41 મિનિટ પેહલા
- કૉપી લિંક
16 એપ્રિલ બુધવારના પંચાંગ અનુસાર, ઉદીત તિથી ત્રીજ છે પરંતુ બપોરે 12:18 પછી ચોથ બેસી જાય છે. તેથી સંકટ ચતુર્થીનું વ્રત આજે રાખવામાં આવશે. ગણેશજીની પૂજા-અર્ચના ભક્તિ ભાવપૂર્વક અમૃત સિધ્ધિયોગ સાથે કરવામાં આવશે. ચોથના દિવસે ગણેશજી(વિધ્નહર્તા)નું નામ સ્મરણ કરવાથી ભવિષ્યમાં આવનાર તમામ તકલીફો દૂર થઈ જાય છે. ગણેશજી પોતે રિદ્ધિ-સિદ્ધિનાં દાતા હોવાથી આર્થિક સંપન્નતા દિન-પ્રતિદિન વધતી જાય છે.
ચતુર્થીના દિવસે ભગવાન ગણેશના દ્વિજપ્રિય સ્વરૂપની પૂજા કરવાની પરંપરા છે. એટલે કે આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તેમની પૂજા કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને સમૃદ્ધિ વધે છે. આ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની વિશેષ પૂજા કરવામાં આવે છે. આ દિવસે ભગવાન ગણેશની પૂજા બાર નામોથી કરવામાં આવે છે. દરેક નામ ઉચ્ચાર્યા પછી દૂર્વા ચઢાવો.

ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની વિશેષ પૂજા કરવામાં આવે છે
ગણપતિજીની પૂજા કેવી રીતે કરવી? જ્યોતિષાચાર્ય આશિષ રાવલના જણાવ્યાનુસાર, ગણપતિજીને પૂજામાં અબીલ, ગુલાલ, ગંગાજળ, ગુલાબ જળ, દુર્વા, જનોઈ, સોપારી, પંચામૃત, જાસુદ નું લાલ રંગ ફૂલ, ગોળ, 5 ઋતુ ફળ સાથે મોદકનો પ્રસાદ અર્પણ કરવાથી મનોકામના પરિપૂર્ણ થાય છે. સુખ-શાંતિ-સમુદ્ધિ મેળવવા માટે આજે ઉપવાસ સાથે ચન્દ્ર દર્શન કરવાની પણ પરંપરા છે. રાત્રિએ 09:10 કલાકે ચન્દ્ર દર્શન કરવું વધારે હિતકારી બની રહેશે.
સંકટ ચતુર્થીનું વ્રત કરવાથી શું ફળ મળે છે? સંકષ્ટી ચતુર્થી એટલે સંકટને દૂર કરનાર ચતુર્થી. સંકષ્ટી એ સંસ્કૃત ભાષામાંથી લેવામાં આવેલો શબ્દ છે, જેનો અર્થ છે મુશ્કેલ સમયમાં રાહત મેળવવી. આ દિવસે ભક્તો પોતાના દુ:ખમાંથી મુક્તિ મેળવવા માટે ભગવાન ગણપતિની પૂજા કરે છે. પુરાણો અનુસાર ચતુર્થીના દિવસે ગૌરી પુત્ર ગણેશની પૂજા કરવી ફળદાયી છે.
સંકટ ચતુર્થીનું વ્રત કરવાથી લાંબા સમયથી અટકેલા મકાન-મિલકતનાં પ્રશ્નોનું નિરાકરણ આવશે. કુટુંબ-કબીલા કે સામાજિક ક્ષેત્રે બગડેલા સંબંધો સુધરશે. વિદ્યાર્થી ગણને વિદ્યાની વધુ પ્રાપ્તિ માટે ગણેશજીના નામાવલી કરવી. ધંધાદારી વેપારીને મોટી ઊધરાણી ફસાઈ ગઈ હોય તો આજના દિવસનું વ્રત ફળદાયી નિવડશે. અગામી તા.18 ચૈત્ર વદ 5થી “ચૈત્રી દનૈયા” પ્રારંભ થશે. જે અઠવાડિયુ રહેશે. તા.26 શનિવારે ચૈત્રી દનૈયા સમાપ્ત થશે.
પદ્મ પુરાણઃ ગણેશજીને પ્રથમ ઉપાસક બનવાનું વરદાન મળ્યું હતું પદ્મ પુરાણ અનુસાર, આ તિથિએ, કાર્તિકેય સાથે પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરવાની સ્પર્ધામાં, ભગવાન ગણેશએ પૃથ્વીને બદલે ભગવાન શિવ-પાર્વતીની આસપાસ સાત વખત પરિભ્રમણ કર્યું હતું. ત્યારે ભગવાન શિવ પ્રસન્ન થયા અને તેમને દેવતાઓમાં મુખ્ય માન્યા અને તેમને સૌથી પહેલા પૂજા કરવાનો અધિકાર આપ્યો.