સુરતના અમરોલી છાપરાભાઠા રોડ પર એન્ટિલિયા ડ્રીમ રેસીડેન્સીમાં રહેતા શશાંગીયા પરિવારના માતા-પિતા અને પુત્રએ ગઈકાલે મોડી રાત્રે ઝેરી દવા ગટગટાવી સામૂહિક આપઘાત કરી લેતા ભારે ચકચાર મચી હતી. પરિવારના ત્રણ સભ્યોએ સામૂહિક આપઘાત કરી લેતા એક વંશ જ પૂરો થઈ ગયો
.
પરિવારને અગ્નિસંસ્કાર આપી શકે એવું કોઈ જ ન રહ્યું પિતા ભરતભાઈના કોઈ ભાઈ કે બહેન નથી. જ્યારે મૃતક હર્ષના પણ કોઈ ભાઈ કે બહેન નથી. જ્યારે માતા વનિતાબેનના પિયરમાંથી માત્ર એક તેમના મોટા બહેન જ છે. વિધિની કરુણતા તો જુઓ કે આ પરિવારને અગ્નિસંસ્કાર આપી શકે એવું કોઈ પરિવારમાં હાજર ન હતું. જેથી, મૃતક વનિતાબેનના મોટા બહેન અને તેમના પિતરાઈ ભાઈઓ દ્વારા હોસ્પિટલથી ડાયરેક્ટ મૃતદેહને સ્મશાન ખાતે લઈ જવામાં આવ્યો હતો અને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
ટૂંકી સારવાર દરમિયાન મોતને ભેંટ્યા રાત્રે માતા-પિતા અને પુત્ર ત્રણે દવા પીધા બાદ પાડોશીઓને જાણ કરી હતી. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો દ્વારા તમામને તાત્કાલિક 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં ત્રણેયનું ટૂંકી સારવાર દરમિયાન મોતને ભેટ્યા હતા. આર્થિક સંકડામણને કારણે પગલું ભર્યાનું હાલમાં પ્રાથમિક તારણ સામે આવી રહ્યું છે. મૃતકોના ઘરમાંથી પિતાના હાથે લખેલી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે. જેમાં લેણદારો હેરાન કરતા હતા, જેથી આપઘાત કર્યાનો ઉલ્લેખ છે. આ મામલે અમરોલી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
વાંચો અક્ષરશઃ સુસાઇડ નોટ સમે બધા આ દુનિયા છોડીને જઈએ છીએ ને એમા હિતેશભાઈના પપ્પા જેમણે અમારું મકાન રાખયુ તું એમને પૈસા આપવાના હતા. મેં ન આપ્યા તો રાજુભાઈ દલાલે અમારા ઘરે આવીને હિતેશભાઈના પપ્પાએ ધમકી આપી હતી. જો પૈસા નહીં આપો તો ઘરમાં ઘરીને મારશું અને તેના લીધે અમે દવા પીને જિંદગી પૂરી કરી એ છીએ, અમે મરીએ એમાં ફક્ત અને ફક્ત હિતેશભાઈ અને તેના પપ્પાના લીધે અને તારીખ 8-3-2025ના રોજ મકાનને હોમ ફર્સ્ટ દ્વારા સીલ મારી દેવાનું કહેતા રાજુભાઈ તેમજ હિતેશભાઈ જેમણે મકાન લીધું એ લોકો ઘર ખાલી કરી દેવાની ના પાડી. તેથી અમે આ દુનિયા છોડીને જઈએ છીએ અમે બધાના પૈસાના દબાવના કારણે આ દુનિયા છોડીને જઈએ છીએ.

મંદીને કારણે દિવાળી બાદ હીરાનું કામ છોડી દીધું હતું
મળતી માહિતી પ્રમાણે, મૂળ જામનગર જિલ્લામાં આવેલા કાલાવડ તાલુકાના ખારાવેઢા ગામના વતની અને હાલ અમરોલી છાપરાભાઠા રોડ પર આવેલ એન્ટિલિયા ડ્રીમ રેસીડેન્સી સી/2 202 નંબરના મકાનમાં 54 વર્ષીય ભરતભાઈ દિનેશભાઈ શિંશાગીયા 52 વર્ષીય પત્ની વનિતાબેન અને 24 વર્ષીય પુત્ર હર્ષ સાથે રહેતા હતા. શિંશાગીયા પરિવાર આઠ મહિના પહેલા એન્ટિલિયા ડ્રીમ રેસીડેન્સીમાં 22 લાખનો ફ્લેટ ખરીદી રહેવા માટે આવ્યા હતા. પિતા ભરતભાઈ અને તેમનો પુત્ર હર્ષ દિવાળી પહેલા હીરાના કારખાનામાં કામ કરતા હતા. પરંતુ હીરા ઉદ્યોગમાં કારમી મંદીને કારણે દિવાળી બાદ કામ બરાબર નહીં ચાલતા હીરાનું કામ છોડી દીધું હતું.
ઘરના મોભી એક માસથી બીમાર હતા છેલ્લા એક માસથી ભરતભાઈ છાપરાભાઠા ખાતે વોચમેનની નોકરી પર લાગ્યા હતા. જ્યારે તેમનો પુત્ર હર્ષે પણ એક મહિના પહેલા જ ફાયનાન્સ કંપનીમાં લોન એજન્ટ તરીકેનું કામ શરૂ કર્યું હતું. છેલ્લા એક માસથી ઘરના મોભી ભરતભાઈ બીમાર રહેવા લાગ્યા હતા. તેમણે પિત્તાશયનું ઓપરેશન પણ કરાવ્યું હતું. તેનાથી ઘરની મોટાભાગની આવક ભરતભાઈની સારવાર પાછળ ખર્ચાઈ જતી હતી. જેથી ઘરની આર્થિક સ્થિતિ કથળવા લાગી હતી.

બેન્કના હપ્તા ચડી જતાં મકાનનો સોદો કેન્સલ કરવાનું કહ્યું બીજી તરફ આ પરિવારે 22 લાખમાં જે મકાન લીધું હતું. તે મકાન ઉપર 19થી 20 લાખની લોન પણ લીધી હતી. જેથી, છેલ્લા પાંચેક મહિનાથી મકાનની લોનના હપ્તા પણ બાઉન્સ થતાં હતા. ઘરની આર્થિક પરિસ્થિતિ સુધારવા માટે આ પરિવારે પોતાનું મકાન વેચવા કાઢ્યું હતું. જોકે, પૈસાની તકલીફ હોવાને કારણે તેઓએ આ મકાનનો હિતેશભાઈ નામના વ્યક્તિ સાથે 22 લાખમાં સોદો કરી નાખ્યો હતો અને એક લાખ રૂપિયા ટોકન પેટે પણ લઈ લીધા હતા પરંતુ, બાદમાં મકાન ખરીદનારને જાણ થઈ હતી કે, જે મકાન તેઓએ ખરીદ્યું છે તેના ઉપર બેંકના હપ્તા ચઢી ગયા છે. જેથી આખરે તેઓએ ભરતભાઈ અને તેના પુત્ર હર્ષ પાસે આ મકાનનો સોદો કેન્સલ કરવાનું કહીને રૂપિયા એક લાખ પરત આપવા માંગણી કરી હતી.
સુસાઈડ નોટ લખીને આખા પરિવારે ઝેર ગટગટાવ્યું ભરતભાઈ પાસે પૈસા નહીં હોવાને કારણે સમય પસાર કરતા હતા. આ દરમિયાન મકાન ખરીદનારાઓએ રૂપિયા 1 લાખની માગણી માટે અવારનવાર ફોન કરતા ભરતભાઈ અને હર્ષ કંટાળી ગયા હતા. આ દરમિયાન તેઓએ ગતરોજ સુસાઈડ નોટ લખીને રાત્રે 11.30થી 11.45 વાગ્યાના અરસામાં ઘરમાં ભરતભાઈ, તેના પુત્ર હર્ષ અને ભરતભાઈની પત્ની વનિતાબને સાથે ઝેર ગટગટાવી લીધું હતું. બાદમાં ભરતભાઈએ આ વાતની જાણ પાડોશમાં રહેતા લોકોને કરી હતી.

પોલીસનો કાફલો મોડી રાત્રે સ્મીમેર હોસ્પિટલ પહોંચી ગયો આખા પરિવારે દવા પીધી હોવાથી રાત્રે તત્કાલિક ઇમરજન્સી એમ્બ્યુલન્સ 108ને બોલાવી ત્રણેય વ્યક્તિઓને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં મધ્યરાત્રિ બાદ સાડા ત્રણ વાગ્યે પ્રથમ ભરતભાઈનું અને 15 મિનિટ બાદ પોણા ચાર વાગ્યાના સમયગાળા દરમિયાન માતા વનીતાબેન અને પુત્ર હર્ષનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ બનાવને પગલે જાણ થતાની સાથે જ મોડી રાત્રે અમરોલી પોલીસનો કાફલો સ્મીમેર હોસ્પિટલ પહોંચી ગયો હતો અને આગળની કાર્યવાહી સાથે વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
સુસાઈડ નોટમાં ઉઘરાણી કરનારાઓના નામ છે મૃતક વનિતાબેનના પિતરાઇ બહેન પારૂલબેને જણાવ્યુ હતુ કે, લોનના પ્રેસરથી નથી લાગતુ, જે લોકોને મકાન વેચ્યુ હતુ, સોદો કેન્સલ થતા તે લોકો દ્વારા ઉઘરાણી કરવામાં આવતા આ પગલું ભરી લીધું હતું. ભરતભાઈની તબિયત બગડતા મકાનની અવેજી પેટેના જે પૈસા હતા. તે સારવારમાં વપરાઈ ગયા હતા. જેથી તે પૈસા આપી શક્યા નહતા. સુસાઈડ નોટમાં ઉઘરાણી કરનારાઓના નામ છે. મૃતક ભરતભાઈ પહેલા રત્નકલાકાર તરીકે નોકરી કરતા હતા પરંતુ, તેમની તબિયત બરાબર ન રહેતી હોવાથી ચોકીદારની નોકરી કરતા હતા.

રાત્રે બે વાગ્યે ખબર પડી કે પરિવારે સામૂહિક આપઘાત કર્યો મૃતક વનિતાબેનના સગા મોટા બહેન વસુબેન ધોળકિયાએ રડતાં-રડતાં જણાવ્યું હતું કે અમને રાત્રે બે વાગ્યે ખબર પડી હતી કે પરિવારે સામૂહિક આપઘાત કરી લીધો છે. ઘરમાંથી સુસાઇડ નોટ પણ મળી છે. જેથી ખબર પડી કે લેણદારો તેઓને દબાણ કરતા હતા. અને આ માટે જ આખા પરિવારે સુસાઇડ કર્યું છે. મારી માંગણી છે કે જેના કારણે ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો છે. તેઓને કડકમાં કડક સજા થવી જોઈએ. લેણદારોને એવી સજા થાય કે એમને પણ ખબર પડે કે કોઈના જીવ લેવાથી કેવી સજા થાય.
સુસાઇડ નોટના આધારે તપાસ ચાલુ છે અમરોલી પોલીસ મથકના પીઆઇ જે.બી. વનારે જણાવ્યું હતું કે સામૂહિક આપઘાત કરનાર શિંશાગીયા પરિવારના ઘરમાંથી ગુજરાતીમાં લખેલી એક પાનાની સુસાઇડ નોટ મળી આવી છે. જેમાં બે લેણદારો હિતેશ અને રાજૂના નામ છે. હાલ પરિવારે પોતાના મકાનનો સોદો કર્યો હતો. 22 લાખમાં સોદો કરવામાં આવ્યો હતો. જેમાં એક લાખ રૂપિયા ટોકન પેટે લેવામાં આવ્યા હતા. ખરીદારોને ખબર પડી કે મકાન પહેલાથી જ લોન પર છે, તેથી તેમણે મકાન લેવાની ના પાડી અને ટોકન પેટે આપેલા એક લાખ રૂપિયા પાછા માંગ્યા હતા. અને ધમકી આપતા હતા. ગઈકાલે પણ સવારે 9 વાગ્યે ફોન આવ્યો હતો. હાલ સુસાઇડ નોટના આધારે તપાસ ચાલુ છે.
મૃતક પરિવારના સભ્યો
- ભરતભાઈ દિનેશભાઈ શશાંગીયા(પિતા)
- હર્ષ ભરતભાઈ શશાંગીયા(પુત્ર)
- વનિતાબેન ભરતભાઈ શશાંગીયા(માતા)