સોનિયાએ મોદી સરકાર પર ઉદ્યોગપતિઓ માટે નીતિઓ તૈયાર કરવાનો આક્ષેપ

0
325

એજન્સી, નવી દિલ્હી:

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મોદી સરકારની આકરી ટીકા કરીને ઝાટકણી કાઢી છે. અત્યાર સુધી ચૂંટણી પ્રચારથી અ‌ળગા રહેલા સોનિયા ગાંધીએ પાર્ટીના એક કાર્યક્રમમાં મોદી સરકાર પર દેશની સંસ્થાઓને નષ્ટ કરવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું  કે કોંગ્રેસ સત્તામાં આવશે તો બંધારણની મૂળ ભાવનાને પુન: સ્થાપિત કરવામાં આવશે. દેશમાં અત્યારે દેશભક્તિની નવી જ વ્યાખ્યા શીખવવામાં આવે છે. વિચારધારાના આધારે દેશના જ નાગરિકો સાથે ભેદભાવ થઈ રહ્યો છે.

કોંગ્રેસના ‘જન સરોકાર 2019’ કાર્યક્રમમાં સોનિયા ગાંધીએ મોદી સરકાર પર પ્રહારો કર્યા  હતા. તેમણે જણાવ્યું હતું કે, ‘થોડા સમય અગાઉ  અમે વિચારી પણ શકતા ન હતા કે આપણે આવી સ્થિતિમાં  એકત્ર થવું પડશે. વીતેલા કેટલાક સમયથી આપણા દેશના મૂળ આત્માને એક સમજી વિચારીને ષડયંત્ર રચી કચડવામાં આવી રહ્યો છે જે ચિંતાજનક બાબત છે. જે સંસ્થાએ આપણને ટોચ પર પહોંચાડ્યા તે તમામને લગભગ નષ્ટ કરી દેવામાં આવી છે. 65 વર્ષમાં મહા મહેનતે તૈયાર લોક કલ્યાણના પાયાના માળખા અને સમાવિષ્ટ તાંતણાને નષ્ટ કરવામાં વર્તમાન સરકારે કોઈ કચાશ રાખી નથી.’ 

સોનિયા ગાંધીએ જણાવ્યું કે, ‘આજે દેશને દેશભક્તિની નવી વ્યાખ્યા શીખવવામાં આવે છે, વિવિધતાનો અસ્વીકાર કરનારા લોકોને દેશભક્ત ગણવામાં આવે છે, જ્યારે ધર્મ અને વિચારધારાના આધારે દેશના જ નાગરિકો સાથે ભેદભાવને યોગ્ય ગણવામાં આવે છે. આપણી પાસેથી આશા રાખવામાં આવે છે કે ખાણી-પીણી, પહેરવેશ, ભાષા અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના મામલે કેટલાક લોકોની મનમાની આપણે સાંખી લઈએ. વર્તમાન સરકાર અસહમતિનું સન્માન કરવા તૈયાર નથી. જ્યારે પોતાની આસ્થા પર અડગ રહેલા લોકો પર હુમલા થાય છે ત્યારે સરકાર શું કરે છે. સરકાર પોતાનું મોઢું ફેરવી લે છે. કાયદાનું શાસન લાગુ કરવા માટેની પોતાની પ્રાથમિક ફરજને પૂરી કરવા સરકાર તૈયાર નથી.’ 

સોનિયાએ મોદી સરકાર પર ઉદ્યોગપતિઓ માટે નીતિઓ તૈયાર કરવાનો આક્ષેપ કરતા જણાવ્યું કે, ‘વર્તમાન સરકાર નાગરિકોનું જીવન વધુ ઉન્નત બનાવવાની શક્યતાઓ છીનવી રહી છે. એવી નીતિઓ ઘડે છે જેનાથી તેમના માનીતા ઉદ્યોગપતિઓ અને મોટા વેપારીઓને લાભ થાય છે. આપણે સંપૂર્ણ તાકાત સાથે આ બાબતનો વિરોધ કરવો પડશે.’

‘ભારતને અત્યારે એવી સરકારની જરૂર છે જે તમામ નાગરિકો પ્રત્યે ઉત્તરદાયી હોય,  જે પોતાના સંકલ્પો પ્રત્યે ગંભીર અને કામકાજમાં નિષ્પક્ષ હોય. બંધારણમાં જે માળખાકીય સ્વતંત્રતાની ગેરેંટી છે તેને પુન: સ્થાપિત કરવી પડશે. તમામ વ્યક્તિની ગરિમાને સુનિશ્ચિત કરવી છે,’ તેમ સોનિયા ગાંધીએ કોંગ્રેસના કાર્યક્રમમાં જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here