ચીનને પણ સબક શીખવવાનો સમય પાકી ગયો છે

0
133

ચીને ભારતીય હિત અને આંતરરાષ્ટ્રીય જનમતની વિરુદ્ધ જઇને પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહંમદના સૂત્રધાર મસૂદ અઝહરને ચોથી વખત બચાવીને પુરવાર કરી દીધું છે કે ચીન ભારતને નીચું દેખાડવા કેટલી હદે જઇ શકે છે અને આતંકવાદની તરફદારી કરવા કેટલી હદે તૈયાર છે.

સંયુકત રાષ્ટ્રસંઘની સુરક્ષા પરિષદમાં મસૂદ અઝહરનો ચોથી વખત બચાવ કરીને ચીને બતાવી દીધું છે કે તે પોતાના સંકુચિત સ્વાર્થ માટે વિશ્વ વ્યવસ્થાને ખતરામાં મૂકી શકે છે. ચીનનું આ બેજવાબદાર વલણ જોતાં એક વાત સ્પષ્ટ થઇ ગઇ છે કે તે પાકિસ્તાનનો માત્ર ભારત વિરુદ્ધ ઉપયોગ જ કરી રહ્યું નથી, પરંતુ પાકિસ્તાનને ભારત વિરુદ્ધ ભડકાવી રહ્યું છે અને ભડકાવતું રહેશે.

મસૂદ અઝહર વિરુદ્ધ પુરાવા હોવા જોઇએ તેવી ચીનની બેહૂદી માગણી એ ચીનની ચાલબાજી સિવાય કંઇ નથી. જ્યારે સમગ્ર વિશ્વને મસૂદ અઝહર વિરુદ્ધ પુરાવા દેખાઇ રહ્યા છે અને ચીનને ઇરાદાપૂૂર્વક જોવા નથી તે બતાવે છે કે ચીન કેટલી હદે ભારતીય હિતોને નુકસાન પહોંચાડવા માગે છે.

ચીન હવે પ્રતિસ્પર્ધા કરવાને બદલે ભારતના માર્ગમાં રોડા નાખી રહ્યું છે. જે આતંકી સંગઠન સંયુકત રાષ્ટ્ર સંઘ તરફથી પ્રતિબંધિત છે તેના વડા પર પણ પ્રતિબંધ મૂકવો જોઇએ એ સીધી સાદી વાત ચીન સમજવા તૈયાર નથી તે બતાવે છે કે ચીનના ભારત વિરુદ્ધ કેવા ખતરનાક ઇરાદા છે.

મસૂદ અઝહરને ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કરવાની બાબતમાં ચીનની આ અવળચંડાઇ પર સમગ્ર દેશનો આક્રોશ ભડકી ઊઠ્યો છે. સમગ્ર દેશ ચીન વિરુદ્ધ આક્રમક કાર્યવાહી કરવાની માગણી કરી રહ્યું છે. આ દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની આર્થિક શાખા સ્વદેશી જાગરણ મંચે (એજેએમ) પણ મોદી સરકાર સમક્ષ માગણી કરી હતી કે ચીનનો મોસ્ટ ફેવર્ડ નેશન (એમએફએન) દરજ્જો પાછો ખેંચી લેવામાં આવે.

સ્વદેશી જાગરણ મંચના સહ સંયોજક અશ્વિની મહાજને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને ચીનનો ‘મોસ્ટ ફેવર્ડ નેશન’નો દરજ્જો પાછો ખેંચી લેવાની માગણી કરી છે. પત્રમાં અશ્વિની મહાજને આરએસએસના સર્વેને ટાંકીની જણાવ્યું છે કે ચીનથી આયાત થતા માલ સામાન પર ભારતમાં સૌથી ઓછા ટેરિફ લાગે છે.

હવે ચીનને પાઠ ભણાવવા માટે ઇમ્પોર્ટેડ ગૂડસ પર ટેરિફ તાત્કાલીક અસરથી વધારી દેવામાં આવે. મહાજને જણાવ્યું હતું કે ચીનથી ભારતમાં ૭૬ અબજ રૂપિયાનો (અંદાજે પ.ર૭ લાખ લોડર) માલ-સામાન મોકલવામાં આવે છે. જ્યારે ભારતથી ચીનમાં નિકાસ કરવામાં આવતા માલ-સમાનનું પ્રમાણ ઘણું ઓછું છે. તેનાથી ભારતની વ્યાપાર ખાધ વધી જાય છે.

પુલવામાના આતંકી હુમલ બાદ ભારતે પકિસ્તાનનો ‘મોસ્ટ ફેવર્ડ નેશન’નો દરજ્જો પાછો ખેંચી લીધો હતો. હવે ચીનનો પણ ‘મોસ્ટ ફેવર્ડ નેશન’નો દરજ્જો પાછો ખેંચી લેવા દબાણ થઇ રહ્યું છે. અનેક સંગઠનોનું કહેવું છે કે ભારતે ચીન વિરુદ્ધ મોટા આર્થિક પગલાં લેવાં જોઇએ. નિષ્ણાતોનું માનવું છે કે, ભારતે સૌ પ્રથમ ચીનથી આયાત કરતા માલ-સમાન પર મોટા પાયે ટેરિફ વધારી દેવા જોઇએ.

અમેરિકા અને ચીન વચ્ચે પણ ઘણાં સમયથી તણાવ ચાલી રહ્યો છે. અમેરિકા ચીનની એકપક્ષીય વ્યાપાર નીતિનો વિરોધ કરી રહ્યું છે. તેને લઇને અમેરિકાએ ચીનથી આયાતના સમાન પર ટેરિફ ચાર્જ વધારી દીધા છે. જાણકારોનું કહેવું છે કે ચીનને પાઠ ભણાવવા ભારતે પણ અમેરિકાની જેમ ચીનના માલ-સામાન પર ટેરિફ તાત્કાલિક વધારી દેવા જોઇએ.

હવે માત્ર ભારત જ નહીં, પરંતુ અમેરિકા અને સુરક્ષા પરિષદના અન્ય સભ્ય રાષ્ટ્રોએ ચીનને પાઠ ભણાવવાની જરૂર છે. જો ચીનને અહીં રોકવામાં નહીં આવે તો તેના પરિણામો ગંભીર આવી શકે છે તે હવે સમજી જવાની જરૂર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here