આ પ્રેશર પોલિટિક્સ ઊભું કરવામાં આવી રહ્યું છે, નહીંતર સિટિંગ સીએમના દીકરાને આવી બાઇટ કેમ આપવી પડી? બિહારના રાજનીતિજ્ઞ તજજ્ઞોનું એવું અનુમાન છે કે બિહારમાં હોલી પછી એક મહિનો ખરમાસ હોય છે. એ ખરમાસ પૂરો થાય પછી નિશાંત કુમાર ઓફિશિયલી પોલિટિક્સમાં એન્ટ્રી કરી શકે છે.
ભાજપનો ટાર્ગેટ, આ વખતે બિહાર 200ને પાર બિહાર વિધાનસભાની 243 સીટ છે. બહુમતી માટે 122 સીટ મેળવવી જરૂરી છે. અત્યારની સ્થિતિ જોઈએ તો ભાજપ પાસે 80 સીટ અને જેડીયુ પાસે 45 સીટ છે. આ બંને થઈને 125 સીટ થાય છે. આ સિવાય હમ નામની પાર્ટીના 4 અને 2 અપક્ષ જેડીયુ અને NDA સાથે છે. વિપક્ષમાં લાલુની પાર્ટી RJDના 77 અને કોંગ્રેસના 19 ધારાસભ્ય છે. 15 ડાબેરી છે અને 1 AIMIMનો ધારાસભ્ય છે, એટલે સત્તા કરનારા ગઠબંધન પાસે 131 સીટ છે. વિપક્ષો પાસે 112 સીટ છે. ભાજપ દર વખતે 100થી 110 સીટ પર પોતાના ઉમેદવારો ઊભા રાખે છે. આ વખતે કેન્દ્રમાં મોદી સરકાર ત્રીજીવાર આવી ત્યારે બિહાર અને આંધ્રપ્રદેશને સારુંએવું પેકેજ જાહેર કર્યું. એમાં બિહારને અલગ અલગ પ્રોજેક્ટ માટે 59 હજાર કરોડ રૂપિયાની જાહેરાત થઈ. એ પછી 2025ના બજેટમાં માત્ર બિહારને ફોક્સ કરીને અલગ અલગ જાહેરાતો થઈ. બજેટમાં અલગ મખાના બોર્ડ બનાવવું, ગ્રીનફિલ્ડ એરપોર્ટ, મિથિલાંચલમાં વેસ્ટર્ન કોશી કેનાલ પ્રોજેક્ટ, પટનામાં IIT, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફૂડ ટેક્નોલોજીની પણ જાહેરાત થઈ. આનો અર્થ એ કે બિહારની આવી રહેલી ચૂંટણી જ ભાજપનો પહેલો ગોલ છે. ભાજપને માત્ર જીતનો ટોર્ગેટ નથી, બિહાર માટે 200 સીટ મેળવવાનો ટાર્ગેટ પણ રાખ્યો છે.
બિહાર વિધાનસભાની ચૂંટણીમાં JDU-NDA ગઠબંધનનું રિઝલ્ટ 2005 જેડીયુ 139 સીટ પર લડ્યો, 88 જીત્યો ભાજપ 102 સીટ પર લડ્યો, 55 જીત્યો 2010 જેડીયુ 141 સીટ પર લડ્યો, 115 જીત્યો ભાજપ 102 સીટ પર લડ્યો, 91 જીત્યો 2020 જેડીયુ 115 સીટ લડ્યો, 43 જીત્યો ભાજપ 110 સીટ લડ્યો, 74 જીત્યો
નીતિશ કુમારનું નક્કી નહીં, ગમે ત્યારે ફરી જાય આ વખતે બિહાર વિધાનસભાની ચૂંટણીમાં જેડીયુ અને ભાજપ વચ્ચે સીટ શેરિંગને લઈને પેચ ફસાઈ શકે છે. નીતિશને 2020નું પરિણામ નડી જાય એમ છે, કારણ કે ગઈ ચૂંટણીમાં જેડીયુની સીટ ઓછી હતી. સીટ શેરિંગમાં જો જેડીયુની સીટ ઘટી તો નીતિશ કુમાર મોટો નિર્ણય લઈ શકે છે. નીતિશ કુમારનો સ્વભાવ એવો છે કે તેઓ ક્યારેય સમજૂતી નહીં કરે, એટલે ભાજપ પણ સંભાળીને ચાલે છે.
- 2020 – NDAનો ભાગ
- 2022 – NDA છોડીને તેજસ્વી સાથે સરકાર
- 2023 – ઈન્ડિયા ગઠબંધનનું ગઠન કરાવ્યું
- 2024 – સંયોજક ન બનાવ્યા તો મહાગઠબંધન છોડી દીધું
6 વખત પક્ષપલટુ બન્યા નીતિશ કુમાર પહેલી પલટી : 1994માં લાલુ સાથે છેડો ફાડી સમતા પાર્ટીની રચના કરી. બીજી પલટી : 2013માં રાષ્ટ્રીય સ્તરે મોદીનું વર્ચસ્વ વધ્યું તો ભાજપ સાથે છેડો ફાડ્યો. ત્રીજી પલટી : 2015માં ફરીવાર લાલુ પ્રસાદ સાથે ગઠબંધન કરવાની ભૂલ કરી. ચોથી પલટી : 2017માં અંતરઆત્માનું સાંભળીને મહાગઠબંધન છોડ્યું ને ભાજપ સાથે હાથ મિલાવ્યા. પાંચમી પલટી : 2022માં ભાજપને ઠગ ગણાવીને લાલુને ફૂલ આપી RJDમાં જોડાઈ ગયા. છઠ્ઠી પલટી : 2024માં RJD સાથે છેડો ફાડી ભાજપના સપોર્ટથી બિહારના સીએમ તરીકે 9મી વાર શપથ લીધા.
છેલ્લે, ગુરુવારે સવારે દિલ્હી વિધાનસભાની કાર્યવાહી શરૂ થઈ ત્યારે આમ આદમી પાર્ટીના 22 ધારાસભ્યોની કારને વિધાનસભાના પરિસરની અંદર એન્ટ્રી જ ન અપાઈ. વિધાનસભા બહાર હંગામો થયો. આતિશીએ કહ્યું હતું કે દેશના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે કે પરિસરની અંદર જતા ધારાસભ્યોને રોકવામાં આવ્યા હોય. ‘આપ’માં જેટલી તાકાત બચી છે એને પણ તોડવામાં આવી રહી છે. હકીકતમાં લોકશાહીની તાકાત તૂટી રહી છે.