હેમિલ્ટન8 કલાક પેહલા
- કૉપી લિંક
ન્યૂઝીલેન્ડે બીજી વન-ડેમાં શ્રીલંકાને 113 રનથી હરાવ્યું હતું. હેમિલ્ટનના સેડન પાર્ક સ્ટેડિયમમાં બુધવારે પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે 255 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકા 142 રન જ બનાવી શકી હતી. આ પરિણામની સાથે જ ન્યૂઝીલેન્ડે 3 મેચની સીરીઝમાં 2-0થી લીડ મેળવી લીધી છે.
વરસાદના કારણે મેચ 37-37 ઓવરની કરવામાં આવી હતી. શ્રીલંકા તરફથી સ્પિનર મહિષ થિક્સાનાએ હેટ્રિક લીધી, તેમ છતાં ટીમ જીતી શકી નહીં. ન્યૂઝીલેન્ડ તરફથી ફિફ્ટી ફટકારનાર રચિન રવીન્દ્ર પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. ત્રીજી વન-ડે 11 જાન્યુઆરીએ ઓકલેન્ડમાં રમાશે.
રચિન-ચેપમેનની ફિફ્ટી ન્યૂઝીલેન્ડે ટૉસ હારીને પ્રથમ બેટિંગ કરી હતી. વિલ યંગ માત્ર 16 રન બનાવીને આઉટ થયો હતો. તેના પછી રચિન રવિન્દ્ર અને માર્ક ચેપમેને સદીની ભાગીદારી કરી અને ટીમનો સ્કોર 150ની નજીક પહોંચાડ્યો. રચિન 79 રન બનાવીને આઉટ થયો હતો અને ચેપમેન 62 રન બનાવીને આઉટ થયો હતો. વિકેટકીપર ટોમ લાથમ માત્ર 1 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.
ત્યારબાદ ડેરીલ મિચેલે ગ્લેન ફિલિપ્સ અને સુકાની મિચેલ સેન્ટનર સાથે મળીને ઇનિંગ સંભાળી હતી. ફિલિપ્સ 22 રન અને સેન્ટનર 20 રન બનાવીને આઉટ થયા હતા. મિચેલે માત્ર 38 રન બનાવ્યા, પરંતુ ટીમના સ્કોરને 250થી આગળ લઈ ગયા. ટીમે 37 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 255 રન બનાવ્યા હતા.
રચિન રવીન્દ્ર અને માર્ક ચેપમેને બીજી વિકેટ માટે 112 રનની ભાગીદારી કરી હતી.
થિક્સાના હેટ્રિક લેનારો સાતમો શ્રીલંકન થિક્સાના વન-ડે ઈન્ટરનેશનલમાં હેટ્રિક લેનારો શ્રીલંકાનો સાતમો બોલર બન્યો. મહિષે કેપ્ટન મિચેલ સેન્ટનર, નાથન સ્મિથ અને મેટ હેનરીને સતત બોલ પર આઉટ કરીને પોતાની હેટ્રિક પૂરી કરી હતી. થિક્સાનાએ મેચમાં 4 વિકેટ લીધી હતી. તેના સિવાય વાનિન્દુ હસરાંગાને 2, ઈશાન મલિંગાને 1 વિકેટ અને અસિથા ફર્નાન્ડોને પણ 1 વિકેટ મળી હતી. એક બેટર રનઆઉટ થયો હતો.
મહિષ થિક્સાનાએ વન-ડેમાં તેની પ્રથમ હેટ્રિક લીધી.
શ્રીલંકાની શરૂઆત ખૂબ જ ખરાબ રહી 256 રનના ટાર્ગેટ સામે શ્રીલંકાએ 22 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. પથુમ નિસાંકા 1, અવિષ્કા ફર્નાન્ડો 10, કુસલ મેન્ડિસ 2 અને કેપ્ટન ચરિથ અસલંકાએ 4 રન બનાવીને આઉટ થયા હતા. કામિન્દુ મેન્ડિસે ફરી ઇનિંગ સંભાળી હતી, પરંતુ કોઈ બેટર તેની સાથે ટકી શક્યો નહોતો.
જેનિથ લિયાનાગે 22 રન, ચામિંડા વિક્રમસિંઘે 17, હસરંગા 1, થિક્સાના 6 અને મલિંગા 4 રન બનાવીને આઉટ થયા હતા. મેન્ડિસે 66 બોલમાં 64 રનની ઇનિંગ રમી હતી. ન્યૂઝીલેન્ડ તરફથી વિલિયમ ઓ’રોર્કે 3 અને જેકબ ડફીએ 2 વિકેટ ઝડપી હતી. મેટ હેનરી, નાથન સ્મિથ અને મિચેલ સેન્ટનરને 1-1થી સફળતા મળી હતી.
મોટા ટાર્ગેટ સામે શ્રીલંકાની શરૂઆત ખરાબ રહી હતી.
ન્યૂઝીલેન્ડે પ્રથમ વન-ડે 9 વિકેટે જીતી હતી ન્યૂઝીલેન્ડે વેલિંગ્ટનમાં રમાયેલી પ્રથમ વન-ડે 9 વિકેટે જીતી હતી. વેલિંગ્ટનમાં પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાની ટીમ 178 રન જ બનાવી શકી હતી. ન્યૂઝીલેન્ડે માત્ર 1 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. વિલ યંગે 90 રન બનાવ્યા હતા. 4 વિકેટ લેનાર ન્યુઝીલેન્ડના મેટ હેનરીને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો.