‘પહેલી વાર અમને વર્લ્ડ ક્રિકેટમાં આટલો મોટો ચાન્સ મળ્યો છે. બધા પ્લેયરોને આ ચાન્સ ઘણો કામ લાગશે. અને વર્લ્ડકપમાં ક્વોલિફાય થવું એ જ અત્યારે અમારો ગોલ છે.’
‘ઈન્ડિયા તરફથી જો તક મળે તો કોને ન રમવું હોય! અરે, IPLમાં રમવાનો તો મારો ગોલ છે. હું દર વર્ષે
.
વાંચીને ખ્યાલ તો આવી જ ગયો હશે કે વાત ચાલે છે કોઈ ક્રિકેટર સાથે. જી હા, વાત થઇ રહી છે, USAની નવીનક્કોર ટીમના ટી-20 વર્લ્ડકપના કેપ્ટન અને પ્લેયર સાથે. જેઓ બંને મૂળ ગુજરાતના છે અને હવે USAને વર્લ્ડકપ જિતાડવા અમેરિકાની ટીમમાંથી રમી રહ્યા છે, જેમાં ‘કેપ્ટન અમેરિકા’ મોનાંક પટેલ તો ગુજરાતની ટીમ તરફથી ડોમેસ્ટિક ક્રિકેટમાં અંડર-23 સુધી રમ્યા છે અને જ્યારે બીજા ગુજરાતી નિસર્ગ પટેલ દસમા ધોરણ પછી જ USA શિફ્ટ થઈ ગયા હતા અને તેઓ તો વચ્ચે થોડાં વર્ષો UKમાં પણ ક્રિકેટ રમી ચૂક્યા છે. ગણતરીના દિવસોમાં જ વર્લ્ડકપ શરૂ થવા જઈ રહ્યો છે અને એ પણ અમેરિકામાં. T-20 વર્લ્ડકપ અમેરિકા અને વેસ્ટ ઈન્ડીઝની સંયુક્ત યજમાનીમાં થવા જઈ રહ્યો છે. બંને પ્લેયરો વિશે જાણવા અને USAના ક્રિકેટ વિશે વધુ ઊંડાણથી જાણવા ‘દિવ્ય ભાસ્કર’ એપે આપણાં ગુજરાતીઓ અને USA ટીમને વર્લ્ડકપ જિતાડવા મેદાને ઊતરેલા યોદ્ધાઓ સાથે વાત કરી. તો ચાલો તૈયાર છો ને?, તો કરીએ બંને પ્લેયરો સાથે ઇનિંગ્સની શરૂઆત….
ગુજરાતની ટીમમાં રમવાથી લઈ USAની ટીમના કેપ્ટન સુધીની સફર
મોનાંકભાઈ, એક ગુજરાતી તરીકે USA જઈને ત્યાંની નેશનલ ટીમમાંથી રમવાનો મોકો કેવી રીતે મળ્યો? મોનાંકે માંડીને વાતની શરૂઆત કરી, ‘હું 12 વર્ષનો હતો ત્યારથી ક્રિકેટ રમવાની શરૂઆત કરી દીધી હતી. 1 વર્ષમાં જ અંડર-13 ટીમમાં મારું નામ આવી ગયું હતું. એ પછી મેં ક્રિકેટને જ કરિયર બનાવવાનું વિચાર્યું. પછી તો અંડર-15માં ગુજરાત સ્ટેટની ટીમમાંથી 2 વર્ષ રમ્યો. અંડર-17 પણ રમ્યો અને પછી અંડર-23માં 1 વર્ષ જ ગુજરાતની ટીમમાંથી રમ્યો અને પછી 2015માં USA શિફ્ટ થઈ ગયો. અહી USA આવી શરૂઆતમાં 3 વર્ષ હું ક્લબ ક્રિકેટ રમ્યો. USA ટીમમાં રમવા માટે પણ ઘણી બધી પ્રોસેસ છે. ક્લબ ક્રિકેટ રમવા છતાં કેટલી વાર સિલેક્શન માટે જવું પડતું અને એ પછી છેક 2018માં હું નેશનલ ટીમ માટે એલિજિબલ થયો અને મારું સિલેક્શન થયું. સિલેક્શન થયું એના થોડા સમયમાં જ ICC ગ્લોબલ ક્વોલિફાય ટુર્નામેન્ટ હતી. ત્યાંથી જ મારું ડેબ્યૂ થયું અને એ ટુર્નામેન્ટમાં મારો હાઈએસ્ટ સ્કોર હતો. એ પછી તો ઘણી ટુર્નામેન્ટ રમ્યો, ટીમ ઘણી આગળ આવી અને 2021માં મારું નામ કેપ્ટન તરીકે સિલેક્ટ થયું. ત્યારથી હું USAની કેપ્ટનશિપ કરું છું.’
‘અમેરિકા અવરજવરને કારણે ગુજરાતની ટીમમાંથી ડ્રોપ થયો’
તો અચાનકથી USA જવાનું કેમ થયું? એજ્યુકેશન માટે? મોનાંક એ વિશે વાત કરતાં કહે, ‘મેં BBA અહીં આણંદની કોલેજથી જ કર્યું હતું. પણ પછી ક્રિકેટને જ કરિયર બનાવવું હતું એટલે કશી જોબ ન કરી. મારા પપ્પાને ગુજરાતમાં જ તમાકુની ફેક્ટરી છે. 2010થી જ મારી પાસે ગ્રીન કાર્ડ તો હતું, કેમ કે મારું મોટા ભાગનું ફેમિલી અહીં અમેરિકા જ છે. તો ગ્રીનકાર્ડ આવ્યું ત્યારથી આવનજાવન તો શરૂ જ હતી. તો એ કારણે અંડર-23 એકવાર રમ્યા પછી મારે અમેરિકા જવાના કારણે થોડો ગેપ પડ્યો તો મારું સિલેક્શન ન થયું. એટલે મારે ડિસિઝન લેવાનું હતું કે શું કરવું મારે, ઈન્ડિયામાં રહેવું કે USAમાં… એટલે પછી મેં નક્કી કરી લીધું કે હવે USA તરફથી જ રમીશ.’
ભારત-અમેરિકા-UK ત્રણેય દેશમાં ભણ્યો અને રમ્યો
આ તો થઈ કેપ્ટન અમેરિકાની વાત, હવે વાત કરીએ USAની ટીમમાં મોનાંકની પણ પહેલાંથી રમતા નિસર્ગ પટેલ સાથે… નિસર્ગ પણ મૂળ ગુજરાતી છે અને અમદાવાદના જ છે. નિસર્ગે વાતની શરૂઆત કરી, ‘ધોરણ 10 સુધી હું વલસાડ ગુરુકુલ બોર્ડિંગમાં ભણ્યો છું અને એ પછી 2003માં અમેરિકા શિફ્ટ થયો અને 11-12 અમેરિકામાં રહીને કર્યું, ત્યારથી જ મારી પાસે USAનું ગ્રીનકાર્ડ હતું. એ સમયે અહીં USA તરફથી હું અંડર-19 વર્લ્ડકપ પણ રમ્યો પણ પછી મારા પેરેન્ટ્સ UK હતા એટલે કોલેજ કરવા હું UK ગયો. UKમાં 8-9 વર્ષ રહ્યો અને ત્યાં પણ ક્રિકેટ શરૂ હતું. ત્યાં UKમાં હું સેમી-પ્રોફેશનલ સુધી ક્રિકેટ રમ્યો, પણ મને USA તરફથી રમવાની ઈચ્છા હતી એટલે ફરી USA શિફ્ટ થયો અને 2014થી અહીં નેશનલ ક્રિકેટ ટીમમાં રમું છું.’
ક્રિકેટની સાથે મેડિકલ રિસર્ચ ઓફિસર જોબ પણ ચાલુ
USA શિફ્ટ થવાનું કારણ શું? નિસર્ગ કહે, ‘મારા પપ્પાને UKમાં ગાર્મેન્ટનો બિઝનેસ છે અને મારું મોટા ભાગનું ફેમિલી અહીં USAમાં રહે છે. મારે પહેલાંથી જ USAમાં રહેવું હતું એટલે ઈન્ડિયાથી હું અહીં USA જ શિફ્ટ થયો હતો, પણ પપ્પાનો UKમાં બિઝનેસ છે એટલે વચ્ચે કોલેજ માટે અને સાથે રહેવા 8-9 વર્ષ ત્યાં UK ગયો હતો. ત્યાંથી મેં ફાર્માસ્યુટિકલની ડિગ્રી મેળવી, મારા પેરેન્ટ્સ અત્યારે પણ UK છે અને હું USAમાં છું. અત્યારે પણ ક્રિકેટની સાથે મારી જોબ પણ ચાલુ છે અને એ પણ ફુલ ટાઈમ. વર્ષોથી અહીંની ફાર્માસ્યુટિકલ રિસર્ચ કંપનીમાં ‘મેડિકલ રિસર્ચ ઓફિસર’ તરીકે કામ કરું છું.’
યજમાન દેશ પાસે હાલમાં ફક્ત 2 જ સ્ટેડિયમ, 1 બને છે
અમેરિકામાં આ વખતે ક્રિકેટ વર્લ્ડકપ રમવાનો છે, પણ યજમાન દેશમાં હાલમાં ક્રિકેટની કેપેસિટી કેટલી? એ વિશે જણાવતાં USA ટીમના કેપ્ટન કહે, ‘જો અમેરિકામાં મેઇન સ્ટેડિયમની વાત કરવામાં આવે તો અત્યારે મુખ્ય 2 સ્ટેડિયમ જ છે. ફ્લોરિડામાં અને ડલ્લાસમાં, બાકી ન્યૂ યોર્કમાં અત્યારે એક સ્ટેડિયમ બની રહ્યું છે. જો ઓડિયન્સની વાત કરવામાં આવે તો એ ડીપેન્ડ છે કે કયા ગ્રાઉન્ડમાં મેચ છે. ડલ્લાસમાં મેચ હોય તો 7-9 હજાર જેટલું ઓડિયન્સ હોય, જો નોર્થ કેરોલિનાના મોરિસવિલમાં મેચ હોય તો 1000-1500 જેટલું ઓડિયન્સ આવે. આટલી નોર્મલ કેપેસિટી છે, એ સિવાય બીજાં સ્ટેન્ડ જોડીને કેપેસિટી વધારવામાં આવે છે. હાલમાં ન્યૂ યોર્કમાં જે સ્ટેડિયમ બની રહ્યું છે, એની કેપેસિટી 35 હજારની છે. પહેલાં તો આટલાં સ્ટેડિયમ પણ નહોતાં, છેલ્લાં 2 વર્ષમાં 3 સ્ટેડિયમ બન્યાં, પણ હવે ધીમે ધીમે ક્રિકેટનો ક્રેઝ વધતો જાય છે એમ પબ્લિક પણ આવતી જાય છે. ’
‘અમેરિકામાં ક્રિકેટનો ક્રેઝ વધારવા માટેનો એક જ રસ્તો છે’
અમેરિકામાં બીજા દેશો જેટલો ક્રિકેટનો ક્રેઝ નથી એની પાછળનું કારણ શું? એ વિશે વાત કરતાં કેપ્ટન મોનાંક કહે, ‘કેમ કે અહીં સ્કૂલ લેવલથી ક્રિકેટ એટલી રમવામાં જ નથી આવતી. હા, આપણા એશિયન અને કેરેબિયન લોકો છે એ બધા ક્રિકેટ રમતા હોય છે, પણ અહીં અમેરિકાના લોકલ પ્લેયરો એટલું નથી રમતા. કોલેજ અને યુનિવર્સિટીમાં ક્રિકેટ રમાય છે, પણ સ્કૂલ લેવલે હજુ એટલો ક્રેઝ નથી. મેઇન તો એ કારણે ક્રિકેટ ક્રેઝ નથી. નાનપણથી રમશે તો જ રસ પડશે ને.’ નિસર્ગનો પણ એ વાત પર સરખો જ ઓપિનિયન છે કે ‘ક્રાઉડને લાવવા માટે પહેલા આ લોકોએ બાળકોને ક્રિકેટ તરફ ખેંચવાં પડશે. બીજું એ પણ છે કે અમેરિકન કિડ્સને સમજાવવાં પડશે કે ક્રિકેટમાં પણ પૈસા છે અને કરિયર છે. જો ઈન્ડિયાની વાત કરીએ તો બાળકોને નાનપણથી જ ક્રિકેટનો ચસકો હોય, કેમ કે એમાં સારું કરિયર છે અને સારા પૈસા મળે છે. અહીં અમેરિકામાં પણ એ બતાવવું પડશે, નહિતર તો અમારી જેમ બહારથી આવેલા લોકો જ ક્રિકેટ રમતા રહેશે.’
‘એક ક્રિકેટર તરીકે અહીં ઈન્ડિયા જેટલો ફેનબેઝ ન મળે’
અહીં ઈન્ડિયામાં ક્રિકેટરનો ફેનબેઝ બહુ જ વધારે છે, કેમ કે ક્રિકેટના ફેન્સ એટલા વધુ છે. પણ અમેરિકામાં ક્રિકેટરના એટલા ફેન્સ નથી, તો ત્યાં ફેનબેઝની કમી વર્તાય છે આપણાં ગુજરાતીઓને? મોનાંક કહે, ‘એટલું બધું નહિ. છેલ્લાં થોડાં વર્ષોથી અમને બધા દેશો સામે રમવાનો ચાન્સ મળતો થયો છે એમ પૂરી દુનિયા અમને ઓળખતી થઈ છે, એટલે એટલું બધું પણ મિસ નથી થતું.’ જ્યારે નિસર્ગનો રસ થોડો અલગ છે, તે કહે, ‘મારી પોતાની વાત કરું તો મને ખુદને સ્ટારડમમાં એટલો પર્સનલ ઇન્ટરેસ્ટ નથી. જો ઈન્ડિયાની સાથે સરખામણી કરો તો અહીં 100% ઓછું જ છે. કેમ કે ઈન્ડિયામાં ક્રિકેટ એક આખો ધર્મ છે. લોકો ક્રિકેટરોને ભગવાન માને છે. અહીં અમેરિકામાં એટલો બધો ક્રેઝ નથી. એટલે ફેન્સ પણ ઓછા હોય.’
‘ટીમમાં અંદરોઅંદર પણ લેંગ્વેજ બેરિયર નડે’
USAની ટીમમાં આ રીતે બધા અલગ અલગ દેશના પ્લેયરો મળીને રમતા હોય તો બધા વચ્ચે ઇન્ટર્નલ કોમ્યુનિકેશન બની રહે છે? એ વિશે અંદરની વાત કરતાં મોનાંક કહે, ‘હું છેલ્લાં 6 વર્ષથી અહીં ક્રિકેટ રમું છું. એવી રીતે અમે બધાં વર્ષોથી સાથે સાથે ક્રિકેટ રમીએ છીએ. કોઈક જ પ્લેયર એવા હશે કે જે બદલાતા હોય, બાકી મોટા ભાગની ટીમ એઝ ઈટ ઈઝ જ રહે છે. તો અમારે અંદરોઅંદર એટલી ફ્રેન્ડશિપ બની ચૂકી હોય કેમ કે ગ્રાઉન્ડ પર સાથે જ હોઈએ. પણ લેંગ્વેજ બેરિયર થોડું નડે, અમારે બધાએ ઇંગ્લિશમાં જ વાત કરવી પડે. એ એક જ કોમન લેંગ્વેજ રહે. પણ બોલી થોડી અલગ પડે, એમાં અમે બધા એકબીજાના એક્સેન્ટમાં બોલીને અંદરોઅંદર મસ્તી પણ કરતાં હોઈએ.’ નિસર્ગ એમાં ઉમેરતાં કહે, ‘બધા અલગ અલગ દેશના છે એટલે બધા પોતપોતાની વાતો અને કલ્ચર લઈને આવતા હોય એની પણ મજા છે.’
જો કોઈ ગુજરાતીએ USAની ટીમ તરફથી ક્રિકેટ રમવું હોય તો…
જો કોઈ ઇન્ડિયનને ત્યાં આવી USAની ટીમ તરફથી રમવું હોય તો શું પ્રોસેસ થાય? નિસર્ગ પટેલ પોતાના અનુભવ પરથી કહે, ‘જો તમે નક્કી કરી લો તો કોઈ પણ રીતે તમારે પહેલાં USA શિફ્ટ થવું પડે, પછી એ તમે કોઈ પણ વિઝાથી આવો. એજ્યુકેશન માટે, મેરેજ કરી, વર્ક માટે કે રિલેટિવ પાસે કે કોઈ પણ રીતે પહેલાં અહીંના વિઝા મેળવી લો અને પછી બધી પ્રોસેસ શરૂ થાય.’ મોનાંક ઉમેરતાં કહે, ‘અહીં USA આવીને ડાયરેક્ટ તો ક્રિકેટ નહીં રમી શકે, પણ એ માટે તમારે પહેલાં અહીં 3 વર્ષ સુધી રહેવું પડશે, અને નાની મોટી ટુર્નામેન્ટ રમવી પડશે. અને એ પછી દરેક સિલેક્શન પ્રોસેસમાંથી પસાર થયા બાદ તમે નેશનલ ક્રિકેટ ટીમ માટે સિલેક્ટ થઈ શકો છો.’
‘વર્લ્ડકપથી લોકલ પબ્લિક એટ્રેક્ટ થાય તો સારું’
ક્રિકેટ ડેવલપમેન્ટ માટે છેલ્લાં વર્ષોથી ત્યાં USAમાં શું બદલાવ થઈ રહ્યો છે? મોનાંક કહે, ‘છેલ્લાં 2 વર્ષથી ડોમેસ્ટિક ક્રિકેટ શરૂ થયું છે એ સારું છે. લોકલ ટુર્નામેન્ટ પણ રમાઈ છે. જેમાં બહારના દેશના લોકો પોતાની રીતે પ્રાઈવેટલી પોતાની ટીમ લઈને આવે અને અહીં ટુર્નામેન્ટ રમાય.’ નિસર્ગે ઉમેર્યું કે, ‘છેલ્લા થોડા સમયથી ઘણી ટુર્નામેન્ટ વધારે રમાતી થઈ છે. જો ડેવલપમેન્ટની વાત કરીએ તો એટલું બધું પણ ડેવલપ નથી થયું કે તમે ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા કે ઈન્ડિયા સાથે કમ્પેર કરી શકો. પણ ધીમે ધીમે ક્રિકેટનો ક્રેઝ વધી રહ્યો છે. અને વર્લ્ડકપ આ બાબતે ઘણું કામ આપશે. જેથી લોકલ પબ્લિકને પણ એટ્રેક્ટ કરી શકે.’
‘અત્યારે તો ક્વોલિફાય થવાનો જ ગોલ છે’
વર્લ્ડકપ માટે USAની ટીમ તરફથી તમે શું ટાર્ગેટ બનાવ્યો છે? USA કેપ્ટન ઉપર ઉપરથી વાત કરતાં બોલ્યા, ‘ક્વોલિફાય થવા માટે અમારે ગ્રુપ સ્ટેજમાં 3 મેચ જીતવી પડશે, એટલે અત્યારે તો અમારો ટાર્ગેટ 1-1 મેચ પર ફોકસ કરવાનો છે. સ્ટેપ બાય સ્ટેપ સ્ટ્રેટેજી બનાવીશું.’ સામેની બાજુ નિસર્ગ પટેલ પણ એક પરફેક્ટ ટીમમેનની જેમ સાથ આપવા તૈયાર થઈ કહે, ‘પહેલી વાર અમને વર્લ્ડ ક્રિકેટમાં આટલો મોટો ચાન્સ મળ્યો છે. બધા પ્લેયરોને આ ચાન્સ ઘણો કામ લાગશે. અને વર્લ્ડકપમાં ક્વોલિફાય થવું એ જ અત્યારે અમારો ગોલ છે.’
‘હાલની ઇન્ડિયન ટીમના આ પ્લેયરો જ અમારા આઇડલ છે’
વર્લ્ડકપમાં ઈન્ડિયા અને USA બંને એક જ ગ્રૂપમાં છે તો ઈન્ડિયા સામે રમતી વખતે તમારી શું ફીલિંગ હશે? કેપ્ટન સાહેબ કહે, ‘નાનપણથી જેને જોઈને અમે રમતા આવીએ છીએ, જેમને જોઈને અમે રમતા શીખ્યા છીએ, એમાં પણ વિરાટ કોહલીથી તો હું ખુદ ઇન્સ્પાયર છું. એ લોકોની સામે રમીશું તો અંદરથી અલગ જ ફીલિંગ હશે. અને લાઈફમાં પહેલીવાર આવો ચાન્સ મળવાનો છે, તો અમારું બેસ્ટ પર્ફોર્મન્સ આપવાની ટ્રાય કરીશું. ઓડિયન્સ માટે ગેમ બોરિંગ ન થાય એટલે વન સાઈડેડ મેચ ન થાય એની કોમ્પિટિશન વધે એ જ અમારો ગોલ હશે.’ જ્યારે નિસર્ગ પટેલ ધોનીને પોતાનો આઇડલ માનીને ચાલે છે. તેનું કહેવું છે કે ‘પૂરી દુનિયામાં મારા માટે તો સૌથી બેસ્ટ પ્લેયર MS ધોની જ છે.’
‘જો ચાન્સ મળે તો IPLમાં રમવાનું તો મારું સપનું છે’
ઇન ફ્યુચર ઈન્ડિયા તરફથી રમવા મળે તો તમારું શું ડિસિઝન હશે? મોનાંક ખુશીથી બોલી ઊઠ્યો, ‘ઈન્ડિયા તરફથી જો ચાન્સ મળે તો કોને ન રમવું હોય! અરે, IPLમાં રમવાનો તો મારો ગોલ છે. હું દર વર્ષે ઓક્શનમાં મારું નામ પણ મૂકું છું,’ પણ નિસર્ગનું એનાથી બિલકુલ ઊલટું માનવું છે. નિસર્ગ કહે, ‘મને પર્સનલી IPLમાં રમવાની કોઈ ઈચ્છા નથી. કેમ કે મારી જોબ પણ ચાલે છે અહીં, તો આવવું થોડું અઘરું છે. છતાં મોકો મળે તો ચોક્કસ વિચારીશ. પણ એસોસિયેટ કન્ટ્રીના પ્લેયરોને IPLમાં ચાન્સ પણ નથી મળતો.’
બારે માસ નહીં, જ્યારે મેચ હોય ત્યારે જ ટ્રેનિંગ મળે
અહીં ગુજરાત અને ઈન્ડિયાની ટ્રેનિંગ અને USAની ટ્રેનિંગમાં કેટલો ફરક પડે? એ ઉપર નિસર્ગ કહે, ‘ટ્રેનિંગમાં તો ઘણો ફરક પડે. ત્યાં ઈન્ડિયામાં તમે રમતા હોય તો તમને પ્રેક્ટિસ માટે ઘણા પ્લેયરો મળી રહે, શેરીએ શેરીએ ગ્રાઉન્ડ મળી રહે. એટલા કોચ મળી રહે. જેની સામે અહીં હજુ ક્રિકેટનો એટલો ગ્રોથ નથી થયો, એટલે અહી એ બધી ફેસિલિટીમાં 100% ફરક પડે. ઘણી વાર તો 40-50 મિનિટ ડ્રાઈવ કરીને પ્રેક્ટિસ માટે જવું પડે.’ જ્યારે મોનાંક એ વિશે ખુલાસો કરતાં કહે, ‘બહુ લાંબો ડિફરન્સ ન હોય. પણ અમને અહીં ટુર્નામેન્ટ કે ક્રિકેટ ટુર પહેલાં જ ટ્રેનિંગ મળે. ઈન્ડિયામાં જેમ 12 મહિના મળે એ રીતે અહીં ન મળે. બધા પ્લેયરો પણ ખાલી મેચમાં જ મળે. બંને દેશો વચ્ચે ઘણો ફરક પડે. અહીં અમેરિકામાં એટલા બધા ટ્રેનિંગ ઝોન પણ નથી. વર્ષે ICCના કેલેન્ડર પ્રમાણે 12 વન ડે અને 15 T-20 ફિક્સ હોય, એ સિવાય થોડીઘણી બીજા દેશો સાથે રમાતી હોય એ અલગ.’
‘વર્લ્ડકપ છે એટલે થોડું તો પ્રેશર રહેવાનું જ’
ત્યાં અમેરિકામાં ઓડિયન્સ થોડું ઓછું હોય છે, અને વર્લ્ડકપમાં થોડું વધારે પબ્લિક હશે તો થોડું પ્રેશર રહેશે? મોનાંક કહે, ‘આમ ઓડિયન્સનું પ્રેશર તો નહીં રહે, પણ વર્લ્ડકપ છે એટલે થોડું તો પ્રેશર રહેવાનું જ. ઓડિયન્સની કમી USAમાં હોય છે, પણ આઉટસાઇડ મેચ રમવા જઈએ ત્યાં તો ઓડિયન્સથી ખીચોખીચ સ્ટેડિયમમાં જ રમીએ છીએ.’ નિસર્ગનું પણ એ જ કહેવું છે કે, ‘વર્લ્ડકપનું થોડું પ્રેશર હશે, જે દરેક ટીમને હોય જ. પણ સામેવાળી ટીમની તાકાતનું કોઈ પ્રેશર ન આવે એનું પૂરતું ધ્યાન ન રાખે. અને અમારું બેસ્ટ પર્ફોર્મન્સ આપવાનું ધ્યાન રાખીશું.’