– સાયણ ખાતે રહેતા ભાઈને મળવા સુરત આવેલા ગંજામના બિક્રમા સ્વાઈને હમવતની બિમલ ઉર્ફે શાનો સ્વાઈએ ગાંજો ડીલીવરી કરવા આપ્યો હતો
– જેને ડીલીવરી આપવાની હતી તે ગુડ્ડુને પેમેન્ટ માટે ક્યુઆર કોડ મોકલી બિક્રમા તેના પેમેન્ટની રાહ જોતો ઉભો હતો ત્યારે જ વરાછા પોલીસે ઝડપી લીધો
સુરત, : સુરતના સાયણ ખાતે રહેતા ભાઈને મળવા ઓરિસ્સાના ગંજામથી સુરત આવેલા યુવાનને વરાછા પોલીસે વરાછા અશોકનગર રેલવે ટ્રેક પાસેથી 6.424 કિલોગ્રામ ગાંજા સાથે ઝડપી લીધો હતો.ચાર દિવસ પહેલા સુરત આવેલો યુવાન ગાંજાની ડીલીવરી જેને આપવાની હતી તે ઉડીયા યુવાનને ક્યુઆર કોડ મોકલી તેના પેમેન્ટની રાહ જોતો ઉભો હતો ત્યારે જ વરાછા પોલીસે ઝડપી લીધો હતો.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ લોકરક્ષક લાલજીભાઈ બાબુભાઈને મળેલી બાતમીના આધારે વરાછા પોલીસે ગતસાંજે અશોકનગર રેલવે ટ્રેક પાસે જગન્નાથ મંદિર પાસેથી બિક્રમા ઉર્ફે શીલુ પૃથ્વીબી સીધર સ્વાઈ ( ઉ.વ.25, રહે.ઘર નં.303, શિવાંજલી રેસિડન્સી, જીવનપ્રકાશ હોસ્પિટલ પાસે, સાયણ, તા.ઓલપાડ, જી.સુરત. મૂળ રહે.લાઠીપાડા ગામ, તળાવ પાસે, જી.ગંજામ, ઓરિસ્સા ) ને રૂ.64,240 ની મત્તાના 6 કિલો 424 ગ્રામ ગાંજો સાથે ઝડપી લીધો હતો.પોલીસે તેની પાસેથી મોબાઈલ ફોન, રોકડા રૂ.70, થેલો વિગેરે મળી કુલ રૂ.69,130 નો મુદ્દામાલ કબજે કરી તેની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તેનો ભાઈ વિક્રમા સાયણ ખાતે રહે છે અને તેને મળવા તે ચાર દિવસ અગાઉ વતનથી સુરત આવ્યો હતો.
તે સુરત આવતો હતો ત્યારે હમવતની બિમલ ઉર્ફે શાનો સ્વાઈએ ગાંજાનો જથ્થો ગુડ્ડુને ડીલીવરી આપવા આપ્યો હતો.બિમલે ગુડ્ડુને પેમેન્ટ માટે ક્યુઆર કોડ મોકલી પેમેન્ટ આવ્યા બાદ જ ગાંજાની ડીલીવરી આપવાનું કહ્યું હોય બિક્રમાએ ગુડ્ડુને પેમેન્ટ માટે ક્યુઆર કોડ મોકલ્યો હતો અને તેના પેમેન્ટની રાહ જોતો ઉભો હતો ત્યારે જ વરાછા પોલીસે તેને ઝડપી લીધો હતો.વરાછા પોલીસે આ અંગે ગુનો નોંધી બિક્રમાની ધરપકડ કરી બિમલ અને ગુડ્ડુને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.