5 મિનિટ પેહલા
- કૉપી લિંક
2008ના મુંબઈ આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાને દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે 18 દિવસની NIA કસ્ટડીમાં મોકલી આપ્યો છે. એજન્સીએ કોર્ટ પાસેથી 20 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. સ્પેશિયલ NIA જજ ચંદ્રજીત સિંહે બંધ રૂમમાં કેસની સુનાવણી કરી અને ગુરુવારે મોડી રાત્રે 2 વાગ્યે ચુકાદો સંભળાવ્યો.
64 વર્ષના તહવ્વુર રાણાને 10 એપ્રિલે અમેરિકાથી ભારત લાવવામાં આવ્યો હતો. ગુરુવારે સાંજે લગભગ 6:30 વાગ્યે રાણાને લઈને યુએસ ગલ્ફસ્ટ્રીમ G550 વિમાન દિલ્હીના પાલમ ટેક્નિકલ એરપોર્ટ પર ઉતર્યું. જ્યાં તેનું મેડિકલ ચેકઅપ થયું, ત્યાર બાદ તેને સીધો NIA હેડક્વાર્ટર લઈ જવામાં આવ્યો.
ભારત પહોંચ્યા પછી રાણાની પહેલી તસવીર પણ સામે આવી, જેમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ના અધિકારીઓ તેને પકડીને ઉભા જોવા મળ્યા. રાણાને દિલ્હીની તિહાર જેલમાં ઉચ્ચ સુરક્ષા વોર્ડમાં રાખવામાં આવશે.
જોકે, રાણાને ક્યારે અને કયા વોર્ડમાં રાખવામાં આવશે તેનો અંતિમ નિર્ણય કોર્ટના આદેશ પછી જ લેવામાં આવશે. તપાસ એજન્સી NIA અને ગુપ્તચર એજન્સી RAWની સંયુક્ત ટીમ (9 એપ્રિલે) બુધવારે રાણાને લઈને અમેરિકાથી રવાના થઈ હતી.

તહવ્વુર રાણાનો પહેલો ફોટો ભારત પહોંચ્યા પછી બહાર આવ્યો. જોકે તેમાં તેનો ચહેરો દેખાતો નથી. NIA અધિકારીઓ તેને પકડી રહ્યા છે.
ઓક્ટોબર 2009માં, તહવ્વુર રાણાની એફબીઆઈ દ્વારા શિકાગો, અમેરિકામાં ધરપકડ કરવામાં આવી હતી. તેમના પર મુંબઈ અને કોપનહેગનમાં 26/11ના આતંકવાદી હુમલાઓને અંજામ આપવા માટે જરૂરી સામગ્રી પૂરી પાડવાનો આરોપ હતો. મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ રિચાર્ડ હેડલીની જુબાનીના આધારે તહવ્વુર રાણાને 14 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.
પી ચિદમ્બરમે કહ્યું- રાણાને ભારત લાવવામાં કોંગ્રેસનો પણ ફાળો
ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદમ્બરમે તહવ્વુર રાણાના પ્રત્યાર્પણ પર કહ્યું કે પાછલી સરકાર પણ આ મામલે શ્રેયને પાત્ર છે. તેમણે કહ્યું કે NDA સરકાર હાલમાં જે કંઈ કરી રહી છે તેનો શ્રેય લઈ શકે છે. પરંતુ તેમણે પાછલી સરકારને પણ શ્રેય આપવો જોઈએ જેણે ઘણું બધું કર્યું છે.
કોંગ્રેસે દાવો કર્યો છે કે તહવ્વુર રાણાને ભારત લાવવાની પ્રક્રિયા 2009માં UPA શાસન દરમિયાન શરૂ થઈ હતી અને તેથી NDA સરકારે તેનો બધો શ્રેય એકલા ન લેવો જોઈએ.
અમેરિકાએ કહ્યું- મુંબઈ હુમલાના પીડિતોને ન્યાય અપાવવા માટે જરૂરી પગલું
યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે કહ્યું કે મુંબઈ આતંકવાદી હુમલાના આરોપી તહવ્વુર રાણાનું પ્રત્યાર્પણ પીડિતોને ન્યાય અપાવવા માટે એક જરૂરી પગલું છે. વિભાગના પ્રવક્તાએ કહ્યું- રાણાનું પ્રત્યાર્પણ મુંબઈ હુમલામાં માર્યા ગયેલા 6 અમેરિકનો અને અન્ય ઘણા પીડિતોને ન્યાય અપાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે.
એકનાથ શિંદેએ તહવ્વુર રાણાના પ્રત્યાર્પણ બદલ PM મોદીનો આભાર માન્યો
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ X પર લખ્યું – દેશ પરના સૌથી મોટા 26/11 આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાને ભારત લાવવામાં આવ્યો છે. આ માટે હું દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માનું છું. લગભગ એક મહિના પહેલા મોદીજી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે ચર્ચા થઈ હતી. તેમના મતે, અમેરિકાએ ભારતના સૌથી મોટા ગુનેગારને દેશનિકાલ કર્યો. હું આ માટે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરને પણ અભિનંદન આપું છું. વિશ્વના સૌથી મોટા લોકશાહી પર હુમલા માટે જવાબદાર તહવ્વુર રાણાને કડક સજા મળશે તેમાં કોઈ શંકા નથી.
રાણાની પૂછપરછથી મુંબઈ હુમલામાં ISIની ભૂમિકાનો ખુલાસો થશે
તહવ્વુર રાણાને ભારત લાવવા અંગે કેન્દ્રિય મંત્રી આર.કે. સિંહે કહ્યું કે આ એક મોટો વિકાસ છે. આનાથી આતંકવાદીઓને સંદેશ મળે છે કે જો તેઓ ભારત પર હુમલો કરશે, તો તેઓ દુનિયાના કોઈપણ ખૂણામાં હશે, તેમને પકડવામાં આવશે, ભારતીય અદાલતોમાં મુકદ્દમા ચલાવવામાં આવશે અને સજા કરવામાં આવશે.
તેમાંથી કોઈને પણ બક્ષવામાં આવશે નહીં. રાણાની પૂછપરછથી મુંબઈ હુમલામાં પાકિસ્તાની એજન્સી ISIની ભૂમિકા અને ભારતમાં તેના સ્લીપર સેલની હાજરીનો ખુલાસો થશે. પાકિસ્તાનમાં આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ્સને સજા થશે તેવી આશા રાખવી એ સમયનો બગાડ છે.
રાણાનો કેસ વકીલ પિયુષ સચદેવા લડશે
દિલ્હી કાનૂની સેવા સત્તામંડળના વકીલ પીયૂષ સચદેવા કોર્ટમાં આરોપી તહવ્વુર રાણાનું પ્રતિનિધિત્વ કરશે.
પોલીસે પટિયાલા હાઉસ કોર્ટમાંથી તમામ મીડિયાકર્મીઓને દૂર કર્યા
તહવ્વુર રાણાને જજ ચંદ્રજીત સિંહની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો ત્યારે દિલ્હી પોલીસે પટિયાલા હાઉસ કોર્ટ પરિસરમાંથી તમામ મીડિયાકર્મીઓ અને સામાન્ય લોકોને દૂર કરી દીધા હતા.
NIAએ કહ્યું- રાણાને સફળતાપૂર્વક લાવવામાં આવ્યો
NIAએ એક પ્રેસ રિલીઝ જારી કરીને જણાવ્યું હતું કે 26/11ના મુંબઈ આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાને સજા અપાવવા માટે વર્ષોના સતત પ્રયાસો બાદ ગુરુવારે સફળતાપૂર્વક પ્રત્યાર્પણ કરવામાં આવ્યું હતું.
ભારત-અમેરિકા પ્રત્યાર્પણ સંધિ હેઠળ શરૂ થયેલી કાર્યવાહીના ભાગ રૂપે રાણાને અમેરિકામાં ન્યાયિક કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો. રાણાએ પોતાના પ્રત્યાર્પણને રોકવા માટે તમામ કાનૂની ઉપાયો અજમાવ્યા પરંતુ આખરે તેનું પ્રત્યાર્પણ કરવામાં આવ્યું.
NIAએ, યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટના યુએસ સ્કાય માર્શલ્સની મદદથી, પ્રત્યાર્પણ પ્રક્રિયા દરમિયાન ભારતીય ગુપ્તચર એજન્સીઓ અને NSG સાથે નજીકથી કામ કર્યું. સમગ્ર પ્રક્રિયા દરમિયાન ભારતના વિદેશ અને ગૃહ મંત્રાલયોએ પણ યુએસ અધિકારીઓ સાથે સંકલન કર્યું.
પાકિસ્તાને તહવ્વુર રાણાથી અંતર જાળવ્યું
પાકિસ્તાને તહવ્વુર રાણાથી પોતાને દૂર રાખતા કહ્યું કે તે કેનેડિયન નાગરિક છે. એક સવાલના જવાબમાં, પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા શફકત અલી ખાને કહ્યું કે તહવ્વુર રાણાએ છેલ્લા બે દાયકાથી પોતાના પાકિસ્તાની દસ્તાવેજો રિન્યુ કરાવ્યા નથી. તેની પાસે કેનેડિયન નાગરિકતા છે.
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન કેનેડામાં સ્થાયી થયેલા તેના નાગરિકોને બેવડી નાગરિકતા રાખવાની મંજૂરી આપે છે.
તહવ્વુર રાણાની 2009માં FBI દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. રાણાને યુએસમાં લશ્કર-એ-તૈયબાને સમર્થન આપવા બદલ દોષિત ઠેરવવામાં આવ્યો હતો. અત્યાર સુધી, તે લોસ એન્જલસના એક ડિટેન્શન સેન્ટરમાંબંધ હતો.
26 નવેમ્બર 2008ના રોજ, આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના 10 આતંકવાદીઓએ મુંબઈ પર હુમલો કર્યો. આ હુમલાઓ ચાર દિવસ સુધી ચાલુ રહ્યો. આ હુમલાઓમાં કુલ 175 લોકો માર્યા ગયા હતા, જેમાં 9 હુમલાખોરોનો પણ સમાવેશ થાય છે અને 300થી વધુ લોકો ઘાયલ થયા હતા.
મુંબઈ હુમલામાં ભૂમિકા- હેડલીને મુંબઈમાં ઓફિસ ખોલવામાં મદદ કરી

અમેરિકન સરકારે કહ્યું- રાણાની ભૂમિકા સાબિત થઈ
યુએસ સરકારે કહ્યું, ‘હેડલીએ જણાવ્યું હતું કે રાણાએ એક વ્યક્તિને હેડલી માટે દસ્તાવેજો તૈયાર કરવાનો આદેશ આપ્યો હતો, જેથી મુંબઈમાં ફર્સ્ટ વર્લ્ડ ઓફિસ ખોલવાની ખોટી કહાની સાચી સાબિત થાય. રાણાએ જ હેડલીને ભારત આવવા માટે વિઝા કેવી રીતે મેળવવા એ અંગે સલાહ આપી હતી. આ બધી બાબતો ઇમેલ અને અન્ય દસ્તાવેજો દ્વારા સાબિત થઈ છે.’
અમેરિકી કોર્ટે અગાઉ પ્રત્યાર્પણ અરજી ફગાવી દીધી હતી
13 નવેમ્બર, 2024ના રોજ રાણાએ નીચલી અદાલતના પ્રત્યાર્પણના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી, જેને 21 જાન્યુઆરીએ ફગાવી દેવામાં આવી. અગાઉ તેણે સાન ફ્રાન્સિસ્કોની કોર્ટમાં અપીલ કરી હતી, જેને ફગાવી દેવામાં આવી હતી. કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે બંને દેશો વચ્ચે પ્રત્યાર્પણ સંધિ હેઠળ તેને ભારત મોકલી શકાય છે.
તહવ્વુરના પ્રત્યાર્પણ માટે ભારતે 5 પગલાં લીધાં
- 2011માં ભારતની NIAએ રાણા વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી.
- ભારતે સૌપ્રથમ 4 ડિસેમ્બર, 2019ના રોજ રાજદ્વારી માધ્યમો દ્વારા રાણાના પ્રત્યાર્પણની માગ કરી હતી.
- 10 જૂન, 2020ના રોજ રાણાની કામચલાઉ ધરપકડની માગણી કરવામાં આવી.
- ફેબ્રુઆરી 2021માં ભારતે સત્તાવાર રીતે યુએસ ન્યાય વિભાગને પ્રત્યાર્પણની માગણી કરતો એક પત્ર મોકલ્યો.
- 22 જૂન, 2021ના રોજ યુએસ ફેડરલ કોર્ટમાં રાણાના પ્રત્યાર્પણ અંગેની સુનાવણી દરમિયાન ભારતે પુરાવા રજૂ કર્યા.
માસ્ટરમાઇન્ડ ડેવિડ હેડલીનો બાળપણનો મિત્ર

ડેવિડ હેડલી મુંબઈ હુમલાનો માસ્ટરમાઇન્ડ હતો. રાણાએ તેને આર્થિક મદદ કરી. – ફાઇલ ફોટો.
ગયા વર્ષે કોર્ટમાં સુનાવણી દરમિયાન સરકારી વકીલોએ દલીલ કરી હતી કે તહવ્વુર હુમલાના માસ્ટરમાઇન્ડ ડેવિડ હેડલીનો બાળપણનો મિત્ર હતો અને તે જાણતો હતો કે હેડલી લશ્કર-એ-તૈયબા સાથે કામ કરે છે. હેડલીને આર્થિક મદદ કરીને તહવ્વુર આતંકવાદી સંગઠન અને તેની સાથેના આતંકવાદીઓને મદદ કરતો હતો.
હેડલી કોને મળતો હતો અને શું વાત કરી રહ્યો હતો એની માહિતી રાણા પાસે હતી. તે હુમલાની યોજના અને કેટલાક ટાર્ગેટ્સનાં નામ પણ જાણતો હતો. અમેરિકી સરકારે કહ્યું હતું કે રાણા આ સમગ્ર કાવતરાનો એક ભાગ હતો અને તેણે આતંકવાદી હુમલાને ફંડ આપવાનો ગુનો કર્યો હોવાની સંપૂર્ણ આશંકા છે.
તહવ્વુર પાકિસ્તાની સેનામાં ડૉક્ટર હતો, કેનેડિયન નાગરિક
- 64 વર્ષીય તહવ્વુર હુસૈન રાણા પાકિસ્તાની મૂળનો કેનેડિયન નાગરિક છે. તહવ્વુર હુસૈન પાકિસ્તાની સેનામાં ડોક્ટર તરીકે કામ કરતો હતો. ત્યાર બાદ તે 1997માં કેનેડા ગયો અને ત્યાં ઇમિગ્રેશન સેવાઓ પૂરી પાડતા ઉદ્યોગપતિ તરીકે કામ કરવાનું શરૂ કર્યું.
- કેનેડાથી તે અમેરિકા ગયો અને શિકાગો સહિત અનેક સ્થળોએ ફર્સ્ટ વર્લ્ડ ઇમિગ્રેશન સર્વિસીઝ નામની કન્સલ્ટન્સી ફર્મ ખોલી. યુએસ કોર્ટના દસ્તાવેજો અનુસાર, રાણાએ ઘણી વખત કેનેડા, પાકિસ્તાન, જર્મની અને ઇંગ્લેન્ડની મુલાકાત પણ લીધી હતી. તે લગભગ 7 ભાષા બોલી શકે છે.

રાણાની ઓક્ટોબર 2009માં ધરપકડ કરવામાં આવી હતી
ઓક્ટોબર 2009માં FBIએ તહવ્વુર રાણાની શિકાગો, અમેરિકાના ઓ’હેયર એરપોર્ટ પરથી ધરપકડ કરી. તેના પર મુંબઈ અને કોપનહેગનમાં આતંકવાદી હુમલા કરવા માટે જરૂરી સામગ્રી પૂરી પાડવાનો આરોપ હતો. હેડલીની જુબાનીના આધારે તહવ્વુરને 14 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.
2011માં રાણાને ડેનિશ અખબાર મોર્ગેનાવિસેન જિલેન્ડ્સ-પોસ્ટેન પર હુમલો કરવાનું કાવતરું ઘડવાનો દોષી ઠેરવવામાં આવ્યો હતો. આ અખબારે 2005માં પયગંબર મુહમ્મદ પર 12 વિવાદાસ્પદ કાર્ટૂન પ્રકાશિત કર્યા હતા. આ હુમલામાં એક કાર્ટૂનિસ્ટનું માથું કાપી નાખવામાં આવ્યું હતું.
બીજા જ વર્ષે ‘ચાર્લી હેબ્દો’ નામના ફ્રેન્ચ મેગેઝિન દ્વારા આ 12 કાર્ટૂન પ્રકાશિત કરવામાં આવ્યા, જેના બદલામાં 2015માં ચાર્લી હેબ્દોના કાર્યાલય પર હુમલો કરીને 12 લોકો માર્યા ગયા.