વડોદરા,જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા યોજાયેલી લોક અદાલતમાં ૨૪ વર્ષ જૂના માલિક અને ભાડૂતના કેસમાં સમાધાન થયું હતું. તેમજ ૧૦ વર્ષ જૂના સાવલી કોર્ટના એક કેસમાં અદાલતે વીડિયો કોન્ફરન્સથી અમેરિકા રહેતા પક્ષકાર સાથે વાતચીત કરી હતી. તમામ પક્ષકારોને સમજાવ્યા પછી આ કેસમાં આજે સમાધાન થયું હતું.
સાવલીની કોર્ટમાં છેલ્લા ૧૦ વર્ષથી એક કેસ પેન્ડિંગ હતો. જેમાં મિલકતના વિવાદમાં ક્રિમિનલ અને સિવિલ કેસ થયા હતા. પક્ષકારો વચ્ચે છેલ્લા ઘણા સમયથી કાનૂની લડત ચાલતી હતી. મેડિટેશન સેન્ટરમાં દોઢ કલાકની સમજાવટ પછી પક્ષકારો વચ્ચે સમાધાન થયું હતું. પરંતુ, એક પક્ષકાર અમેરિકા હતા.તેઓની બીમારીની સારવાર ચાલતી હોઇ તેઓ વડોદરા આવી શકે તેમ નહતા. જેથી, અદાલતે બે દિવસ પહેલા વીડિયો કોન્ફરન્સથી અમેરિકા રહેતા પક્ષકાર તથા અન્ય પક્ષકારોને હાજર રાખ્યા હતા. સમાધાન માટે તૈયાર થયેલા ડ્રાફ્ટની સમજ આપવામાં આવી હતી. આ લખાણ ઇમેલ મારફતે તેઓને મોકલી સહી કરાવવામાં આવી હતી અને છેવટે આ કેસમાં સમાધાન થયું હતું. જે સમાધાન આજે લોક અદાલતમાં મૂકી કેસ ફેસલ કરવામાં આવ્યો હતો.
આ વર્ષની પ્રથમ લોક અદાલતમાં આજે સયાજીંગજ સેન્ટ્રલ એસ.ટી.ડેપો નજીક આવેલી મિલકતમાં માલિક અને ભાડૂત વચ્ચે છેલ્લા ૨૪ વર્ષથી કેસ ચાલતો હતો. આ કેસમાં આજે સમાધાન થયું હતું. ભાડૂત દ્વારા છ મહિનામાં મિલકતનો કબજો સોંપી દેવાની ખાતરી આપવામાં આવી હતી.
આજની લોક અદાલતમાં ચેક રિટર્નના ૩,૨૦૫ કેસમાં સમાધાન થયું હતું. ટ્રાફિક નિયમ ભંગના ૭૧,૩૧૯ ચલણની ભરપાઇથી ૨.૪૬ કરોડ ભરપાઇ થયા હતા. લોક અદાલતમાં સમાધાનથી કુલ ૮૩.૫૩ કરોડનું સેટલમેન્ટ થયું હતું.
વાહન અકસ્માતના એક કેસમાં ૯૫ લાખનું વળતર ચૂકવાયું
વડોદરા,વાહન અકસ્માતના ૧૦૧ કેસમાં સમાધાન થયું હતું. જેમાં ૧ કેસમાં ૯૫ લાખ રૃપિયામાં ઇન્સ્યોરન્સ કંપની અને ફરિયાદી વચ્ચે સમાધાન થયું હતું. આ કેસમાં કાર અને બાઇક વચ્ચે અકસ્માત થતા બાઇક પર જતા બેન્ક મેનેજરનું અવસાન થયું હતું. જેના વળતરનો કેસ થયો હતો. જ્યારે અન્ય એક બનાવમાં પીસીઆર વાનની અડફેટે બાઇક સવારનું મોત થયું હતું. જેમાં વીમા કંપનીએ ૮૧ લાખનું વળતર ચૂકવવાનું નક્કી થતા સમાધાન થયું હતું.