સ્પોર્ટ્સ ડેસ્ક24 મિનિટ પેહલા
- કૉપી લિંક
હોકી ઈન્ડિયાએ બુધવારે પેરિસ ઓલિમ્પિક માટે 16 સભ્યોની ભારતીય મેન્સ હોકી ટીમની જાહેરાત કરી હતી. ટીમની કમાન હરમનપ્રીત સિંહને સોંપવામાં આવી છે જ્યારે મિડફિલ્ડર હાર્દિક સિંહને ટીમનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
હરમનપ્રીતના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા 26 જુલાઈથી 11 ઑગસ્ટ સુધી યોજાનારી પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લેશે. હરમનપ્રીતની આ ત્રીજી ઓલિમ્પિક હશે. અનુભવી ખેલાડીઓની સાથે 5 યુવા ખેલાડીઓને પણ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે, જેઓ ઓલિમ્પિકમાં ડેબ્યૂ કરશે.
પૂલ-Bમાં ભારતનો મુકાબલો 27 જુલાઈએ ન્યૂઝીલેન્ડ સામે થશે
ભારતીય મેન્સ હોકી ટીમ 27 જુલાઈએ ન્યૂઝીલેન્ડ સામે તેના અભિયાનની શરૂઆત કરશે. ભારતને પૂલ-Bમાં મૂકવામાં આવ્યું છે. ભારતીય ટીમને ટુર્નામેન્ટના પૂલ-Bમાં રાખવામાં આવી છે. ટીમ ઈન્ડિયા બેલ્જિયમ, આર્જેન્ટિના, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને આયર્લેન્ડની સાથે પૂલ-Bમાં છે. જ્યારે પૂલ-Aમાં નેધરલેન્ડ્સ, સ્પેન, જર્મની, ફ્રાન્સ, ગ્રેટ બ્રિટન અને સાઉથ આફ્રિકાનો સમાવેશ થાય છે.
ટીમ ગ્રૂપ સ્ટેજમાં એક વખત એકબીજા સામે ટકરાશે. દરેક પૂલમાંથી ટૉપ-4 ટીમ ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કરશે. પેરિસ-2024 ઓલિમ્પિક હોકી મેડલ રાઉન્ડની મેચ 8 ઑગસ્ટના રોજ નક્કી કરવામાં આવી છે.
41 વર્ષ બાદ ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ જીતનાર 10 ખેલાડીઓ
ભારતીય હોકી ટીમે શાનદાર પ્રદર્શન કર્યું અને ટોક્યો ઓલિમ્પિક 2020માં જર્મનીને 5-4ના માર્જીનથી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો. આ મેચ જીતીને ભારતે 41 વર્ષ બાદ ઓલિમ્પિકમાં હોકી મેડલ જીત્યો હતો. આ પહેલાં ભારતે 1980 મોસ્કો ઓલિમ્પિકમાં વાસુદેવન ભાસ્કરની કેપ્ટનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. પેરિસ ઓલિમ્પિક 2024ની ટીમમાં 10 એવા ખેલાડીઓ છે જેમણે ભારત માટે બ્રોન્ઝ જીત્યો હતો. જેમાં શ્રીજેશ, હરમનપ્રીત સિંહ, અમિત રોહિતદાસ, મનપ્રીત સિંહ જેવા મોટા નામ સામેલ છે.
ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ જીતનાર ટીમ.
શ્રીજેશ અને મનપ્રીતની ચોથી ઓલિમ્પિક
ટીમમાં અનુભવી ગોલકીપર પીઆર શ્રીજેશ અને મિડફિલ્ડર મનપ્રીત સિંહનો પણ સમાવેશ થાય છે, જેઓ બંને તેમની ચોથી ઓલિમ્પિક રમશે. ડિફેન્સ લાઇનમાં હરમનપ્રીત સિંહ, જર્મનપ્રીત સિંહ, અમિત રોહિદાસ, સુમિત અને સંજયનો સમાવેશ થાય છે જ્યારે મિડફિલ્ડમાં રાજ કુમાર પાલ, શમશેર સિંહ, મનપ્રીત સિંહ, હાર્દિક સિંહ અને વિવેક સાગર પ્રસાદનું યોગદાન જોવા મળશે. ફોરવર્ડ લાઇનમાં અભિષેક, સુખજીત સિંહ, લલિત કુમાર ઉપાધ્યાય, મનદીપ સિંહ અને ગુરજંત સિંહ જેવા ઉત્તમ ખેલાડીઓ છે.
પીઆર શ્રીજેશની કારકિર્દીમાં આ ચોથી ઓલિમ્પિક છે.
5 ખેલાડીઓ ઓલિમ્પિકમાં ડેબ્યૂ કરશે
આ સિવાય ગોલકીપર કૃષ્ણ બહાદુર પાઠક, મિડફિલ્ડર નીલકાંત શર્મા અને ડિફેન્ડર જુગરાજ સિંહને રિઝર્વ પ્લેયર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. રસપ્રદ વાત એ છે કે, જર્મનપ્રીત સિંહ, સંજય, રાજ કુમાર પાલ, અભિષેક અને સુખજીત સિંહ એવા પાંચ ખેલાડીઓ છે જેઓ પેરિસમાં ઓલિમ્પિકમાં ડેબ્યૂ કરવા માટે તૈયાર છે.
જરમનપ્રીત સિંહ સહિત 4 ખેલાડીઓ ઓલિમ્પિકમાં ડેબ્યૂ કરશે.
પેરિસ ઓલિમ્પિક 2024 માટે ભારતીય મેન્સ હોકી ટીમ
ગોલકીપર- પી.આર. શ્રીજેશ.
ડિફેન્ડર્સ- જરમનપ્રીત સિંહ, અમિત રોહિદાસ, હરમનપ્રીત સિંહ, સુમિત, સંજય.
મિડફિલ્ડર- રાજકુમાર પાલ, શમશેર સિંહ, મનપ્રીત સિંહ, હાર્દિક સિંહ, વિવેક સાગર પ્રસાદ.
ફોરવર્ડ- અભિષેક, સુખજીત સિંહ, લલિત કુમાર ઉપાધ્યાય, મનદીપ સિંહ, ગુરજંત સિંહ.
અનામત ખેલાડીઓ – નીલકાંત શર્મા, જુગરાજ સિંહ, કૃષ્ણ બહાદુર પાઠક.