27 મિનિટ પેહલા
- કૉપી લિંક
મકરસંક્રાંતિથી કમુરતાં પૂરાં થયાં અને શુભ તથા માંગલિક કાર્યો શરૂ થઈ ગયાં છે. 2 ફેબ્રુઆરીએ મહા સુદ પાંચમ એટલે કે વણજોયું મુહૂર્ત કહેવાતી વસંત પંચમી છે. પરંતુ આ વખતે વસંત પંચમીનું વણજોયું મુહૂર્ત નથી. કારણ કે બે સૂર્યોદય સુધી ચોથની તિથિ રહે છે અને એટલે પાંચમની તિથિનો ક્ષય થાય છે. એ ઉપરાંત પણ માંગલિક કાર્યોના કારક ગ્રહો મંગળ અને ગુરુ ગ્રહોનું ભ્રમણ વક્રી છે. સાથે જ ચંદ્રની સ્થિતિ પણ સારી નથી. એટલે શુભ કાર્યોમાં સારાવાટ ન રહેવાથી જ્યોતિષશાસ્ત્રમાં આને નિષેધ મનાયું છે. બીજી બાજુ ગયા વર્ષ કરતાં આ વર્ષે લગ્નનાં 10 મુહૂર્ત વધારે છે.
વણજોયું મુહૂર્ત નિષેધ થાય કે જે-તે તિથિનો ક્ષય થાય, એવો યોગ 3 કે 4 વર્ષે રચાતો હોય છે, તેમ કહેતાં જ્યોતિષાચાર્ય આશિષ રાવલે આ માટેનું કારણ આપ્યું છે. તેમણે કહ્યું કે વણજોયું મુહૂર્ત નિષેધ શા માટે? તે સમજતાં પહેલાં જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ કેટલાંક મુહૂર્તો વણજોયાં શુભ કેમ ગણાય છે, એ સમજવું પડશે. જે તિથિએ પંચાંગનાં પાંચ અંગ (તિથિ, વાર, યોગ, કરણ અને નક્ષત્ર)ની સ્થિતિ સારી હોય. શુભ ગ્રહો ચંદ્ર, શુક્ર અને સૂર્યની સ્થિતિ પણ સારી હોય ત્યારે એ તિથિને વણજોયું મુહૂર્ત કહેવાય છે. મોટે ભાગે સામુહૂક કાર્યો વણજોયાં મુહૂર્તમાં થતાં હોય છે, જેમ કે રથયાત્રાએ લોકો વાહન ખરીદતાં હોય છે. હવે, આ વર્ષે વસંત પંચમીનું મુહૂર્ત નિષેધ કેમ, તે અંગે જ્યોતિષી રાવલે કહ્યું કે ક્ષય તિથિ હોય કે વૃદ્ધિ તિથિ હોય તો એ મુહૂર્ત ગણાતું નથી અને આ વખતે પાંચમની તિથિનો જ ક્ષય થાય છે. માંગલિક કાર્યોનો કારક ગ્રહ મંગળ વક્રી હોવાથી બોલાચાલી, ઝઘડો થાય. એટલે કે શુભ કાર્યમાં વિઘ્ન આવે. એ સિવાય ગુરુ ગ્રહ પણ વક્રી છે. મીન રાશિમાં એકસાથે 3 ગ્રહ હોવાથી વસંતપંચમીનું મુહૂર્ત નિષેધ ગણાયું છે.
તિથિનો ક્ષય કે વૃદ્ધિ કેમ થાય છે? ખગોળશાસ્ત્રમાં એક વર્ષ 365 દિવસનું હોય છે જ્યારે જ્યોતિષશાસ્ત્રમાં એક વર્ષ 354 દિવસનું હોય છે. આ કારણથી 5 તિથિનો સમાવેશ ન થતાં ક્યારેક કોઈ તિથિનો ક્ષય થતો હોય છે અને કેટલીક વખત એક જ તિથિ બેવડાતી હોય છે. આવું સામાન્ય તિથિમાં પણ થતું હોય છે પરંતુ વણજોયાં મુહૂર્ત હોય કે તહેવારોમાં થાય ત્યારે સામાન્ય રીતે લોકોના ધ્યાને આવતું હોય છે. આ પહેલાં હોળી, દિવાળીમાં પડતર દિવસમાં પણ તિથિનો ક્ષય કે વૃદ્ધિને કારણે અસમંજસની સ્થિતિ સર્જાઈ હતી.
ફેબ્રુઆરીના 28માંથી 14 દિવસ લગ્ન માટે શુભ 2 ફેબ્રુઆરીએ વસંતપંચમીનો ક્ષય હોવાથી વણજોયું મુહૂર્ત નથી. આમ છતાં અડધો ફેબ્રુઆરી મહિનો એટલે કે મહિનાના 28માંથી 14 દિવસ લગ્ન માટે શુભ મુહૂર્ત છે. ફેબ્રુઆરીની 3, 4, 6, 7, 12, 13, 14, 16, 17, 20, 21, 22, 23 અને 25 તારીખ લગ્ન માટે શુભ છે. માર્ચમાં લગ્ન માટે 2, 3, 6, 7 અને 12 તારીખ શુભ છે. એપ્રિલમાં 14, 16, 18, 19, 20, 21, 22, 25, 29 અને 30 તારીખ જ્યારે મે મહિનામાં 1, 5, 6, 8, 9, 10, 13, 14, 16, 17, 20, 23, 24 તારીખ અને જૂનમાં 1, 2, 5 અને 6 તારીખે શુભ મુહૂર્ત છે. 30 એપ્રિલે અખાત્રીજનું વણજોયું મુહૂર્ત છે. આ દિવસ લગ્ન, શુભ કાર્યો, ગૃહપ્રવેશ અને સોના-ચાંદીની ખરીદી માટે શ્રેષ્ઠ ગણવામાં આવે છે. દેવઊઠી એકાદશી પછી ફરીથી લગ્નસરાની ઋતુ શરૂ થશે.


હોળાષ્ટક, મીનારક ક્યારથી? ફાગણ સુદ સાતમ, 6 માર્ચથી ફાગણ સુદ પૂનમ, 13 માર્ચ સુધી હોળાષ્ટક રહેશે અને 14 માર્ચથી સૂર્ય મીન રાશિમાં પ્રવેશ કરશે. એ દિવસથી મીનારક કમૂરતાં શરૂ થશે અને 30 દિવસ સુધી એટલે કે 13 એપ્રિલ સુધી રહેશે. તે સિવાય માર્ચ મહિનામાં જ 18થી 23 તારીખ સુધીના 5 દિવસ શુક્ર અસ્ત થશે. 11 જૂનથી 8 જુલાઈ સુધી ગુરુ અસ્ત રહેશે. ઉપરાંત, 7 જૂનથી 2 નવેમ્બર સુધીના 140 દિવસ ચાતુર્માસના ગણાશે. 6 જુલાઈએ દેવપોઢી એકાદશી છે. એટલે લગ્નનાં મૂહુર્તો હોતાં નથી.



