સાબરકાંઠાનાં અંતરીયાળ ગામોમાં પાણીનો કકળાટ

0
113

 હિંમતનગર

ઉનાળાની કાળઝાળ ગરમીનો પ્રારંભ થયો છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તારના ગામોમાં પીવાના પાણીના પોકાર શરૂ થઇ છે. તલોદ, ઇડર, પોશીના, વિજયનગર સહિતના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની તંગી વર્તાવા લાગી છે ત્યારે કેટલાક ગામડાઓમાં તો દસ દિવસ સુધી પીવાનું પાણી મળતુ નથી. જેના કારણે ગૃહિણીઓને માથે બેડા મૂકીને પાણી ભરવા માટે ભટકવુ પડે છે.જિલ્લાના ડેમોમાં પાણીના જીવંત જથ્થામાં નોંધપાત્ર ઘટાડો થયો છે ત્યારે ગુહાઇ ડેમમાં દરરોજ ૬૦ કયુસેક પાણી નર્મદા ડેમમાંથી ઠલવાઇ રહ્યુ છે.

 સાબરકાંઠા જિલ્લામાં ગત વર્ષે ઓછો વરસાદ પડતા ઉનાળાની શરૂઆતથી જ પાણીના પોકાર શરૂ થઇ ગયા છે. અપુરતા વરસાદના કારણે તળાવો સૂકા ભઠ્ઠ થઇ ગયા છે, બોરના તળ ઉંડા થઇ ગયા છે તો બીજી તરફ ડેમોમાં પણ પાણીની સપાટીમાં નોંધપાત્ર ઘટાડો થતા તળિયા દેખાવા લાગ્યા છે. સાબરકાંઠા જિલ્લામાં તલોદ, ઇડર, ખેડબ્રહ્મા, પોશીના સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા અંતરિયાળ વિસ્તારોમાં સિંચાઇ અને પીવાના પાણીની વિકટ સમસ્યા ઉભી થવાથી માલધારીઓ પણ પોતાના અબોલ જીવોને બચાવવા માટે ભટકી રહ્યા છે. 

ધરોઇ ડેમમાં પાણીનો જથ્થો ઓછો હોવાથી ધરોઇ જૂથ યોજના મારફતે પીવાનું પાણી સપ્લાય કરવામાં આવે છે. હિંમતનગર તાલુકામાં ગુહાઇ જળાશય યોજના મારફતે પીવાનું પાણી પુરૂ પાડવામાં આવી રહ્યુ છે. ગુહાઇ ડેમમાં પાણીનો જથ્થો ઓછો હોવાથી તંત્ર દ્વારા દરરોજ ૬૦ કયુસેક નર્મદાનું પાણી પાઇપલાઇન મારફતે ઠાલવવામાં આવી રહ્યુ છે. કાળઝાળ ગરમીમાં જળાશય વિસ્તારોમાં પણ પાણીના તળ ઉંડા જતા પાણીના પોકારો શરૂ થઇ ગયા છે ત્યારે આગામી એપ્રિલ અને મે માસના ધોમધખતા ઉનાળામાં હજુ પાણીની ગંભીર કટોકટી સર્જાય તો નવાઇ નહિ, જોકે તંત્ર દ્વારા સબ સલામત હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here