20 મિનિટ પેહલા
- કૉપી લિંક
- જ્યારે કોઈ ગ્રહ સૂર્યની 10 ડિગ્રી નજીક હોય ત્યારે તે ગ્રહ પોતાની અસર ખોઈ બેસે છે
અક્ષય તૃતીયાને હિન્દુ ધર્મમાં અબુઝ મુહૂર્ત માનવામાં આવે છે જ્યારે પંચાંગ જોયા વગર શુભ કાર્યો પૂર્ણ કરી શકાય છે. આવો સંયોગ લગભગ 24 વર્ષ પછી બની રહ્યો છે જ્યારે આ વર્ષે મે અને જૂનમાં લગ્નનું એક પણ દિવસ શુભ રહેશે નહીં. તેનું કારણ બંને મહિનામાં ગુરુ-શુક્રની સારી સ્થિતિ ન હોવાનું કહેવાય છે. શુક્રની સ્થિતિ જુલાઈ મહિનામાં શુભ બનશે ત્યારે લગ્નોની ફરી શરૂઆત થશે. આ પહેલાં વર્ષ 2000માં પણ આવી સ્થિતિ સર્જાઈ હતી, ત્યારે પણ મે અને જૂનમાં લગ્નના શુભ મુહૂર્ત ન હતા. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે જે લોકો ઉનાળાની ઋતુમાં લગ્ન કરવાનું વિચારી રહ્યા છે, તેમને આ તક નહીં મળે, કારણ કે મે અને જૂન મહિનામાં એક પણ દિવસ લગ્ન કરવા માટે શુભ નથી, અક્ષય તૃતીયાને મહામુહૂર્ત માનીને, શુભ અનુષ્ઠાન કરવામાં આવશે. આ વર્ષે અખાત્રીજે કેવી જ્યોતિષીય સ્થિતિ છે તે અંગે જાણો….
જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે વૈશાખ માસના સુદ પક્ષની અક્ષય તૃતીયા 10મી મેના રોજ આવી રહી છે. અક્ષત તૃતીયાને અબુઝ મુહૂર્ત કહેવામાં આવે છે, આ દિવસે મુહૂર્ત વિના પણ લગ્ન નક્કી કરવામાં આવે છે. આ વખતે અક્ષય તૃતીયાના દિવસે ગુરુ અને શુક્ર શુભ સ્થિતિમાં ન હોવાને કારણે લગ્ન વગેરે જેવા શુભ કાર્યો થશે નહીં. લગ્નના શુદ્ધ અને શુભ સમય માટે જુલાઈ સુધી રાહ જોવી પડશે. લગ્ન માટે ગુરુ અને શુક્રના નક્ષત્રોની સ્થિતિ સારી હોવી જરૂરી છે. દરવર્ષે અક્ષય તૃતીયાને અબુઝ મુહૂર્ત માનવામાં આવતું હોવાથી આ દિવસે યુવક-યુવતીઓના લગ્ન કોઈપણ મુહૂર્ત વિના પણ કરવામાં આવે છે. પરંતુ આ માટે ગુરુ અને શુક્ર બે ગ્રહો ઉદિત હોવા જરૂરી છે
સ્વયં સિદ્ધ અબુઝ મુહૂર્ત છે અક્ષય તૃતીયા
જ્યોતિષશાસ્ત્રોમાં અક્ષય તૃતીયા તિથિને સ્વયં સિદ્ધ અબુઝ શુભ મુહૂર્ત ગણવામાં આવ્યું છે. એટલે કે આ તિથિએ શુભ સમયને ધ્યાનમાં લીધા વિના તમામ પ્રકારના શુભ કાર્યો પૂર્ણ કરી શકાય છે. આ દિવસે લગ્ન, ગૃહપ્રવેશ, સોના-ચાંદીના દાગીની ખરીદી જેવા કોઈપણ શુભ કાર્ય કરી શકાય છે. મકાન, પ્લોટ કે વાહન વગેરેની ખરીદીને લગતા કામ થઈ શકે છે. એવું માનવામાં આવે છે કે આ અબુઝ મુહૂર્તની તિથિએ વેપારની શરૂઆત, ગૃહપ્રવેશ, વૈવાહિક કાર્યો, અનુષ્ઠાન, દાન, પૂજા વગેરે કરેલાં કાર્યો અવિનાશી રહે છે એટલે કે તેનો ક્યારેય નાશ થતો નથી.
લગ્નના શુભ મુહૂર્તમાં ગુરુ અને શુક્ર અસ્તનો વિચાર કરવામાં આવે છે. શુક્ર ભોગ વિલાસનો કુદરતી કારક ગ્રહ છે અને તે દાંપત્ય સુખનો દર્શાવે છે., તો બીજી તરફ ગુરુ કન્યા માટે પતિના સુખનો કારક છે, બંને ગ્રહો શુભ લગ્ન માટે ઉદિત હોવા શાસ્ત્ર સમ્મત છે. લગ્ન માટે શુક્ર અને ગુરુ ગ્રહનું ઉદિત હોવું જરૂરી છે, બંને ગ્રહો લગ્નના કારક છે, તેમના અસ્ત રહેવાથી લગ્ન નથી થતાં. 29 એપ્રિલ 2024ના રોજ શુક્ર બપોરે અસ્ત થઈ જશે, જે 28 જૂન સુધી અસ્ત રહેશે. 6 મેથી ગુરુ ગ્રહ પણ અસ્ત થઈ જશે. જે 3 જૂને ઉદિત થશે. શુક્ર અસ્ત જ રહેશે, આ કારણસર મે અને જૂન મહિનામાં લગ્નની શરણાઈઓ ગુંજશે નહીં.
જ્યારે કોઈ ગ્રહ સૂર્યની નજીક આવી જાય છે તો તે અસ્ત થઈ જાય છે. અસ્ત થવાથી તે ગ્રહની અસર ઓછી થઈ જાય છે. ગુરુ અને સૂર્યની વચ્ચે જ્યારે 10 ડિગ્રીનં અંતર હોય છે તો ગુરુ અસ્ત થઈ જાય છે. તો એ જ રીતે શુક્ર અને સૂર્ય વચ્ચે 11 ડિગ્રી અંતર હોય તો શુક્ર અસ્ત થઈ જાય છે.
ગુરુ અને શુક્ર લગ્ન માટે જવાબદાર ગ્રહો છે-
જ્યોતિષશાસ્ત્રમાં લગ્ન માટે કુંડળી મેળાપ, ગુણદોષ મેળાપ કરવામાં આવે છે, તે સિવાય ગુરુ અને શુક્રને લગ્નનો કારક ગ્રહો માનવામાં આવે છે. આકાશમંડળમાં ગુરુ અને શુક્ર ગ્રહ ઉદિત હોય તો લગ્નના શુભ મુહૂર્ત સર્જાતા હોય છે. જો આ બે ગ્રહો અસ્ત હોય તો લગ્ન માટે કોઈ મુહૂર્ત બનતા નથી. બંને ગ્રહોના અસ્ત થવાથી મે-જૂનમાં લગ્ન ફેરા નહીં લઈ શકાય.
અબુઝ મુહૂર્ત હોવાથી કોઈ દોષ નથી-
શુક્ર ગ્રહ 29 એપ્રિલથી 28 જૂન સુધી અસ્ત રહેશે. દરમિયાન 6 મેથી 3 જૂન સુધી ગુરુ અસ્ત રહેશે. ગુરુ અને શુક્ર અસ્ત થવાને કારણે શુભ વિધિઓ કરવામાં આવશે નહીં. જો કે, વૈશાખ સુદ ત્રીજ એટલે કે અક્ષય તૃતીયાને મહામુહૂર્ત કહેવામાં આવે છે, જે 10મી મેના રોજ છે. આ દિવસે ગુરુ-શુક્ર અસ્ત રહેવાને કારણે આ વર્ષે કોઈ મુહૂર્ત નથી. પરંતુ આ મુહૂર્તને અબુઝ મુહૂર્ત માનવામાં આવતું હોવાથી લગ્ન કરી શકાય છે કે નહીં આ અંગે અમદાવાદના જ્યોતિષાચાર્ય હેમિલ લાઠીયા જણાવે છે કે વર્ષમાં કેટલાક દિવસો અબુઝ મુહૂર્ત તરીકે ઓળખાય છે જેમાં ચૈત્ર સુદ એકમ(ચૈત્રી નવરાત્રિ એકમ), અખાત્રીજ-પરશુરામ જન્મોત્સવ, વિજયાદશમી, કારતક સુદ એકમ(ગોવર્ધનપૂજા) આ ચાર દિવસોએ કોઈપણ કાર્ય મુહૂર્ત જોયા વગર કરી શકાય છે. જેમાં પંચાંગ શુદ્ધિની જરૂરિયાત નથી હોતી. નક્ષત્ર-વાર જોવાની જરૂર નથી અક્ષય હોય છે એટલે સ્વયં સિદ્ધ તિથિઓ ગણાય છે. અક્ષયનો અર્થ છે આ દિવસે કોઈપણ કરેલાં કાર્યનો ક્ષય નથી થતો. આ વર્ષે અખાત્રીજે ગુરુ-શુક્ર અસ્ત રહેવાથી લગ્ન ટાળવામાં આવશે પરંતુ આ દિવસે રોહિણી નક્ષત્ર પણ છે. આ નક્ષત્રમાં ગૃહ પ્રવેશ, સોના-ચાંદીની ખરીદી, દસ્તાવેજો, વાહનની ખરીદી જેવા શુભ કાર્યો કરી શકાય છે. એટલે શુક્રવારે સૂર્યોદયથી શનિવારની વહેલી સવારે 2 વાગ્યે સુધી શુભ કાર્યો થઈ શકશે શકશે. આ દિવસે સૂર્ય પોતાની ઉચ્ચ રાશિ મેષમાં અને ચંદ્ર પોતાની રાશિ વૃષભમાં રહેશે. શુક્રવારે સવારે 5-33થી બપોરે 12-18 મિનિટ સુધી ગૃહ પ્રવેશ કરી શકાશે. જો કે આજના મોર્ડન યુગમાં આ દિવસને ચિરંજીવી પરશુરામનો જન્મ દિવસ ગણાતો હોવાથી બધા લોકો શુભ કાર્યો કરતા જ હોય છે. આ વર્ષે લગ્નને બાદ કરતા બધા કાર્યો થઈ શકશે.
ગુજરાતમાં અખાત્રીજ નામે પ્રસિદ્ધ છે-
ગુજરાતમાં અક્ષય તૃતીયાને અખાત્રીજ નામે ઓળખાય છે તો છત્તીસગઝમાં તેને અક્તી નામે ઓળખાય છે. આ દિવસે સૂર્ય અને ચંદ્ર ઉચ્ચ સ્થિતિમાં હોય છે. આ દિવસે સૂર્ય મેષ રાશિમાં છે અને ચંદ્ર વૃષભ રાશિમાં છે. તેથી જ અક્ષય તૃતીયાને અબુઝ મુહૂર્ત કહેવામાં આવે છે. અક્ષય તિથિ એટલે એવી તિથિ જેનો ક્યારેય ક્ષય થતો નથી.
દેશયની પહેલાં 9, 11 અને 12 જુલાઈ લગ્ન માટે શુભ તિથિઓ છે-
ગુરુ અને શુક્રના ઉદય બાદ 9મી જુલાઈથી ફરી એકવાર લગ્નપ્રસંગની ધૂમધામ શરૂ થશે. જુલાઈમાં લગ્નની તારીખો અનુક્રમે 9, 11, 12, 13 અને 15 છે. આમાં, તમારા ચંદ્રુબળ અને ગુરુબળની ગણનાથી લગ્ન માટે તારીખોની પસંદગી કરી શકો છો.
17 જુલાઈથી ચાર મહિના સુધી લગ્નમુહૂર્તની રાહ જોવી પડશે
પંચાંગ પ્રમાણે દેવશયની એકાદશી 17મી જુલાઈએ છે. આ દિવસથી ભગવાન વિષ્ણુ રાજા બલિનું આતિથ્ય સ્વીકારશે અને ચાર મહિના સુધી પાતાળલોકમાં નિવાસ કરશે. આ સમય પૃથ્વી પર ચાતુર્માસ તરીકે ઓળખાશે. આ સમયગાળા દરમિયાન, ચાર મહિના સુધી લગ્ન વગેરે જેવા કોઈ શુભ કાર્યો થશે નહીં. જપ, તપસ્યા અને નિયમોનું પાલન કરીને ભક્તો ધર્મ અને આધ્યાત્મિકતાનો આનંદ માણશે. દિવાળી પછી કારતક માસના સુદ પક્ષની દેવઊઠી એકાદશીથી ફરી લગ્ન વગેરેનો પ્રારંભ થશે.
ખેતીમાં સારી ઉપજ થવાની કામના
અક્ષય તૃતીયાના દિવસે પૂજા કર્યા બાદ સવારે ઠાકુરદેવ અને શીતળા માતાને ધાન અથવા અન્ય કોઈ પાત્રમાં ડાંગર અર્પણ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે પૂજા કરવાથી ઠાકુર દેવતા પાસેથી સારા પાકની ઈચ્છા પૂર્ણ થાય છે.
અક્ષય તૃતીયા પર પવિત્ર સ્નાનની પરંપરા
ધાર્મિક શાસ્ત્રોમાં અક્ષય તૃતીયાને અબુઝ મુહૂર્ત કહેવાયું છે તેથી આ દિવસે માતા અન્નપૂર્ણા અને ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા કરવાની પરંપરા છે. આ દિવસે સવારે ગંગા વગેરે પવિત્ર નદીઓમાં પવિત્ર સ્નાન કરવાની પરંપરા છે.